ભોપાળું:એજન્સીએ અનેક ગ્રાહકોના મીટર રીડિંગ લીધા જ નહીં! ચેકિંગ કરતા ભોપાળું ખુલ્યું

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો સાથે બારોબાર સેટિંગ કરી ઓછા યુનિટનું બિલ અપાતું’તું, બે ગ્રાહકે મીટર બાળી નાખ્યા

પીજીવીસીએલ દ્વારા અગાઉ મીટર રીડિંગ લેવા અને બિલિંગ માટે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો જેમાંથી એજન્સીના કેટલાક મીટર રીડરો વીજગ્રાહકો સાથે બારોબાર સેટિંગ કરીને ઓછા યુનિટનું બિલ આપતા હોવાનો અગાઉ પણ ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો હતો પરંતુ તાજેતરમાં જ પીજીવીસીએલ દ્વારા હવે મીટર રીડિંગ એજન્સીનો કરાર બંધ કરી વીજકંપનીના જ કર્મચારીઓ દ્વારા રીડિંગની કામગીરી શરૂ કરતા અગાઉની એજન્સીનું ભોપાળું બહાર આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વીજગ્રાહકોના મીટર રીડિંગ લેવાના જ પેન્ડિંગ હોવાનું બહાર આવ્યું છે.

આ ઉપરાંત મહિનાઓ સુધી મીટર રીડિંગ નહીં કર્યા બાદ કેટલાક ગ્રાહકો ગેરરીતિ છુપાવવા મીટરમાં ગેરરીતિ કરીને અથવા મીટર બાળી નાખતા હોય છે. રાજકોટમાં બે વીજગ્રાહકોએ મીટર બાળી નાખતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં રાજકોટના આજી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં તથા રણછોડનગર વિસ્તારમાં મીટર ડિસ્પ્લે બાળી નાખવાના તથા મીટર બાળી નાખવાના કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં પીજીવીસીએલ દ્વારા નિયમોનુસાર વીજજોડાણ કાપીને પાવરચોરીના બિલની લાખો રૂપિયાની રકમ વસૂલ કરી છે.

સૌરાષ્ટ્રમાંથી 145 કરોડની પાવરચોરી પકડાઈ
પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ઘણા સમયથી વ્યાપક પ્રમાણમાં જીયુવીએનએલ, પીજીવીસીએલ વિજિલન્સ સ્ક્વોડ અને સબ ડિવિઝનના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા વીજચેકિંગ હાથ ધરતા છેલ્લા અંદાજિત રૂ.145 કરોડના વીજબિલો જુદી જુદી કેટેગરીમાં એપ્રિલ માસથી અત્યાર સુધીમાં અપાતા વિજિલન્સ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ઉત્સાહ વધતા વધુ વેગથી વીજચેકિંગની કામગીરી કરવા પ્રેરાયા છે.

મીટર બાયપાસ કરીને વીજચોરી થતી’તી
વીજચોરીના ડેટાનું એનાલિસિસ કરતાં ટ્રાન્સફોર્મર પરથી સીધું જ કેબલ નાખી મીટર બાયપાસ કરી દેવો, મીટર ફરતું બંધ કરી દેવું અથવા ધીમું ફરે તેવી વ્યવસ્થા કાયમી રીતે કરવી, ખાનગી કંપનીના મીટર રીડર્સ સાથે સંબંધ રાખી મીટરમાં રીડિંગ પેન્ડિંગ રાખી બિલો બનાવવા અને પેન્ડિંગ રીડિંગ વધી જાય ત્યારે મીટર જ બાળી નાખવું સહિતની ગેરરીતિઓ સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...