શહેરના લક્ષ્મીનગર વિસ્તારના મહાદેવવાડીમાં ભાડૂઆતે મકાન પર કબજો જમાવી મકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ શરૂ કરી દીધો હતો, અનેક વખત ખાલી કરવાનું કહેવા છતાં મકાન ખાલી નહીં કરતાં અંતે ત્રણ ભાડૂઆત સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
માસ્તર સોસાયટીમાં રહેતા રંજનબેન રામજીભાઇ વઘાસિયા (ઉ.વ.49)એ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રફુલ તુલસી જોશી, રૈયા રોડ પરના શિવપાર્કના હિરેન જયંતીલાલ કોટક અને તેના પત્ની ધાર્મી કોટકના નામ આપ્યા હતા. રંજનબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019માં હસમુખભાઇ પાદરિયા પાસેથી મહાદેવવાડીમાં 250 વાર જમીન પર બે માળનું બિલ્ડિંગ ખરીદ કર્યું હતું. હસમુખભાઇએ મકાન વેચ્યું ત્યારે બિલ્ડિંગનો 11 માસનો ભાડા કરાર પ્રફૂલ જોશી, હિરેન કોટક અને ધાર્મી કોટક સાથે થયો હતો પરંતુ આ ત્રિપુટી પાસે બિલ્ડિંગનો કબજો નહોતો.
રંજનબેને મકાન ખરીદ કરતાં ઉપરોક્ત ત્રિપુટી સાથે મૌખિક વાતચીત કરતા તેમણે પોતાનો ભાડા કરારનો 11 મહિનાનો સમય પૂરો થતાં બિલ્ડિંગ સોંપી દેશે તેવી વાત કરી હતી પરંતુ ત્યારબાદ રંજનબેન વઘાસિયાની જાણ બહાર મેસર્સ નિયંતા ફાર્મા પેઢીનો સામાન એ બિલ્ડિંગમાં રાખી બિલ્ડિંગનો ગોડાઉન તરીકે ઉપયોગ શરૂ કરી દીધો હતો, અને અનેક વખત કહેવા છતાં આરોપીઓએ બિલ્ડિંગ ખાલી નહીં કરી બિલ્ડિંગ પર કબજો જમાવી દીધો હતો, રંજનબેનની ફરિયાદ પરથી પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પ્રફૂલ જોશી, હિરેન કોટક તથા ધાર્મી કોટકની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી.
રાજકોટમાં મકાન ભાડે રાખીને અથવા તો ખુલ્લા પ્લોટ પર કબજો જમાવી દેવા માટે કેટલીક ગેંગ સક્રિય છે. છેલ્લા 30 વર્ષમાં શહેરમાં જે ખાનગી પ્લોટ પર દબાણ થયા હતા અને પાછળથી પ્લોટ માલીકે વહીવટ કરીને દબાણ દૂર કરાવવું પડ્યું હતું. આ તમામ બાબતે સીટની રચના કરીને તપાસ કરાવવામાં આવે તો પ્લોટ પર દબાણ અને મકાન પર કબજા કરવા માટે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચાલી રહ્યું હોવાની વિગતો બહાર આવી શકે તેમ છે. અને આ માટે કેટલાક કાયદાના જાણકારો પણ એક ચોક્કસ ગેંગને સપોર્ટ કરતા હોવાનું પણ બહાર આવે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.