તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:હોટેલમાં હોસ્પિટલ ચાલુ કરી દેનારની આગોતરા જામીન અરજી ફગાવાઈ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્યામ રાજાણી - Divya Bhaskar
શ્યામ રાજાણી
  • દર્દીને લૂંટવાની ચેષ્ટા કર્યાની સરકારી વકીલની દલીલ
  • બે વર્ષ પહેલા પણ શ્યામે ડિગ્રી વગર હોસ્પિટલ ચાલુ કરી’તી

શહેરના કુવાડવા રોડ પર રેસ્ટોરન્ટના ઓઠા હેઠળ કોવિડ હોસ્પિટલ ચાલુ કરી દેનાર બોગસ ડોક્ટર શ્યામ રાજાણી સામે ગુનો નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, શ્યામે આગોતરા જામીન અરજી કરી હતી જેને રાજકોટના એડિશનલ સેશન્સ જજ જાદવે ફગાવી દીધી હતી.

કુવાડવા રોડ પર પાંચ વર્ષ પહેલા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરી પોતાને ડોક્ટર તરીકે ઓળખાવનાર શ્યામ રાજાણી બોગસ ડોક્ટર હોવાનો બે વર્ષ પૂર્વે પર્દાફાશ થયો હતો, શ્યામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તબીબી વિદ્યાશાખાની એક વિદ્યાર્થિનીની ડિગ્રીમાં છેડછાડ કરી પોતાના નામની ડિગ્રી બનાવી શ્યામ પોતાને ડોક્ટર તરીકે ઓળખાવતો હતો, એ ગુનામાં જેલમાં પણ ધકેલાયો હતો, પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં દર્દીઓ હોસ્પિટલમાં બેડ મેળવવા માટે દરદર ભટકી રહ્યા હતા ત્યારે આ સ્થિતિમાં દર્દીની મજબૂરીનો આર્થિક લાભ મેળવવા માટે શ્યામ રાજાણીએ કુવાડવા રોડ પર રેસ્ટોરન્ટના ઓઠા હેઠળ કોવિડ હોસ્પિટલ ચાલુ કરી દીધી હતી અને પોતાની પાસે મેડિકલની કોઇપણ ડિગ્રી નહીં હોવા છતાં કોરોનાના દર્દીની સારવાર કરી દર્દી સાથે જીવલેણ ચેડાં કર્યા હતા. આ અંગે બી.ડિવિઝન પોલીસે શ્યામ રાજાણી સામે ગુનો નોંધતા જ તે નાસી ગયો હતો.

ફરાર શ્યામ રાજાણીએ આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ દલીલ કરી હતી કે, શ્યામ રાજાણીએ મેડિકલ ડિગ્રી વગર કોવિડ હોસ્પિટલ શરૂ કરી આવા દર્દીઓની દારૂણ પરિસ્થિતિનો નાણાકીય લાભ લેવામાં આરોપી શ્યામ રાજાણીએ કાયદો વ્યવસ્થા, કોર્ટ તથા પોલીસ ડિપાર્ટમેન્ટના સમગ્ર અસ્તિત્વને ચુનૌતી આપી છે, આવી માનસિકતા ધરાવતા આરોપીને જામીન આપવાથી આ મહામારીના કપરા કાળમાં બીજા ઇસમોને પણ પરિસ્થિતિનો લાભ લેવાની પ્રેરણા મેળે છે.

બંને પક્ષની દલીલો બાદ એડિશનલ સેશન્સ જજ જાદવે આરોપી શ્યામ રાજાણીની આગોતરા જામીન અરજી રદ કરી હતી. બે વર્ષ પહેલાં શ્યામ રાજાણીએ હોસ્પિટલ શરૂ કર્યા બાદ તેમાં દર્દીઓને સારવાર અને ઓપરેશન પણ કર્યા હતા. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તેમજ વહીવટીતંત્રે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ફરી એક વખત રાજાણીએ હોસ્પિટલ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...