કાર્યવાહી:દાંડી નમકમાંથી આયોડિનનું પ્રમાણ માન્ય 30 પીપીએમ કરતા વધુ નીકળ્યું, દંડ કરાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટ મનપાની ફૂડ શાખાએ લીધેલા સેમ્પલ ફેલ જતા ચાલ્યો હતો કેસ
  • રાજકોટના વિક્રેતા તેમજ મીઠાની ઉત્પાદક કંપની સુધીના સામે કાર્યવાહી

મનપાની ફૂડ શાખાએ સમયાંતરે જે તે વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લઈને લેબમાં મોકલે છે અને લેબમાં જો સેમ્પલ ફેલ જાય તો તેને લઈન FSSAIના કાયદા હેઠળ રાજકોટ અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલે છે. એક કેસમાં મીઠાની ઉત્પાદક કંપનીને દંડ કરાયો છે. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર શહેરના ભાવનગર રોડ પર મોહિત રાજાણીની જી.ટી. સોલ્ટ નામની પેઢીમાંથી દાંડી ફ્રી ફ્લો આયોડાઈઝ્ડ સોલ્ટના સેમ્પલ લીધા હતા. મીઠામાં આયોડિનનું પ્રમાણ કાયદાની જોગવાઈ 15થી 30 પીપીએમ છે જ્યારે લેબ પરીક્ષણમાં 30 પીપીએમ કરતા વધુ નીકળતા સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો.

આ સંદર્ભે અધિક નિવાસી કલેક્ટર કેતન ઠક્કરની કોર્ટમાં કેસ ચાલતા તેઓએ પેઢીને 15000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જ્યારે મીઠાની ઉત્પાદક કંપની ઈન્ડો બ્રાઈન ઈન્ડસ્ટ્રીઝ મું. ચોરપરડા, ભચાઉ(કચ્છ) ને 50,000ની પેનલ્ટી ફટકારી છે.

આયોડિન વધુ હોય તો થાઈરોઈડની કામગીરી નબળી પડે
લોકોને આયોડિનની ઊણપ ન રહે તે માટે મીઠામાં આયોડિન ઉમેરવાનો નિયમ છે. જોકે તે મર્યાદા કરતા વધુ આયોડિન મીઠામાં ભેળવાય તો સૌથી પહેલા જમવાના સ્વાદમાં તફાવત નજરે ચડે. આયોડિનનું પ્રમાણ શરીરમાં વધે તો ફેફસાંમાં પાણી ભરાવાની, શરીરમાં સોજા ચડવાની, માથાના દુખાવાની સામાન્ય સમસ્યાથી માંડી થાઈરોઈડ ગ્રંથિની કામગીરી નબળી પડે ત્યાં સુધીની અસરો આવી શકે તેમ મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડે જણાવ્યું છે.

દૂધના 3 નમૂનામાં ભેળસેળ
ફૂડશાખાએ લૂઝ દૂધ અને પેકેજ્ડ દૂધના લીધેલા સેમ્પલમાંથી અધિક કલેક્ટરે 3 ફેલ સેમ્પલમાં પેનલ્ટી કરવાનો હુકમ કર્યો છે. જેમાં ખોડિયાર ડેરી ઢોલરા ગામેથી લૂઝ દૂધ લઈને આવેલા ધનજી લાખા માટિયાને 5,000નો દંડ, ધવલ વિનોદ ગજેરા(રામેશ્વર ડેરી, ઓમનગર) ને 10,000નો દંડ કરાયો છે. જ્યારે રૈયા ગામ મેઈન રોડ પર આવેલી જનતા ડેરીમાંથી પેસ્ચૂરાઇઝ ફુલ ક્રીમ મિલ્કના પેકેટનો નમૂનો લીધો હતો જે સબસ્ટાન્ડર્ડ જાહેર થતા જનતા ડેરીના હેમંતસિંહ ચાવડાને 10,000 રૂ.ની પેનલ્ટી તેમજ ઉત્પાદક જનતા મિલ્ક ફૂડ પ્રોડક્ટ પેઢીને 50,000નો દંડ તેમજ પેઢીના જવાબદાર ધર્મેન્દ્રસિંહ ચાવડાને 25,000ની પેનલ્ટી ફટકારાઈ છે.

અન્ય સમાચારો પણ છે...