રાજકોટમાં રૂપાલાના રાહુલ ગાંધી પર રમૂજી ટોણા:‘એને કહો કે લોટ લીટરમાં ન મળે, નજીકના લોકોએ આવું સમજાવવું જોઈએ, બાકી અમારે જ તેમને ટેકલ કરવાના છે’

રાજકોટએક મહિનો પહેલા
પરષોતમ રૂપાલાએ રાજકોટમાં મીડિયા સાથે વાતચીત કરી.

કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેઓ મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી પર રમૂજી ટોણા માર્યા હતા. રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે તમે શું કહેશોના મીડિયાના સવાલના જવાબમાં રૂપાલાએ જણાવ્યું હતું કે, એમને કહો કે, લોટ લીટરમાં ન મળે, આને કોઈક નજીકના લોકોએ સમજાવવું જોઈએ. બેઝિક સમજીને રાજનીતિ થાય તો રાજકારણમાં મજા આવે. બાકી તો અમારે એને ટેકલ કરવાના જ છે અને કરીશું.

આપ વિશે કહ્યું- બપોર પછી આવીને મફત શિક્ષણની વાત કરે છે
આપ પર પ્રહાર કરતા રૂપાલાએ જણાવ્યું હતું કે, મફત શિક્ષણની વાત કરે છે પરંતુ ગુજરાતમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી રાજવી કાળથી કરી ચૂક્યા છે અને ગુજરાતમાં શિક્ષણ સારું છે, બપોર પછી આવીને આવા લોકો મફત શિક્ષણની વાતો ન કરે તો સારું. રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે તો શું કહેશોના મીડિયાના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, લોકશાહીની અંદર જુદા જુદા પક્ષો, જુદા જુદા આગેવાનો સમય સમયે ઉભા થતા જ હોય છે અને ઉભરાતા હોય છે. પરંતુ આવા લોકો ચૂંટણી સમયે જ આવે છે. ગુજરાત જેવા રાજ્યની શાણી પ્રજાને એવું સમજાવાની જરૂર ન હોય સિઝનલ જે લોકો આવતા હોય તેની પ્રત્યે લોકોએ કેવી રીતે વર્તન કરવું જોઈએ.

ગુજરાતના રાજકારણમાં મોટી ઘટના ઘટે તેવું લાગતું નથી
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મને યાદ છે ત્યાં સુધી ઘણા બધા આ પ્રકારના અખતરા થઈ ચૂક્યા છે. આવા અખતરાને ગુજરાતની જનતાએ ક્યારેય મહત્વ આપ્યું નથી. હાલમાં પણ ગુજરાતના રાજકારણમાં મોટી ઘટના ઘટે એવું મને દેખાતું નથી. સૌથી અગત્યની વાત એ છે કે, મને જાણવા મળ્યું કે ભારતની અર્થતંત્ર છગડામાંથી પાંચડામાં આવ્યું અને ઈંગ્લેન્ડ આપણે પાછળ રાખ્યું. આ માટે લોકોને અભિનંદન છે.

પડકારને પડકારવો એ ભારતીય જનતા પાર્ટીની પ્રકૃતિ
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં બે જૂથ છે અને ભાજપને પહેલી વખત પડકાર છે એવું ચાલે છે પણ કઈ ચૂંટણી અમે પડકાર વગર જીત્યા. પડકારને પડકારવો એ ભારતીય જનતા પાર્ટીની પ્રકૃતિ છે. ભાજપના કાર્યકરોના બળ ઉપર અમે ચૂંટણી જીતુશું. ચૂંટણી નજીક આવે ત્યારે સરકારી કર્મચારીઓના યુનિયનો પ્રશ્નો સપાટી પર લાવતા હોય છે. એટલે એક પ્રકારે સમયને અનુરૂપ આ સવાલો છે બાકી તેના પર દૃષ્ટી મુલવવાની આવશ્યકતા નથી. જો સમાજો નારાજ હોય તો ચૂંટણીના જે પરિણામો આવે છે તેની સાથે સરખાવવા જોઈએ.

રૂપાલા પહોંચ્યા ધનસુધ ભંડેરીના ઘરે.
રૂપાલા પહોંચ્યા ધનસુધ ભંડેરીના ઘરે.

રૂપાલાએ ધનસુખ ભંડેરીના ઘરે પહોંચ્યા
પરષોતમ રૂપાલા સર્કિટ હાઉસ ખાતે મીડિયાને સંબોધીને ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરીના ઘરે પહોંચ્યા હતા. ભંડેરીના ઘરે રૂપાલા ભોજન લેશે. રૂપાલાની ધનસુખ ભંડેરીના ઘરે મુલાકાત લીધી હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે. ધનસુખ ભંડેરી અને રૂપાલાનું એક જ વતન અમરેલીના હોવાથી રૂપાલા ભંડેરીના મહેમાન બન્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...