તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર રોડ હત્યા કેસ:પ્રૌઢને પત્નીના પ્રેમીએ જ પતાવી દીધો, બાદમાં પ્રેમિકાને કહ્યું, ‘તારા પતિને કામે લગાડી દીધો’

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જામનગર રોડ પર IOCના ડેપો નજીકથી હત્યા કરાયેલી મળેલી લાશમાં આરોપી બિહારીને ઝડપી લીધો
  • 5 વર્ષથી પ્રૌઢની પત્ની સાથે પ્રેમ હતો, આડખીલીરૂપ બનતા તેને પતાવી દીધાની આરોપીની કબૂલાત

શહેરના જામનગર રોડ પર આઇઓસીના ડેપો નજીકથી હત્યા કરાયેલી પ્રૌઢની લાશ મળવાના મામલામાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રૌઢની યુવાન પત્ની સાથે છેલ્લા પાંચ વર્ષથી સંબંધ ધરાવતા તેના પ્રેમીએ જ પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધા હતા. પોલીસે હત્યારા બિહારી શખ્સને ઝડપી લીધો હતો. આઇઓસી ડેપો નજીકથી ગત તા.4ના બપોરે અજાણ્યા પ્રૌઢની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી હતી. પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ધડાકો થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

મૃતક માધાપરના ઇશ્વરિયાપાર્કમાં રહેતા અને દરજી કામ કરતાં સાગરભાઇ જમનાદાસ રાઠોડ (ઉ.વ.55) હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું. પ્રૌઢની હત્યા કોણે અને શા માટે કરી તે બાબતે પોલીસે તપાસ કેન્દ્રિત કરી હતી. પ્રૌઢ સાગરભાઇની પત્ની સંગીતા મહારાષ્ટ્રના ધુલિયાની વતની છે અને તેની ઉંમર 35 વર્ષની છે, પતિ-પત્નીની ઉંમરનો ગેપ જોતા પોલીસે સાગરભાઇ અને તેની પત્ની સાથેના સંબંધો પર તપાસ કેન્દ્રિત કરતાં સંગીતાને તેના પતિ સાગરભાઇના મિત્ર સંજય ઉર્ફે છોટિયો ઉર્ફે બિહારી પાસ્વાન સાથે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ જોગરાણા સહિતની ટીમે સંજય ઉર્ફે બિહારીને મંગળવારે ઉઠાવી લીધો હતો. સંજય ઉર્ફે બિહારીએ હત્યાની કબૂલાત આપી હતી, સંજયે કેફિયત આપી હતી કે, સંગીતા સાથે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો અને આ પ્રેમસંબંધમાં સાગરભાઇ આડખીલીરૂપ બનતો હોવાથી તેને પતાવી દીધો હતો. સાગરભાઇની હત્યા કર્યા બાદ સંજયે તેની પ્રેમિકાને કહ્યું હતું કે, ‘તારા પતિને કામે લગાડી દીધો છે’, જોકે પ્રેમીની આ વાતથી તેણે હત્યા કર્યા અંગેનો તેને ખ્યાલ નહીં હોવાનું સંગીતાએ પોલીસ સમક્ષ રટણ રટ્યું હતું.

પ્રૌઢને દારૂ પીવડાવી અવાવરું સ્થળે લઇ ગયો’તો
સાગરભાઇ અને આરોપી સંજય ઉર્ફે બિહારી વર્ષોથી મિત્રો હતો અને સંજય વારંવાર તેના મિત્રના ઘરે જતો હતો, તા.3ની રાત્રીના સંજયે મિત્ર સાગરભાઇને દારૂ પીવડાવ્યો હતો અને નશાની હાલતમાં તેને આઇઓસી ડેપો પાસે લઇ જઇ ત્યાં માથા, નાક અને ગુપ્તભાગ પર પથ્થર મારી પ્રૌઢને પતાવી દીધા હતા.

પ્રૌઢની હત્યા કર્યા બાદ પ્રેમી પતિની જેમ પોતાને પણ મારી નાખશે તેવા ડરથી બિહાર સાથે ન ગઇ
માધાપરના ઇશ્વરિયા પાર્કમાં રહેતા પ્રૌઢને તેની પત્નીના પ્રેમીએ પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી બિહારી શખ્સને સકંજામાં લીધો હતો, પ્રૌઢની હત્યા કર્યા બાદ આરોપી મૃતકની પત્નીને સતત ફોન કરીને બિહાર ભાગી જવાનું કહેતો હતો, પરંતુ પતિની હત્યા કરી તેમ પોતાની પણ હત્યા કરી નાખશે તેવા ભયથી યુવતી સાથે ગઇ નહોતી. ઇશ્વરિયા પાર્કના સાગરભાઇ જમનાદાસ રાઠોડ (ઉ.વ.55)ની લાશ ગત તા.4ના આઇઓસી ડેપો નજીકથી મળી આવી હતી. આ મામલામાં ગાંધીગ્રાના પીએસઆઇ ગઢવીએ તા.12ના હત્યા અંગેની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે સંજય ઉર્ફે છોટિયો ઉર્ફે બિહારી દેવેન્દ્ર પાસવાનનું નામ આપ્યું હતું.

પોલીસે સંજય ઉર્ફે છોટિયાને સકંજામાં લઇ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, રિપોર્ટ નેગેટિવ આવ્યે તેની ધરપકડ કરવામાં આવશે. આરોપી સંજય ઉર્ફે છોટિયાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, પોતે પાંચેક વર્ષ પહેલા કડિયાકામની મજૂરી કરતો હતો ત્યારે સાગરભાઇની યુવાન પત્ની મહારાષ્ટ્રની વતની સંગીતા (ઉ.વ.35) સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા, સંગીતાએ જ તેના પતિ સાથે ઓળખ કરાવી હતી અને તે અવાર નવાર તેના ઘરે જતો હતો, સંગીતાને સાથેના પોતાના સંબંધ પતિ પત્ની તરીકેના જ હતા. સંગીતાને પામવા માટે તેના પતિ સાગરભાઇની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને તે અંગે અગાઉ સંગીતાને જાણ કરી હતી, પરંતુ સંગીતા પતિ સાગરભાઇની હત્યા કરવાની ના કહેતી હતી.

પ્રેમિકા સંગીતા સાથેના પ્રેમસંબંધમાં તેનો પતિ સાગરભાઇ આડખીલીરૂપ બનતા ગત તા.3ના રાત્રીના તેને આઇઓસી ડેપો નજીક લઇ જઇ પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હતો. હત્યા કર્યા બાદ સંગીતાને ફોન કરી હત્યા કર્યાની જાણ પણ કરી હતી. પોલીસે સંગીતાની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, સંજય ઉર્ફે છોટિયા સાથે પ્રેમસંબંધ હતો, પતિ પોતાના કરતા વધુ વયનો હોવાથી તે પસંદ નહોતો અને સંજય યુવાન હોવાથી તેની સાથે લગાવ હતો, સંજયે હત્યા કર્યા બાદ ફોનથી જાણ કરી હતી અને પોતાની સાથે બિહાર ભાગી જવાનું કહ્યું હતું, પરંતુ પતિની હત્યા કરી તેમ ભવિષ્યમાં પોતાની પણ હત્યા કરી નાખશે તેવો ભય લાગતો હોય તેની સાથે ગઇ નહોતી તેમજ સાગરભાઇની હત્યા અંગે પોલીસને જાણ નહીં કરવા સંજયે ધમકી આપી હોવાથી પોલીસને હત્યા અંગે જાણ કરી નહોતી.

પોલીસે મૃતકની પત્ની સંગીતાને આ કેસમાં શાહેદ બનાવી હતી. ધરપકડ બાદ આરોપીના રિમાન્ડની માંગ કરાશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

યુવતીએ પતિને ચેતવ્યા હતા કે, ‘એ તમને મારવા માગે છે’
સાગરભાઇની હત્યામાં સંગીતાની પણ વરવી ભૂમિકા હોવાનું એક તબક્કે પોલીસને લાગતું હતું, પોલીસે પૂછપરછ કરતાં સંગીતાએ કહ્યું હતું કે, સંજય બિહારી તેના પ્રેમમાં પાગલ થયો હતો અને તે પોતાની સાથે રાખવા માગતો હતો. સાગરભાઇને મારી નાખવા માટે સંજયે અગાઉ સંગીતાને વાત કરી હતી ત્યારે સંગીતાએ ના કહી હતી, અને સંગીતાએ આ અંગે પતિને સાવચેત કરવા એવું કહ્યું હતું કે, સંજય તેના એકતરફી પ્રેમમાં પાગલ થયો છે, એ તમને મારવા માગે છે માટે એની સાથે ક્યારેય એકલા જતા નહીં. સંગીતાની ટકોરને સાગરભાઇએ ધ્યાને લીધી નહોતી અને અંતે સંજયે તેની હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...