સૌરાષ્ટ્રમાં ઠંડીની લહેર:રાજકોટમાં નલિયા કરતા માત્ર બે ડિગ્રી તાપમાન વધુ, પારો 15.80

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મોટાભાગના શહેરોમાં પારો 20 ડિગ્રીથી નીચે
  • બે ડિગ્રી પારો ગગડ્યો, હવે ચાર દિવસ સુધી આટલું જ તાપમાન રહેશે

રાજકોટમાં બુધવારે સિઝનમાં સૌ પ્રથમ વખતે ઠંડીનો પારો 15.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે મંગળવારની સરખામણીએ બે ડિગ્રી ઓછું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે ઠંડી ક્રમશ: વધશે. આગામી ચાર દિવસ સુધી 17 ડિગ્રી સુધી તાપમાન જળવાયેલું રહેશે. બુધવારે ઠંડીનો પારો 15.8 ડિગ્રી નોંધાયો હતો. જે નલિયા કરતા માત્ર બે જ ડિગ્રી વધુ હતું. ડિસેમ્બરમાં ઠંડી હજુ વધુ પડશેે. તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન મહુવામાં 13.3 ડિગ્રી રહ્યું હતું. રાજકોટમાં સવારે લઘુતમ તાપમાન સિઝનનું સૌથી નીચું હતું. તો પવન 15 કિમીની ઝડપે ફૂંકાયો હતો. ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. દિવસમાં તાપમાન 33 ડિગ્રીએ યથાવત્ રહ્યું હતું. બપોરે 12થી લઇને સાંજના 6 સુધી ગરમી યથાવત્ રહી હતી. જ્યારે સાંજે 7 કલાકે ઠંડા પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવે ક્રમશ: તાપમાન ઘટશે. ડિસેમ્બર અંત સુધીમાં જ ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દ્વારકા અને ઓખાને બાદ કરતા સૌરાષ્ટ્રભરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમરેલીમાં 14, ભાવનગરમાં 16.6, પોરબંદરમાં 17, વેરાવળમાં 19.4, સુરેન્દ્રનગરમાં 16, કેશોદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ભાવનગર, ઓખામાં 30 ડિગ્રી રહ્યું હતું. જ્યારે અન્ય સ્થળોએ તાપમાન 31થી 34 ડિગ્રીએ નોંધાયું હતું. નોર્થ ગુજરાતમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 12.7 ડિગ્રી હતું જ્યારે સાઉથ ગુજરાતમાં વડોદરામાં 13.6 ડિગ્રી હતું. આ સાથે રાજ્યભરમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ હતી. સૌરાષ્ટ્રભરમાં તાપમાન ગગડતાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. બીજી બાજુ શિયાળુ પાક માટે માફક વાતાવરણ સર્જાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...