હુકુમ:અધિકારીની ઓળખ આપી ઠગાઇ કરનાર બેના જામીન રદ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનપાના આવાસમાં ક્વાર્ટર આપવાનું કહી 5.51 લાખ ઓળવી ગયા’તા

મહાનગરપાલિકાના અધિકારી તરીકેની ઓળખ આપી આવાસમાં ક્વાર્ટર અપાવી દેવાનું કહી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મનસુખ મનુ એધાણી અને પીયૂષ ધરમશી વસાવડિયાએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. છેતરપિંડીના કેસમાં ભાવેશ પંડ્યા નામના શખ્સે તેના મામા દિનેશભાઇ પાઠકને પોતે મનપાના અધિકારીઓને ઓળખે છે. તેણે સસ્તા ભાવે ક્વાર્ટર અપાવી દેવાની વાત કરી હતી. જેથી દિનેશભાઇના કારખાનામાં કામ કરતા સલીમભાઇ કંડોળિયા તેમજ તેની સાથેના અન્ય પાંચ લોકોએ ક્વાર્ટર ખરીદવાની વાત કરી હતી.

ત્યારે પીયૂષે મનસુખ તેમજ ભાવેશ પંડ્યા સાથે મળી ખોટા વેચાણ દસ્તાવેજ બનાવી સરકારી સહી-સિક્કા કરી રૂ.5.51 લાખની રકમ મેળવી હતી. લાંબા સમય પછી પણ ક્વાર્ટર નહિ મળતા છેતરપિંડી થયાનું માલૂમ પડતા એડવોકેટ સંજય એચ.પંડ્યા મારફત કોર્ટમાં ફરિયાદ કરતા અદાલતે પોલીસને ગુનો નોંધવા હુકમ કર્યો હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન બંને આરોપીએ જામીન પર છૂટવા અરજી કરતા અદાલતે બંને આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

5 કરોડના સોનાની છેતરપિંડી કેસમાં બે આરોપીના જામીન રદ
સોનીબજારમાં વેપારીઓનું સોનું ચાઉ કરી જઇ છેતરપિંડી કરનાર તેજશ ઉર્ફે બોબી શિરીષ રાણપરા અને રૂપેશ શિરીષ રાણપરાએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. ઉપરોક્ત આરોપી વેપારીઓ પાસેથી સોનું લઇ ઘરેણાં બનાવવાનું કામ કરતો હોય દિવાળી પૂર્વે જસ્મીનભાઇ વલ્લભભાઇ કણસાગરા સહિતના વેપારીઓ પાસેથી રૂ.5 કરોડનું સોનું ઘરેણાં બનાવવા લીધું હતું. લાંબા સમય પછી પણ તેજશ ઉર્ફે બોબી અને તેના ભાઇ રૂપેશે સોનું કે ઘરેણાં વેપારીઓને પરત નહિ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બંનેને જેલહવાલે કર્યા હતા. બંને આરોપીએ જામીન પર છૂટવા અરજી કરતા સરકારી વકીલ મુકેશભાઇ પીપળિયાએ બંને આરોપીઓ લાખો રૂપિયાનું સોનું ઓળવી ગયા હોવાથી તેમને જામીન પર ન છોડવા રજૂઆત કરતા બંનેના જામીન નામંજૂર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...