આત્મહત્યા:જેતલસરના ઉદ્યોગપતિના 16 વર્ષના પુત્રએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

જેતલસર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુખી પરિવારના તરુણે પગલું ભરતા ચકચાર

જેતલસર ગામમાં રહેતા ઉદ્યોગપતિના યુવા પુત્રએ ફાંસો ખાઇ પોતાની જિંદગી ટૂંકાવી લેતાં પરિવારજનો અને ગામ લોકો સ્તબ્ધ બની ગયા છે અને ચોમેર એ જ ચર્ચા ચાલી રહી છે કે સુખી સંપન્ન પરિવારના તરૂણે આ રીતે આત્મઘાતી પગલું શા માટે ભરવું પડ્યું? યુવાવસ્થા તરફ જઈ રહેલા તરુણે પોતાની જિંદગી ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામમાં અરેરાટી સાથે શોક ફેલાયો છે.

આ બાબતે જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ તરૂણને કોઇ એવી બીમારી પણ ન હતી કે જેના લીધે તેણે આવું આત્યંતિક પગલું ભરી લેવું પડે. અભ્યાસ અંગે પણ કોઇએ કડક ટકોર કરી ન હતી અને તેના સાથી, સંગાથીનો પણ એવો કોઇ રેકોર્ડ હોવાનું સામે આવ્યું નથી. આથી પોલીસ પણ મુંઝવણમાં પડી ગઇ છે.

જેતપુર તાલુકાના જેતલસર ગામમાં રહેતા અને એનઆઇઆર રસિક ગોંડલીયાના ભત્રીજા એવા સુનિલ જેન્તીભાઈ ગોંડલીયાના 16 વર્ષના પુત્ર આર્યન સુનિલ ગોંડલીયાએ પોતાના ઘરે બે દિવસ પહેલા અકળ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

બનાવની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ ધસી ગઇ હતી અને લાશનો કબજો લઈ, પીએમ કરાવી, આર્યને આવું પગલું શા માટે ભરી લેવું પડ્યું એ સહિતની તપાસ આરંભી છે. બીજી તરફ જેતપુર તાલુકા પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે પરિવારજનો હજુ સુધી કંઇ બોલી શકવા સક્ષમ નથી એટલા બધા આઘાતમાં છે. આથી તપાસનો દોર ધીમે ધીમે આગળ ધપશે.

અન્ય સમાચારો પણ છે...