શનિવારે ધોરણ 12 કોમર્સમાં એસપીસીસી વિષયની પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ પાંચ વિભાગ હતા. આ પેપરમાં પાઠ્યપુસ્તક આધારિત જ પ્રશ્નો પૂછાયા હતા. જેને કારણે વિદ્યાર્થીઓ સમયસર પોતાનું પેપર પૂર્ણ કરી શક્યા હતા. આ પેપરમાં શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર સુરત મહાનગરપાલિકાને લખવા સહિતના પત્ર પૂછાયા હતા.
ધોરણ 12માં લેવાયેલા પેપર અંગે શિક્ષકોએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, વિભાગ એ અને બીમાં 1 ગુણના પ્રશ્નો હતા તે સાવ સરળ પૂછાયા હતા. વિભાગ સીમાં પેઢીની સરકારી વિભાગો સાથેના પત્રવ્યવહાર, શેર અરજીની વિધિ, સ્ત્રી સંચાલકની નિમણૂક જેવા 2 ગુણના સરળ પ્રશ્ન પૂછાયા હતા. વિભાગ ડીમાં સામાન્ય ઠરાવ, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય તે વિધાન સ્વરૂપે જેવા પ્રશ્નો 3 ગુણમાં પૂછાયા હતા.
વિભાગ ઈમાં 4 ગુણમાં શેર હપ્તા માગવાની વિધિ, કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે તથા કંપનીના સંચાલકોની ગેરલાયકતાના પ્રશ્નો પૂછાયા હતા. વિભાગ એફમાં 5 ગુણમાં 5 પત્રો પૂછાયા હતા. તમારી સ્કૂલની આસપાસ પાન ગુટકા વેચાણ પર પ્રતિબંધ મૂકવા અંગે શાળાના આચાર્યને પત્ર લખો. તેમજ મેડિક્લેમ પોલિસી ખરીદી માટેનો પત્ર સહિતના પ્રશ્નો પૂછાયા હતા. વિદ્યાર્થીઓ સમયસર પોતાનું પેપર લખી શકતા તેઓને રાહત જોવા મળી હતી. એકંદરે પાઠ્યપુસ્તક આધારિત સરળ પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમયસર પોતાનું પેપર પૂરું કરી શક્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.