તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ AIIMS બિલ્ડિંગની પ્રથમ તસવીર:ચાર માળની બિલ્ડિંગમાં AIIMS ઓપીડીના 12 વિભાગ ડિસેમ્બરથી કાર્યરત કરશે, 6 માસ બાદ ડિસેમ્બરમાં ઓપીડી શરૂ થશે

રાજકોટ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
એઈમ્સ બિલ્ડિંગની તસવીર પ્રથમ વખત ભાસ્કરમાં. - Divya Bhaskar
એઈમ્સ બિલ્ડિંગની તસવીર પ્રથમ વખત ભાસ્કરમાં.
 • 12 વિભાગ ઓપીડીમાં હશે અને લોકોનું નિદાન થઈ શકશે
 • 22 બિલ્ડિંગ એઈમ્સ રાજકોટના પરિસરમાં બનશે

એઈમ્સ રાજકોટના પરિસરમાં 22 બિલ્ડિંગ બનવાની છે. મુખ્ય બિલ્ડિંગ સિવાય બધાના પ્લાન પણ મંજૂર થઈ ગયા છે. જોકે મુખ્ય બિલ્ડિંગ બને તે પહેલા જ એઈમ્સ શરૂ થઈ જશે અને રાજકોટવાસીઓને એઈમ્સના નિષ્ણાત તબીબોની સેવા મળવા લાગશે. એઈમ્સની ઓપીડી 6 માસ બાદ ડિસેમ્બરમાં જ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. મુખ્ય બિલ્ડિંગ હજુ બનવાનું બાકી હોવાથી ઓપીડી શરૂ કરવા માટે હાલ જેનું બાંધકામ થઈ રહ્યું છે તે નાઈટ શેલ્ટર બિલ્ડિંગનો ઉપયોગ ઓપીડી તરીકે કરાશે અને ત્યાં જ નિદાન અને સારવાર શરૂ થશે.

ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિન્હાના જણાવ્યા અનુસાર નાઈટ શેલ્ટરમાં બેઝમેન્ટ સહિત 4 માળની બિલ્ડિંગ છે અને ઝડપથી તૈયાર થઈ રહી છે. ડિસેમ્બર સુધીમાં જેટલો ઉપયોગ થશે તેટલા બિલ્ડિંગમાં ઓપીડી શરૂ કરીશું. ઓપીડીમા 12 વિભાગ હશે અને લોકોનું નિદાન થઈ શકશે. તંત્રએ સમગ્ર તાકાત એઈમ્સ રાજકોટની ઓપીડી ઝડપથી શરૂ કરવા માટે લગાવી દેવાઈ છે.

એઈમ્સ રાજકોટમાં આ વિભાગો સાથે ડિસેમ્બરથી ઓપીડી શરૂ

 • જનરલ મેડિસિન
 • જનરલ સર્જરી
 • ઈએનટી
 • ઓર્થોપેડિક
 • પીડિયાટ્રિક્સ
 • ડર્મેટોલોજી
 • પીએસએમ
 • સાઇકિયાટ્રિક
 • ઓપ્થેલમોલોજી ગાયનેક ઓબ્સ
 • ફાર્માકોલોજી
 • રેડિયોલોજી

માધાપરના ખોટા નકશાને કારણે એઈમ્સના માર્ગનું કામ અટક્યું
રાજકોટ માટે સૌથી મોટા પ્રોજેક્ટ એવા એઈમ્સ સુધી પહોંચવા માટેના માર્ગમાં સતત બીજી વખત બાધા આવી છે. તેની પાછળ માધાપર ગામના 60 વર્ષ પહેલા નકશાની કામગીરીમાં થયેલી બેદરકારી તેમજ અત્યાર સુધી તે ભૂલો ન સુધારવાની આળસ જવાબદાર છે.

એઇમ્સ સુધી જવા માટે ઘંટેશ્વરથી 90 મીટરનો રોડ તૈયાર થઈ રહ્યો છે પણ રેલવે લાઈનનું મુખ્ય માર્ગથી અંતર ઓછું હોવાથી બ્રિજ શક્ય નથી. આ કારણે માધાપર ચોકડી પાસે મોરબી રોડ પરના બ્રિજ પછી ગામમાંથી 30 મીટરનો રોડ બનાવી તેને 90 મીટરના રોડ સુધી જોડવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. અડધો રોડ મનપા જ્યારે બાકીનો રૂડા બનાવી રહી છે પણ માધાપરમાંથી નીકળતો રોડ અટકી પડ્યો છે. 1950ના સમયમાં માધાપર ગામનો નકશો બનાવાયો હતો જેમાં ટીપણમાં ભારે ચૂક રહી હતી જેથી ખેડૂતોની જમીન જે જગ્યાએ છે તેનાથી સાવ અલગ જ જગ્યાએ નકશામાં બતાવી છે જેને તરતા સરવે નંબર કહે છે. મનપાએ તે રોડ માટે કબજો મેળવવા ખેડૂતોને વળતર તેમજ એફએસઆઈમાં છૂટની યોજના આપી હતી પણ ખેડૂતોને ડર છે કે કબજો લીધા બાદ નકશાને આધારે વળતર કે લાભ અપાશે તો તેમના બદલે બીજા જ સરવે નંબરના ખેડૂતાના નામે લાભ પહોંચશે તેથી કામ અટકાવી દીધું છે. આ મામલો છેક ગાંધીનગર પહોંચ્યો છે. મનપાના ટીપીઓ એમ. ડી. સાગઠિયા જણાવે છે કે કબજો લઈને રોજકામ કરાયું છે અને કબજો ઓન પેપર લઈ લીધો છે નકશાનો ઈસ્યૂ કલેક્ટર કચેરી જોઈ રહી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ મામલે ટૂંક સમયમાં કાર્યવાહી થશે.

રૂડાએ 90 મીટરના રોડથી માધાપર સુધીના અપ્રોચ રોડનું કામ ચાલુ કરી દીધું હતું. માધાપરથી માધાપર ચોકડી સુધીનો રોડ મનપાએ બનાવવાનો હતો. 40 ટકા કામ થઈ ગયું હતું. ત્યાં આ વિવાદ શરૂ થતાં છેલ્લા 10 દિવસથી કામ સાવ મંદ થઈ ગયું. માધાપર ચોકડીએથી એઈમ્સ સુધી જવાનો રસ્તામાં વિવાદને કારણે ક્યારે બને તે નક્કી નથી. ખેડૂતો નકશામાં સુધાર કર્યા બાદ જ કામગીરી શરૂ કરાઈ તેવી માગ કરી રહ્યા છે.

60 વર્ષથી નકશો સુધર્યો નથી અને રિ-સરવેની કામગીરી માધાપરમાં થઈ નથી. જે મામલો સરકારમાં હોવાથી નકશો ક્યારે બને તે નક્કી નથી અને એઈમ્સ ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરે છે તેથી જે રસ્તો વિકલ્પ તરીકે પસંદ કરાયો હતો હવે તેના વિકલ્પ તરીકે છેક પરાપીપળિયાથી રસ્તો કાઢી રેલવે ઓવરબ્રિજ તેમજ નદી પર બ્રિજ બનાવી તેને 90 મીટર સુધી પહોંચાડાશે જેનું ખાતમુહૂર્ત કરાયું છે અને જે રસ્તો પહેલા નક્કી હતો તેના કરતા ક્યાય વધુ ખર્ચ થશે. લોકોને વધુ ફરીને જવું પડશે.

અન્ય સમાચારો પણ છે...