કોરોના સામે પણ નારી ના હારી:રાજકોટ સિવિલ હોસ્પિટલની 12 એનેસ્થેટિસ્ટ મહિલા અનેક દર્દીઓના શ્વાસની નિભાવે છે જવાબદારી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં 12 મહિલા ફરજ બજાવી રહી છે. - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં 12 મહિલા ફરજ બજાવી રહી છે.
  • 240 કરતાં વધુ વેન્ટિલેટર અને 1500 ઓક્સિજન બેડની ઈન્ટેન્સિવિસ્ટ તરીકેની સેવા આપે છે

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અગાઉ અનેક દર્દીઓથી બેડ ઊભરાઈ ગયાં હતાં. એવી સ્થિતિમાં ગંભીર દર્દીઓનાં મોંમા અને ગળામાં હાથ નાખીને પાઈપ મૂકી વેન્ટિલેટર પર રાખવા તેમજ એ વેન્ટિલેટર ઓપરેટ કરવું અને બીજી જ ક્ષણે બાયપેપના સેટિંગ તેમજ દર્દીને ઓક્સિજન કેટલું આપવું એ નક્કી કરવું આ બધું જ કાર્ય સાહસ, ધૈર્ય અને નિપુણતા માગી લે છે અને આ સૌથી મોટી જવાબદારી એનેસ્થેસિયા વિભાગની છે, જેમાં 15 તબીબમાંથી 12 મહિલા છે અને સવા વર્ષથી અડગ સેવા બજાવી રહ્યાં છે.

એનેસ્થેસિયા વિભાગનાં વડાં ડો. વંદના પરમાર જણાવે છે કે સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓપરેટ કરવાની જવાબદારી એનેસ્થેસિયા વિભાગની હોય છે. તમામ 15 ડોક્ટર પૂરતી નિષ્ઠાપૂર્વક જવાબદારી ઉઠાવી રહ્યા છે, કેમ કે જનરલ એનેસ્થેસિયા વખતે જેમ સર્જરી પૂરી થાય ત્યાં સુધી દર્દીના શ્વાસોશ્વાસની જવાબદારી એનેસ્થેટિકની હોય છે, એવી જ રીતે વેન્ટિલેટર પર પણ આ જ કામ કરવાનું છે. સિવિલ હોસ્પિટલનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ચેતના જાડેજા કહે છે, 15માંથી 12 મહિલા છે અને દરેક છેલ્લા સવા વર્ષથી મજબૂત મનોબળ સાથે કામ કરે છે. ઘણાના પરિવાર કોરોનાગ્રસ્ત થયા પણ હજુ સુધી પીછેહઠ કરી નથી.

પોતે, સંતાન, સાસુ બધાં જ પોઝિટિવ છતાં 10મા દિવસે ફરજ પર હાજર
ડો. દીપિકા બારિયા જણાવે છે, તેઓ પોઝિટિવ આવ્યાં બાદ તેમનાં 4 અને 9 વર્ષનાં બે સંતાન તેમજ સાસુ પોઝિટિવ આવ્યાં. તેમના પતિ જૂનાગઢ સિવિલમાં કોરોનાની ડ્યૂટી પર હતા. ક્વોરન્ટીન હોવાથી ઘરે કોઇ ન આવતાં તેમણે જ ઘર સંભાળ્યું અને પોઝિટિવ આવ્યાના માત્ર 10 જ દિવસમાં શરીરમાં નબળાઈ હોવા છતાં ડ્યૂટી પર જોઈન થયાં.

પિતાનું મોત થયું છતાં ફરજ પર હાજર રહ્યા
ડો. વ્રિન્દા ઓઝા કહે છે, બાળકો અને પરિવારથી સતત દૂર રહેવું પડે છે. બાળકોની યાદ આવે તો રડવું પણ આવી જાય છે પણ ચેપ લાગવાના ડરે તેમની પાસે જતા નથી. ઓગસ્ટમાં મારા પિતાનું મોત થયા બાદ પણ તરત આઈસીયુમાં કાર્યરત રહ્યા અને મન મક્કમ કરી નક્કી કર્યું કે આવા અનેક દર્દીઓને સેવાની જરૂર છે તેમને સાજા કરીશું એ જ પિતાને સાચી શ્રદ્ધાંજલિ હશે.

અન્ય સમાચારો પણ છે...