રાજકોટના પરિવારમાં માતમ:ઋષિકેશમાં ગંગા નદીમાં તણાયા પહેલાં પુત્રીએ પિતા સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને’ ગીત પર વીડિયો બનાવ્યો, ત્યાર બાદ પિતા-પુત્રી બન્ને તણાયાં

રાજકોટએક મહિનો પહેલા
તણાયા પહેલાં સોનલે પિતા સાથે વીડિયો બનાવ્યો હતો.
  • ગઈકાલે સાંજે રાજકોટના કારિયા પરિવારના 3 સભ્ય નદીમાં તણાયા હતા
  • નાનીનો મૃતદેહ મળ્યો, પિતા-પુત્રી લાપતા, બંનેની શોધખોળ હાલ ચાલી રહી છે

રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતો રઘુવંશી પરિવાર ઋષિકેશ ફરવા ગયો હતો. સોમવારે સાંજે ઋષિકેશના ભીમચડ્ડામાં પરિવારની 18 વર્ષીય દોહિત્રી સોનલ ગંગા નદીના પ્રવાહમાં તણાતાં તેને બચાવવા તેનાં નાની તરુલતાબેન નદીમાં કૂદ્યાં હતાં. આ દૃશ્ય જોઈને બંનેને બચાવવા તરુલત્તાબેનના જમાઇ અને સોનલના પિતા અનિલભાઇ પણ નદીમાં પણ કૂદ્યા હતા. એકસાથે એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્ય નદીમાં તણાઇ ગયા હતા, જેમાં મહિલાની લાશ મળી હતી. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.

ગંગામાં તણાયા પહેલાં સોનલે પિતા અનિલભાઈ સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને...’ ગીત બનાવ્યું હતું, જેમાં સોનલ અને તેના પિતા ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે અને એકબીજાને ભેટી પડે છે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પિતા-પુત્રીની આ ખુશીનો વીડિયો અંતિમ બની જશે. દિવાળીના સમયે જ રાજકોટના કારિયા પરિવારમાં માતમ છવાયો છે.

અન્ય એક વીડિયોમાં સોનલ નદી પાસે ખુશખુશાલ જોવા મળી
સોનલ નદીમાં તણાઇ એ પહેલાં નદીકાંઠે જ ઊભી રહી બીજો એક વીડિયો બનાવ્યો હતો એ પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનલ ‘ક્યાં વઝાહ બતાઉ તુમ્હે ચાહને કી...બસ તુમ અચ્છે લગે ઔર ઇશ્ક હો ગયા’ ડાયલોગ સાથે એક્શન કરતી જોવા મળે છે. આ બંને વીડિયો પરિવાર માટે ખુશીની ક્ષણનો અંતિમ વીડિયો બની જશે એવું સપનામાં પણ વિચાર્યું નહીં હોય. વીડિયો બનાવ્યા બાદ થોડી ક્ષણોમાં જ પરિવારની તમામ ખુશીની ક્ષણો નદી તાણી જાય છે અને આ ક્ષણો અંતિમ બની જાય છે.

તણાયા પહેલાં નદીકાંઠે સોનલે વીડિયો ઉતાર્યો હતો.
તણાયા પહેલાં નદીકાંઠે સોનલે વીડિયો ઉતાર્યો હતો.

દિવાળીએ જ રાજકોટના પરિવાર પર આભ તૂટ્યું
શહેરના બજરંગવાડીમાં રહેતા રેવન્યુ વિભાગના કર્મચારી દિલીપભાઇ કારિયા, તેનાં પત્ની તરુલતાબેન, જમાઇ અનિલ, દોહિત્રી સોનલ સહિતના પરિવારના સભ્યો ઋષિકેશ ફરવા ગયાં હતાં, કારિયા પરિવાર સોમવારે સાંજે ઋષિકેશમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલા ભીમચડ્ડામાં હતો ત્યારે સોનલ અનિલભાઇ નામની 18 વર્ષની યુવતી નદીમાં ઊતરી હતી. ગોઠણડૂબ પાણીમાં સોનલ નદીના પાણીનો આનંદ માણી રહી હતી, એ વખતે જ પાણીનો પ્રવાહ વધી જતાં સોનલ પાણીમાં તણાવા લાગી હતી.

પિતા સાથે ખુશખુશાલ જોવા મળી રહેલી સોનલનો આ વીડિયો અંતિમ બન્યો.
પિતા સાથે ખુશખુશાલ જોવા મળી રહેલી સોનલનો આ વીડિયો અંતિમ બન્યો.

દિલીપભાઈની સામે જ ત્રણ ત્રણ સભ્યો નદીમાં તણાયા
સોનલ તણાવા લાગતાં તેણે બૂમાબૂમ કરી હતી, જેનો અવાજ સાંભળી તેનાં નાની તરુલતાબેન દિલીપભાઇ કારિયાએ નદીમાં ઝંપલાવ્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાની-ભાણેજ બંને તણાવા લાગ્યાં હતાં. નજર સામે જ પુત્રી અને સાસુ તણાવા લાગતાં સોનલના પિતા અનિલભાઇએ નદીમાં ઝંપલાવ્યું હતું અને પળવારમાં જ ત્રણેયને નદીનો પ્રવાહ દૂર સુધી ખેંચી ગયો હતો. નદીના કાંઠે ઊભેલા દિલીપભાઇ કારિયા અને તેની પુત્રી ચીસો પાડવા લાગ્યાં હતાં. ઘટનાને પગલે ત્યાં હાજર લોકો એકઠા થઇ ગયા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

નાની તરુલતાબેનનો મૃતદેહ મળ્યો (ડાબી બાજુથી પહેલી તસવીર), દોહિત્રી સોનલ (વચ્ચે) અને જમાઈ અનિલભાઈ (જમણી બાજુથી છેલ્લે) હજુ લાપતા.
નાની તરુલતાબેનનો મૃતદેહ મળ્યો (ડાબી બાજુથી પહેલી તસવીર), દોહિત્રી સોનલ (વચ્ચે) અને જમાઈ અનિલભાઈ (જમણી બાજુથી છેલ્લે) હજુ લાપતા.

રાજકોટ શહેર ભાજપ-પ્રમુખે વ્યવસ્થા કરાવી
રાજકોટના રઘુવંશી પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશમાં તણાયાની ઘટનાની જાણ થતાં રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ કમલેશ મીરાણીએ દિલીપભાઇ કારિયાનો સંપર્ક શોધી તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ઋષિકેશમાં તેમને તમામ મદદ મળી રહે એવી વ્યવસ્થા પણ કરી અપાવી હતી. કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે દિલીપભાઇ સાથે વાત થયા મુજબ તેમનાં પત્ની તરુલતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.