તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:પોલીસ પકડવા જતાં આરોપીએ પોતાના હાથમાં જ છરી ઝીંકી

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભગવતીપરામાં બોરીચા વાડી પાસે રહેતો આરિફ મહમદભાઇ સોરા (ઉ.વ.20) સવારે 8 વાગ્યે પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતો મોહસીન સુલેમાન સંધી, શાહરુખ અને બે અજાણ્યા ઇસમો તેની સાથે ધસી ગયા હતા અને ઝઘડો કરી આરિફને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા આરિફને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આરિફે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની માતા અને મોહસીનની પત્ની વચ્ચે અગાઉ બોલાચાલી થઇ હતી તે બાબતનો ખાર રાખી મોહસીન તેના સાગરીતો સાથે ધસી આવ્યો હતો અને ‘તારી માતા મારી બૈરી છોકરાને કેમ હેરાન પરેશાન કરે છે’ તેમ કહી હુમલો કર્યો હતો.

ભોગ બનનાર અને આરોપીઓ સામ સામે રહેતા હોય મામલો વધુ બિચકે નહીં તે માટે બી.ડિવિઝન પોલીસની ટીમ આરોપીને પકડવા માટે ભગવતીપરામાં દોડી ગઇ હતી. પોલીસને જોતા જ મુખ્ય હુમલાખોર મોહસીન સંધી દેકારો કરવા લાગ્યો હતો અને ધરપકડ ટાળવા માટે તેણે પોતાની પાસે રહેલી છરીથી તેના જ હાથમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે મોઇન જાકીરભાઇ ખોખરની ફરિયાદ પરથી આરિફ, સકીના અને શહેનાઝ સામે ગુનો નોંધ્યો હતો. મોઇને ફરિયાદમાં કહ્યું હતું કે, મોહસીનનો પુત્ર મહમદહુશેન રમતો હોય જે બાબતે આરોપીઓએ ઝઘડો કરી મોહસીન પર છરીથી હુમલો કર્યો હતો અને મોહસીનને બચાવવા જતાં મોઇનને પણ છરીના ઘા ઝીંક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...