તંત્રની બેદરકારી:એજન્સીની ભૂલ ભરેલી ડિઝાઇન R&Bએ માની લીધી અને ખર્ચ 14 કરોડ વધી ગયો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ ચોકના બ્રિજની એજન્સીએ ડિઝાઇન બનાવી તેને તંત્રએ મંજૂર કરી
  • છ મહિના બાદ સ્થળ મુલાકાત કરી તો ખબર પડી કે પાયો 4.5 નહીં પણ 7 મીટરનો હોવો જોઇએ

રાજકોટના હોસ્પિટલ ચોકમાં બની રહેલા બ્રિજમાં ટેન્ડરમાં ન હોય તેવા વધારાના કામ માટે 14.95 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે આ ખર્ચ શા માટે કરવો પડ્યો તે માટે ડિઝાઈન એજન્સી ડીઇએલએફને ખુલાસો પૂછી તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે તેવું સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે.

હોસ્પિટલ ચોક બ્રિજમાં ખર્ચ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, જે વધારાનો ખર્ચ થયો છે તેમાં નવા બોક્સ કલ્વર્ટ બનાવવાનો છે. આ ઉપરાંત લાઈન શિફ્ટિંગનો ખર્ચ ધાર્યો હતો તેના કરતા 3 ગણો થયો છે કારણ કે, આ લાઈન જૂની હતી તેથી નેટવર્ક પણ અસ્તવ્યવસ્ત હતું. જ્યારે બ્રિજનું કામ ચાલુ થયું ત્યારે ડિઝાઈનમાં 4.5 મીટરની ઊંડાઈએ પાયો ખોદવાનો ઉલ્લેખ હતો પણ માર્ગ અને મકાન વિભાગે ડિઝાઈનને લઈને સ્થળ તપાસ કરી હતી અને પાયો 7 મીટર જેટલો ઊંડો હોવો જોઇએ તેવો અભિપ્રાય આપ્યો હતો.

આ ઉપરાંત બ્રિજના ભાગ પ્રિ-કાસ્ટ એટલે કે અન્ય સ્થળેથી બનાવીને બે પિયર પર મુકાય છે તેને બદલે પ્રિ-સ્ટ્રેસ ટેક્નોલોજી કે જેમાં પ્રિ-કાસ્ટ ગર્ડરને ખેંચીને મજબૂતાઈ અપાય છે તે વાપરવા કહ્યું હતું આ કારણે ખર્ચ વધ્યો છે. પાયો ઊંડો ઉતરે એટલે તેમાં પહેલા કરતા વધુ ખોદાણ, તેટલું લોખંડ અને સિમેન્ટ વાપરવું પડે આથી ડિઝાઈન બનાવનાર એજન્સી પાસે આ અંગે ખુલાસો પૂછાશે કે ડિઝાઈન બનાવતી વખતે પાયાની ઊંડાઈ શા માટે યોગ્ય ગણાઈ નથી અને બાદમાં જરૂર પડ્યે એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

મનપાએ બ્રિજની આ ડિઝાઈન માટે જે એજન્સીને કામ સોંપાયું હતું તેણે જે ડિઝાઈન બનાવી હતી તે જ માર્ગ અને મકાન ડિઝાઈન સર્કલે મંજૂર કરી કામ ચાલુ કરાવ્યું હતું જોકે અધિકારીઓએ સ્થળ મુલાકાત લેતા ખરેખર મજબૂતાઇ માટે શું કરવું તે ઊડીને આંખે વળગ્યું હતું તેથી દરેક બ્રિજની ડિઝાઈન મંજૂર કર્યા બાદ એક કરતા વધુ વખત તંત્ર ઈન્સ્પેક્શન કરે તો ડિઝાઈન બનાવનાર એજન્સીઓની ઘણી ભૂલો સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...