ચોરીના ગુનામાં તસ્કર બેલડી ઝડપાઈ:પોલીસ ચોકીમાં PSIની નજર સામે આરોપીએ ગળું કાપી આપઘાત કર્યો

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
એ-ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં અનિલને પકડ્યો હતો. - Divya Bhaskar
એ-ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં અનિલને પકડ્યો હતો.
  • જ્યુબિલી ચોકીમાં બનેલી ઘટના, ચોરીના ગુનામાં તસ્કર બેલડી ઝડપાઈ’તી
  • બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયારથી ભરેલું પગલું, પોલીસ સકંજામાં હતો છતાં હથિયાર કેવી રીતે આવ્યું, PSIની લાપરવાહી સામે અનેક સવાલ ઉઠ્યા

શહેરની જ્યુબિલી પોલીસ ચોકીમાં પીએસઆઇની નજર સામે તસ્કરે તીક્ષ્ણ હથિયારનો ઘા પોતાના ગળા પર ફેરવી ગળું કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ચોરીના આરોપસર ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપાયેલા તસ્કરે કરેલા આપઘાતમાં પોતે પોલીસ સકંજામાં હોવા છતાં તેની પાસે હથિયાર કેવી રીતે આવ્યું? તે વખતે ફોજદાર શું કરી રહ્યા હતા તે સહિતના સવાલો ઉઠ્યા હતા.

ચોરીના ગુનામાં પોલસે બે આરોપીની ધરકડ કરી
રજપૂતપરામાં આવેલી દુકાનમાંથી પાંચ દિવસ પૂર્વે રૂ.1,82,040ના સેનિટરી વેર અને બાથ ફિટિંગ સામાનની ચોરી થઇ હતી. એ.ડિવિઝન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને પીએસઆઇ વાઘેલા સહિતના સ્ટાફે રામનાથપરા વિસ્તારમાં સાઇકલ રેંકડીમાં ચોરાઉ મુદ્દામાલ સાથે નીકળેલા કુબલિયાપરાના અનિલ જયંતી ચારોલિયા (ઉ.વ.30) અને દેવપરાના વિકી ભીખુ તરેટિયા (ઉ.વ.23)ને તમામ ચોરાઉ મુદ્દામાલ સાથે ગુરુવારે સવારે ઝડપી લીધા હતા. દૂકાનમાંથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ પોલીસે હાથવગે કરી અનિલ અને વિકી બંનેની ધરપકડ કરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી આત્મ હત્યા કરી
ચોરીના ગુનામાં ઝડપાયેલી તસ્કર બેલડીને લઇને પીએસઆઇ ચૌહાણ જ્યુબિલી ચોકીએ લઇ ગયા હતા. પીએસઆઇ ચૌહાણ બંને તસ્કર અનિલ અને વિકીની પૂછપરછ કરી રહ્યા હતા તે વખતે મનસુખભાઇ નામના એક અરજદાર પણ ચોકીમાં આવ્યા હતા. પોલીસ ચોકીમાં પૂછપરછનો દોર અને કાર્યવાહી ચાલુ હતી તે વખતે અચાનક જ અનિલ ચારોલિયાએ પોતાના ગળા પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દીધો હતો અને તેનું ગળું કપાઇ ગયું હતું. લોહિયાળ હાલતમાં અનિલ બાજુમાં બેઠેલા તેના સાગરીત વિકીના ખોળામાં પટકાયો હતો. નજર સામે જ ઘટના બનતા પીએસઆઇ ચૌહાણ, અરજદાર મનસુખભાઇ અને વિકી તરેટિયા બેબાકળા બની ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અનિલને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આરોપી પાસે તીક્ષ્ણ હથિયાર કેવી રીતે આવ્યું
પોલીસ ચોકીમાં આરોપીના આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. અનિલ ચારોલિયા ચોરીના ગુનામાં સવારથી પોલીસ સકંજામાં હતો. સાંજે તેને જાપ્તા હેઠળ જ્યુબિલી પોલીસ ચોકીએ લઇ જવાયો હતો. પીએસઆઇ ચૌહાણ હાજર હતા છતાં આરોપી અનિલના હાથમાં બ્લેડ જેવું તીક્ષ્ણ હથિયાર કેવી રીતે હાથ લાગી ગયું? આરોપી પોતાની જાતને કે ભાગવા માટે અન્ય કોઇ પર હુમલો કરી શકે તે વાતથી વાકેફ પીએસઆઇ ચૌહાણે શા માટે લાપરવાહી દાખવી? બ્લેડ કે તેના જેવું હથિયાર આરોપી પકડી લે તેવી પૂરી સંભાવના હોવા છતાં ફોજદાર ચૌહાણે આરોપીથી હથિયાર દૂર કેમ ન કર્યું? ફરજમાં લાપરવાહી દાખવનાર ફોજદાર ચૌહાણ સામે કડક પગલાં તોળાઇ રહ્યાની ચર્ચા પોલીસબેડામાં શરૂ થઇ હતી. આ ઘટનામાં મેજિસ્ટ્રેરિયલ તપાસના આદેશ પણ કરાશે.