• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Teenagers Who Commit Suicide In A Fit Of Rage: Does Online Education gaming Addiction 'force' Life Shortening At An Early Age?

જિંદગી ના મિલેગી દૌબારા:નાની-નાની વાતોમાં આવેશમાં આવી જઈ આપઘાત કરતા ટીનેજર્સઃ શું ઓનલાઈન શિક્ષણ-ગેમિંગની લત કુમળી વયે જીવ ટૂંકાવવા 'મજબૂર' કરે છે?

રાજકોટ3 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • છેલ્લા 3 મહિનામાં જ રાજ્યમાં 8થી વધુ ટીનેજર્સે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યા, જે આપણા માટે ખતરાની ઘંટડી વગાડે છે.
  • બાળકોમાં સૂસાઈડ ટેન્ડેન્સી આવે છે ક્યાંથી તે કોઈને સમજાતું નથી, કોઈ કહે છે ઓનલાઈન શિક્ષણ દોષી તો કોઈ કહે છે મોબાઈલ.
  • મનોચિકિત્સકોના મતે હતાશામાં ગરકાવ વ્યક્તિને કોઈ પૂછે કે, તમને તકલીફ શું છે? તો કદાચ જીવ બચી પણ જાય.

2 સપ્ટે. 2021: વડોદરાના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી ધો-9ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. હજી સુધી પરિવાર કે પોલીસને કારણની ખબર જ નથી પડી.

વાંચો વિગતવારઃ વડોદરામાં ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલેથી ઘરે આવી ગળેફાંસો ખાધો, પરિવારનું હૈયાફાટ રૂદન

31 ઓગસ્ટ 2021: પંચમહાલ જિલ્લાના શહેરાના મીઠાલી ગામમાં માતાએ ઠપકો આપતા 15 વર્ષના કિશોરે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો. પુત્રનો લટકતો મૃતદેહ જોઇને માતાએ પણ ગળે ફાંસો ખાઇ લીધો.
વાંચો વિગતવાર શહેરામાં માતાના ઠપકા બાદ 15 વર્ષના પુત્રે ફાંસો ખાધો, પુત્રનો મૃતદેહ જોઇ માતાએ પણ જીવન ટૂંકાવ્યું, પિયર પક્ષે હત્યાનો આક્ષેપ કર્યો

30 ઓગસ્ટ 2021: વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી કિશોરીએ માસિક સ્ત્રાવને લીધે જન્માષ્ટમીએ કૃષ્ણ ભગવાનને શણગાર કરી ન શકતા ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
વાંચો વિગતવારઃઆઠમે કૃષ્ણનો શણગાર કરવા ન મળતાં કિશોરીએ ફાંસો ખાધો

13 ઓગસ્ટ 2021:રાજકોટના કાલાવડ રોડ પર રહેતી ધો.12ની વિદ્યાર્થિનીએ માતા પાસે મોબાઈલ માંગતા ના પાડી દીધી. આથી તેણે ગળાફાંસો ખાઈ લીધો, પરંતુ તે સમયે માતા દીકરીને લટકતી જોઇ જતા બૂમો પાડી લોકોને બોલાવતા વિદ્યાર્થિનીનો જીવ બચાવી લીધો હતો.
વાંચો વિગતવારઃ રાજકોટમાં ધો.12ની વિદ્યાર્થિનીને માતાએ મોબાઈલ આપવાની ના પાડતા ગળેફાંસો ખાધો, માતાની સમયસૂચકતાથી જીવ બચ્યો

30 જુલાઈ 2021: વડોદરા સમતા વિસ્તારમાં રહેતો 15 વર્ષિય કિશોરે અભ્યાસ બાબતે માતાનો ઠપકો સહન ન કરી શકતા ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો.
વાંચો વિગતવારઃ વડોદરામાં માતાએ ભણવા બાબતે ઠપકો આપતા પુત્રએ ગળેફાંસો ખાધો, રસોડામાં લટકતો મૃતદેહ જોઇ માતા-પિતા અને બહેન સ્તબ્ધ

15 જુલાઈ 2021: વડોદરાના આજવા રોડ પર રહેતા 17 વર્ષના વિદ્યાર્થીએ ધો-10ની પરીક્ષામાં નાપાસ થયા બાદ ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
વાંચો વિગતવારઃ ધો.10ના વિદ્યાર્થીનો પરીક્ષાના દિવસે જ આપઘાત, લોખંડની એંગલ સાથે ઓઢણીનો ફાંસો બનાવી લટકી ગયો, નાપાસ થવાનો ડર હતો

9 જુલાઈ 2021: રાજકોટમાં ધો.12માં ભણતી યુવતીને તેની માતાએ ભોજન બનાવવા બાબતે ઠપકો આપતા માઠું લાગી જતાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
વાંચો વિગતવારઃ રાજકોટમાં ધોરણ-12માં અભ્યાસ કરતી યુવતીને માતાએ ભોજન બાબતે ઠપકો આપતાં,ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

9 જૂન 2021: વડોદરા સનફાર્મા રોડ પર રહેતા અને 16 વર્ષના કિશોરે જીને કે લિયે સોચા હી નહીં... ગીત પર અંતિમ વિડિયો બનાવી દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
વાંચો વિગતવારઃ રાજકોટના વેજાગામે કૌટુંબિક જુવાનજોધ બે ભાઇ અને એક બહેનનો મૃતદેહ કૂવામાંથી મળ્યો, ત્રણેયે બાઇકમાં આવી કૂવામાં ઝંપલાવ્યાની શંકા

આ આઠેક કિસ્સા તો માત્ર છેલ્લા ત્રણેક મહિનાની ઘટનાઓના છે. આ કિસ્સાઓ સંસારની માયાજાળ કે સંજોગોની વિટંબણામાં ફસાઈને આપઘાત કરનારા ઉંમરલાયક લોકોના નથી. પરંતુ હજી જેણે સંસાર સરખી રીતે જોયો કે જાણ્યો પણ નથી એવા ટીનેજર્સે આવેશમાં આવી જઈ ખાધેલા ગળાફાંસાના છે. આપણી નજરે તો ટીનેજર્સના પ્રોબ્લેમ સાવ ક્ષુલ્લક લાગે જેમાં આપઘાત કરવા જેવું કશું હોતું જ નથી પરંતુ જરા વિચારો કે તેમની દૃષ્ટિએ તો કારણો જીવનનો અંત આણવા જેવા મહાકાય છે. આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે દિવ્ય ભાસ્કર દ્વારા ટીનેજર્સમાં વધી રહેલા આપઘાતના ચોંકાવનારા પ્રમાણ પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે.

'મોબાઈલ ન અપાવી શક્યો તો મારી 17 વર્ષની દીકરીએ આપઘાત કર્યો'
હવે વાત કરીએ રાજકોટની તો શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ બોળીયાએ (નામ બદલાવેલ છે) રડતા રડતા જણાવ્યું હતું કે આજે 8 મહિનાથી વધુ સમય થયો પરંતુ અફસોસ દૂર નથી થઇ રહ્યો. કોરોનામાં આર્થિક ભીંસના કારણે મારી 17 વર્ષની દીકરીને હું મોબાઈલ ફોન અપાવી ન શક્યો તો તેણે આત્મહત્યા કરી લીધી. આજે પણ લાગે છે કે, કદાચ કોઈ પાસે ઉછીના રૂપિયા લઇ દીકરી ને મોબાઈલ અપાવ્યો હોત તો દીકરી આ પગલું ન ભરત. હું અન્ય મા-બાપને પણ એ જ સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સંતાન સાથે મિત્રની જેમ રહેશે તો એક બીજાની વાત સમજી શકશો અને આવા બનાવો તમારી સાથે નહીં બને.

'હોમવર્કનો ઠપકો સહન ન થતાં 13 વર્ષની દીકરીએ સુસાઈડ કરી લીધો'
મવડી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ શિંગાળીયાએ (નામ બદલાવેલ છે) જણાવ્યું હતું કે શિક્ષણ મારી દીકરી માટે તો આશીર્વાદને બદલે અભિશાપ બની ગયો. એક વર્ષ પૂર્વે મારી 13 વર્ષની દીકરીને હોમવર્ક કરવા બાબતે મારી પત્નીએ ઠપકો આપ્યો. હવે આ વાતનું લાગી આવતા મારી ફૂલ જેવી દીકરીએ સુસાઈડ કરી લીધો. આખો પરિવાર આજે પણ સ્તબ્ધ છે. ઘણા બાળકો એવા છે કે જેને ઓનલાઇન અભ્યાસ કરવો પસંદ નથી માટે સલામતી સાથે નિયમો આધીન ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે તે સારી વાત છે.

'આપણને તો બાપા ધોઈ નાંખતા તો પણ સહજભાવે સ્વીકારી લેતા'
અમદાવાદમાં જ રહેતા અને ગત વર્ષે જ પોતાના 14 વર્ષના દીકરાના આપઘાતથી પડી ભાંગેલા જીજ્ઞેશ બરવાળિયાએ (નામ બદલ્યું છે) ભારે હૈયે કહ્યું હતું કે, ગેમિંગના નશાએ મારા દીકરાનો જીવ લઈ લીધો. કોરોનામાં ઓનલાઈન શિક્ષણ શરુ થતાં મેં મારા દીકરાને મોટી સ્ક્રીનનો મોંઘો ફોન અપાવ્યું અને મહિનાનું અનલિમિટેડ નેટ પેકેજ કરાવી આપ્યું. બસ.. આ જ મારી ભૂલ હતી કારણ કે એક દિવસ ઓનલાઈન સ્કૂલના સમયે હું મારા દીકરાને ગેમ રમતા જોઈ ગયો અને મેં બે ધોલ મારી દીધા. આમાં તો તેને એવું ખોટું લાગ્યું કે બપોરે જમીને રુમમાં સૂવા ગયો તો પંખે લટકી ગયો. આપણને તો આપણા પિતા (બાપા) નાનપણમાં મારી-મારીને તોડી નાંખતા તો પણ આપણે ચૂં કે ચા કરતા નહોતા.

સ્નેહીઓ કે મિત્રો મદદરૂપ બને તો કિસ્સા ટળેઃ મનોચિકિત્સક
ટીનેજર્સમાં આપઘાતના વધેલા પ્રમાણ અંગે દિવ્યભાસ્કરે રાજકોટના સિનિયર મનોચિકિત્સક ડો.ભાવેશ કોટક સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારની યંગ જનરેશનમાં આપઘાતનું પ્રમાણ વધવું એ ખૂબ ચિંતાજનક બાબત છે. ખોટા અને ખરાબ વિચાર કે સપનાં આવે ત્યારે ઊંડા શ્વાસ લેવાથી મન પ્રફુલ્લિત થાય છે. સંગીત સાંભળવું અને માઇન્ડને ડાઇવર્ટ કરી કોરોનાની વાતોથી દૂર રહેવું જોઈએ. આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ હતાશામાં કોઈ દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાતના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે.

'મોબાઈલ ગેમિંગની લત ટીનેજર્સને પાંગળા બનાવી રહી છે'
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાળપણથી સ્માર્ટ ફોન ઉપલબ્ધ થતાં બાળકનાં માનસ પર ગંભીર અસર થાય છે. ગેમિંગની લત લાગતાં બાળક એબનોર્મલ બને છે, અને બહાર રમવાને બદલે સમયે મળતાં ગેમ રમવાથી મોબાઇલનું વળગણ થાય છે અને ક્યાંકને ક્યાંકએ બાળકોને પાંગળા બનાવી દે છે. આ પ્રકારની ગેમ રમતા બાળકો અતડા બને છે, રૂમ લોક કરીને ગેમ રમ્યા કરે છે. તેમના સૂવા-જમવાના સમયમાં બદલાવ આવે છે, રાત્રે જાગ્યા કરે, યાદશક્તિ ઘટે, ચીડિયાપણું વધે, માતા-પિતા સાથે એડજસ્ટમેન્ટનાં પ્રશ્નો વધે છે. કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું શરૂ થયું અને લોકડાઉન થયું ત્યારથી લોકોમાં માનસિક બેચેની, તાણ, આક્રમકતા, ચિંતા, બેચેની, એકલતાનો અનુભવ શરૂ થયો અને ક્યાંક આ બધાના પરિણામે આત્મહત્યા બનાવ વધતા હોય તેવું માની શકાય છે..

આત્મહત્યા એટલે ખુદની જાત સાથે એક પ્રકારની છેતરપિંડી છે
આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી પરંતુ આત્મહત્યા એટલે ખુદની જાત સાથે કરવામાં આવતી એક પ્રકારની છેતકરપિંડી છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ આખા વિશ્વને બાનમાં લીધું છે ત્યારે આ સમય દરમિયાન પણ આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં મુખ્યત્વે જોઈએ તો એક ફિલ્મ એકટર આત્મહત્યા કરે ને તેની પાછળ તેના ફેન્સ પણ આત્મહત્યા કરે, ઓનલાઈન ભણવું ન ગમે અને એક નાનકડું ફૂલ ખીલ્યા પહેલાં જ કરમાઈ જાય, પિતા મોબાઈલ ન અપાવી શકે અને સંતાન આત્મહત્યા કરે, માતા ઠપકો આપે ને સંતાનો પંખે લટકી જાય, પ્રેમી કે પ્રેમિકા છોડી જતા રહે ને આત્મહત્યા થાય છે.

અન્ય સમાચારો પણ છે...