પ્રયાસ:કલાકારોને વિશ્વાસ છે સરકાર પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી આપશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિમાં અર્વાચીન રાસોત્સવ યોજાય તેવી ગતિવિધિઓ શરૂ
  • ગુજરાત પ્રદેશ ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનરે કહ્યું, સરકાર મંજૂરી નહીં આપે તો રાજીનામું આપી દઇશ, અમારો પ્રયાસ કલાકારોને રોજીરોટી મળે તે માટેનો છે

રાજ્યમાં કોરોનાને કારણે નવરાત્રિમાં અર્વાચીન રાસોત્સવ, મેળા, ડાયરા જેવા કોઇ કાર્યક્રમો યોજાયા નથી. આ વર્ષે પણ નવરાત્રિમાં માત્ર શેરી ગરબાઓને મંજૂરી અપાઈ છે ત્યારે પ્રદેશ ભાજપના સાંસ્કૃતિક સેલના કન્વીનરે કહ્યું છે કે, સરકાર પાર્ટી પ્લોટમાં પણ મંજૂરી આપશે. બિહારીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા 19 મહિનાથી કલાકારો બેકાર છે અને કોઇ રોજગાર નથી. ગત દિવાળીએ કલાકારોમાં કિટ વિતરણ કરીને પૂરું કર્યું હતું. હવે માતાજીની આરાધનાથી કોઇ બે પાંદડે થાય તે માટે પ્રયત્નો ચાલુ કર્યા છે.

રજૂઆત પણ કરી છે અને સરકાર પર પૂરો ભરોસો છે કે તેઓ મંજૂરી આપશે.’ મંજૂરી નહિ મળે તો ? તેના જવાબમાં કહ્યું હતું કે, ‘પૂરો ભરોસો છે કે મંજૂરી મળશે જ અને જો મંજૂરી નહિ મળે તો હું પ્રદેશ ભાજપના સાંસ્કૃતિક સેલના કન્વીનર પદેથી રાજીનામું આપી દઈશ’.સૌરાષ્ટ્રના અગ્રણી લોકસાહિત્યકાર બિહારીદાન ગઢવીએ કરેલા આ નિવેદનથી સરકારમાં અર્વાચીન રાસોત્સવ માટે અલગ અલગ પ્રકારની રજૂઆતો ચાલી રહી હોવાનું સ્પષ્ટ થાય છે અને મંજૂરી મળવાની આશા છે.

જોકે હવે નવરાત્રિને આડે માત્ર 4 જ દિવસ બાકી રહ્યા છે અને તેવામાં જો નિર્ણય લેવાનો થાય તો ગણતરીની જ કલાકોમાં લેવો પડે અને તેની રાહ કલાકારો જોઈ રહ્યા છે. જો મંજૂરી મળે તો પણ માત્ર બે જ દિવસમાં આયોજકોએ તમામ આયોજન કરવું પડશે જે પણ એક પડકાર બની રહેશે.સરકારે અગાઉ જાહેરાત કરી દીધી હતી કે પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન નહીં કરી શકાય, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજારો કલાકારો છેલ્લા દોઢ વર્ષથી બેકાર છે અને બીજી બાજુ ટોચના કલાકારોએ કરેલી રજૂઆત બાદ ફેરવિચારણા થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...