એજ્યુકેશન:દાતાની બેઠક પરથી સેનેટ લડવા યુનિ.ના 5 સભ્ય વચ્ચે ખેંચતાણ

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાતાની એક બેઠક પર ડૉ. બારોટ નક્કી, બાકીની બે સીટ પર ભીમાણી, કોઠારી, રામાનુજ વચ્ચે રસાકસી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં થનારી સેનેટની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે યુનિવર્સિટીમાં હાલ દાતાની બેઠક ઉપરથી સેનેટની ચૂંટણી લડવા ચાર સિન્ડિકેટ સભ્ય અને એક ડીન વચ્ચે રસાકસીભર્યો જંગ થવાની પ્રબળ સંભાવના છે. યુનિવર્સિટીમાં સેનેટની દાતાની ત્રણ સીટ છે જેમાંથી એક બેઠક ઉપર એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડૉ. નિદત્ત બારોટ નક્કી હોવાનું માનવામાં આવે છે જ્યારે બાકીની બે બેઠક ઉપર સિન્ડિકેટ સભ્ય ડૉ. ગિરીશ ભીમાણી, ડૉ. ભાવિન કોઠારી, ડૉ. ભરત રામાનુજ વચ્ચે ખેંચતાણ થઇ રહી છે.

જ્યારે સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુક્લ દાતાની બેઠક પરથી લડશે કે કોર્પોરેટરના પ્રતિનિધિ તરીકે લડશે તે હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી. જો શુક્લ દાતાની બેઠક પરથી લડે તો ત્રણ બેઠક ઉપર પાંચ-પાંચ સભ્ય વચ્ચે જંગ જામશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક સિન્ડિકેટ સભ્યો માટે સેનેટની ચૂંટણી જીતવી વર્ચસ્વ સાચવવા સમાન બનશે. કારણ કે, યુનિવર્સિટીના સેનેટ સભ્ય હશે તે જ વ્યક્તિ સિન્ડિકેટ તરીકે આગામી સમયમાં રહી શકશે અન્યથા તેનું સિન્ડિકેટ પદ પણ છીનવાઈ જશે.

ગત ટર્મમાં વર્તમાન સિન્ડિકેટ સભ્યો પૈકી મોટાભાગના સરકાર નિયુક્ત સેનેટ તરીકે ચૂંટાયા હતા પરંતુ આ વર્ષે અનેક વિવાદો વચ્ચે સરકાર નિયુક્ત સેનેટ સભ્ય તરીકે પદ મળવાની સંભાવના નહિવત હોવાને કારણે સિન્ડિકેટ સભ્યો દાતાની બેઠક પરથી ચૂંટણી લડીને પોતાનું સિન્ડિકેટ પદ જાળવી રાખવા ધમપછાડા કરી રહ્યા છે. જેમાં આ વખતે સૌથી વધુ રસાકસી દાતાની બેઠકની ચૂંટણીમાં થવાની છે જેમાં દાતાની ત્રણ બેઠક માટે યુનિવર્સિટીના પાંચ-પાંચ સભ્યોએ દાવેદારી કરી છે. હાલ યુનિવર્સિટીમાં ચૂંટણી લડવા મુદ્ે રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...