બોલ બચ્ચન:રાજકોટ RTOમાં વાહનમાં પસંદગીના નંબર માટે 4.85 લાખ અને 3.55 લાખની બોલી લગાવનારે નાણાં જ ન ભર્યા!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 0055 અને 1111 નંબર લેનાર અરજદારે પૈસા ન ભરતા RTOએ ડિપોઝિટ જપ્ત કરી

વાહનોમાં પસંદગીના નંબર લેવા માટે નંબરપ્રેમીઓ લાખોની બોલી લગાવતા હોય છે, કેટલાક મનગમતા નંબર પોતાના વાહનમાં લગાવવા અરજદારો લાખો રૂપિયા ખર્ચતા અચકાતા નથી પરંતુ કેટલાક માત્ર ઓક્શન દરમિયાન ઊંચી બોલી જ લગાવે છે, સર્વોચ્ચ બોલી લગાવ્યા બાદ પાંચ દિવસમાં જ્યારે પૈસા ભરવાનો સમય આવે છે ત્યારે કેટલાક નંબરપ્રેમીઓ હાથ ઊંચા કરી દે છે અને પૈસા ભરતા નથી.

તાજેતરમાં જ આરટીઓ દ્વારા જાહેર કરાયેલી ટુ વ્હિલર માટેની નવી સિરીઝ GJ03MFના ઓક્શનનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં એક વાહનચાલકે અંદાજિત 90 હજારના મોપેડ વાહન માટે પસંદગીનો નંબર 0055 લેવા વાહનની કિંમત કરતા પાંચ ગણી કિંમત રૂ. 4,85,000ની બોલી લગાવી હતી, જ્યારે અન્ય એક મોપેડ માટે 1111 નંબર લેવા માટે બીજા વાહનચાલકે રૂ. 3.55 લાખની બોલી લગાવી હતી, પરંતુ બંને અરજદારોએ પૈસા નહીં ભરતા આરટીઓએ તેમની ડિપોઝિટ રદ કરી છે.

રાજકોટ આરટીઓએ જાહેર કરેલી GJ03MF સીરીઝમાં કુલ 1435 વાહનચાલકોએ પોતાને મનગમતા નંબરો ઈ-ઓક્શનના માધ્યમથી ખરીદ્યા હતા જેની આરટીઓને એક જ સીરીઝની રૂ. 50,89,500ની આવક થઇ હતી. રાજકોટ આરટીઓની ટુ વ્હિલર માટેની નવી સીરીઝ GJ03MFમાં સૌથી વધુ રકમ 0055 નંબરની રૂ. 4.85 લાખ થઇ હતી જ્યારે બીજા ક્રમે 1111 નંબર 3.55 લાખમાં વેચાયો હતો, પરંતુ બંને વાહનચાલકોએ પોતાના પસંદગીના નંબર માટે જરૂરી રકમ આરટીઓ તંત્રમાં જમા નહીં કરાવતા તેમણે લીધેલો નંબર પણ તેમનામાંથી રદ કરી દેવાયો છે અને તેમની ડિપોઝિટની રકમ પણ જપ્ત કરી લેવામાં આવી છે. 0055 અને 1111 આ બંને ગોલ્ડન પ્રકારના નંબરને ફરી રિ-ઓક્શનમાં નાખી દેવાયા છે એટલે કે આ નંબરોનું બીજી વખત ઓક્શન કરવામાં આવશે.

દરેક સીરીઝમાં રૂપિયા નહીં ભરનારા પાંચ-સાત કેસ હોય છે
આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ડી પાનશેરિયા જણાવે છે કે, વાહનોની સીરીઝમાં જે અરજદારો ભાગ લે છે તે નિયમ મુજબ ગોલ્ડન અને સિલ્વર નંબર પ્રમાણે મિનિમમ ડિપોઝિટ ભરવાની રહે છે. દરેક સીરીઝમાં પાંચથી સાત એવા અરજદારો હોય જ છે જેઓ ઓક્શન સમયે બોલી લગાવે છે પછી પૈસા ભરતા નથી, આવા અરજદારો નિયત સમયમાં પૈસા ન ભરે તો જે-તે નંબર માટેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ જે નંબર માટે પૈસા ભરાયા ન હોય તે નંબરનું ફરી વખત ઓક્શન કરવામાં આવે છે અને જે વધુ બોલી લગાવે તેને ફાળવી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...