પ્લેનમાં આઈફોન મોબાઈલની ચોરી:દિલ્હીની ફ્લાઈટ રાજકોટ લેન્ડ કરતી વખતે આર્કિટેક્ટનો ફોન નીચે પડી ગયો, એરહોસ્ટેસે બેસી જવા કહ્યું ને ફોન ગાયબ!

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
આર્કિટેક્ટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર) - Divya Bhaskar
આર્કિટેક્ટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર)

રાજકોટમાં રહેતાં આર્કિટેક્ટ દિલ્હીથી રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવ્યા ત્યારે તેમનો મોંઘી કિંમતનો આઈફોન વાઇબ્રેટ થવાને કારણે સીટની નીચે પડી જતાં ફરી તે પરત નહીં મળતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી ત્યારે તેનો ફોન નીચે પડી ગયો હતો. પરંતુ એરહોસ્ટેસે તેને બેસી જવાનું કહ્યું હતું અને આટલી જ વારમાં ફોન ગાયબ થઈ ગયો હતો.

આર્કિટેક્ટે પોલીસ ફરિયોદ નોંધાવી
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મોટામવામાં અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલા સવન સ્ટેટસ ફ્લેટ નં.601માં રહેતા અને વ્યવસાયે આર્કિટેક્ટ એવા ભાર્ગવ મનસુખભાઈ કોટડિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 10-3-2023ના સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ તેઓ દિલ્હીથી રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસી રાજકોટ આવવા માટે નીકળ્યા હતા.

વાઇબ્રેશનને કારણે ફોન સીટ પરથી નીચે પડ્યો
વધુમાં જણાવ્યા પ્રમાણે ફ્લાઈટમાં તેઓ આરામ કરી રહ્યા હોવાથી ફોન બન્ને પગ વચ્ચે સીટ પર રાખ્યો હતો. સાંજે સાતેક વાગ્યા આસપાસ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થતી હતી ત્યારે લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટમાં થતાં વાઇબ્રેશનને કારણે ફોન સીટમાંથી નીચે કારપેટ ઉપર પડી ગયો હતો. આથી હું મારો ફોન લેવા માટે ઉભો થયો, પરંતુ ત્યારે મને ફરજ પર રહેલી એર હોસ્ટેસે ફ્લાઈટ લેન્ડ થતી હોવાથી મને નીચે બેસી જવા માટે કહ્યું હતું. આથી મેં તેને કહ્યું હતું કે, મારો ફોન નીચે પડી ગયો છે, પરંતુ એર હોસ્ટેસે મને એવો જવાબ આપ્યો હતો કે, ફ્લાઈટ લેન્ડ થઈ જાય અને બધા મુસાફર ઉતરી જાય પછી તમારો ફોન લઈ લેજો.

ફોન શોધ્યો પણ મળી ન આવ્યો
વધુમાં જણાવ્યું છે કે, આ જવાબ સાંભળીને હું મારી સીટ પર બેસી ગયો હતો. આ દરમિયાન મારો ફોન મારી સીટની આગળ સરકી ગયો હતો અને ફ્લાઈટમાંથી બધા પેસેન્જર ઉતરી ગયા બાદ મેં મારો ફોન શોધ્યો હતો. પરંતુ તે મળી ન આવતાં ચોરાઈ ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી
ગાંધીગ્રામ પોલીસે ભાર્ગવ કોટડિયાની ફરિયાદના આધારે અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તજવીજ શરૂ કરી છે. જાણવા મળ્યા પ્રમાણે જે ફોન ચોરાઈ ગયો છે તે આઈફોન-14, 256 જીબી (બ્લ્યુ કલર)નો હોવાનું તેમજ તે ફોન એસ્ટ્રોન ચોક પાસે આવેલા આઈબીઝ સ્ટોરમાંથી ખરીદવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...