• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Teenagers And Youths Have Resorted To 'online Betting' Via Mobile, While The Elite Community Is Concerned, The Police Say, No Action Can Be Taken Against 'judgment Skill'!

​​​​​​​​​​​​​​વરવી વાસ્તવિકતા:ટીનેજર્સ અને યુવાનો મોબાઇલ થકી ‘ઓનલાઇન બેટિંગ’ના રવાડે ચડ્યા, ભદ્ર સમાજ ચિંતિત, ત્યારે પોલીસ કહે છે, ‘જજમેન્ટ સ્કિલ’ સામે પગલાં ન ભરી શકાય!

રાજકોટ10 દિવસ પહેલાલેખક: ધીમંત જાની
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આઈપીએલ વખતે જ ઇન્ટરનેટ પર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ઓનલાઇન એપ્લિકેશનનો રાફડો ફાટી નીકળ્યો
  • મનોરંજનના નામે મોબાઇલ દ્વારા ક્રિકેટ મેચના એક એક બોલ પર જગજાહેર ઓનલાઇન ‘બેટિંગ’ લગાડનારાઓ જાણે બિંદાસ

આઇપીએલ સિઝન શરૂ થતા જ ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર મનોરંજનના નામે ઓનલાઇન સટ્ટાની જેમ જ બેટિંગ થઇ શકે તે પ્રકારની અઢળક એપ્લિકેશન્સનો રાફડો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને ટીનેજર્સ અને યુવાનો દ્વારા મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન બેટિંગના નામે દૈનિક લાખો રૂપિયાના ‘દાવ’ ખેલાઇ રહ્યા છે, અને આપણું યુવાધન રીતસર બરબાદી તરફ ધકેલાઇ રહ્યું હોય તેવા માહોલ વચ્ચે પણ તંત્ર આ બદી રોકવાને લઇને મહદંશે અસમર્થ સાબિત થઇ રહ્યું હોય તેવો તાલ સર્જાયો છે.

નવાઇની વાત તો એ છે કે, એક તરફ આ દૂષણને લઇને ટોચના સમાજશાસ્ત્રીઓ, વિચારશીલ માતા-પિતાઓ ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ આ બાબતે પોલીસ તંત્ર આ પ્રક્રિયા જજમેન્ટ સ્કિલ એક્ટિવિટીઝની વ્યાખ્યામાં આવતી હોવાથી કાયદાની દૃષ્ટિએ આ ગતિવિધિ સામે પગલાં ભરવામાં ગૂંચવણ હોવાનું જણાવી રહી છે. ખેર, હાલ આ મુદ્દો ભદ્ર સમાજમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

પ્રવર્તમાન સમયે ખાસ કરીને મોબાઇલ-ઇન્ટરનેટના વધી રહેલા ઉપયોગ વચ્ચે આજના ફૂટડા યુવાનોમાં વેબસીરિઝનું વળગણ, ઓનલાઇન ગેમિંગનું દૂષણ અને ચેટિંગ મેનિયા સહિતની આડઅસરનું દૂષણ તો જોવા મળી જ રહ્યું હતું, ત્યારે હવે યુવાનો આ જ મોબાઇલ-ઇન્ટરનેટના માધ્યમથી વ્હાઇટ કોલર જુગાર એટલે કે, ક્રિકેટ સટ્ટાના રવાડે ચડી રહ્યા હોવાનું સામાજિક સ્તરે ચોંકાવનારુંં ચિત્ર ફલિત થઇ રહ્યું છે.

હાલમાં મનોરંજનના નામે ચાલતા આ કારોબારની જાણવા મળતી વિગતો મુજબ હાલ આઇપીએલના જબરા ક્રેઝ વચ્ચે ઇન્ટરનેટ પોર્ટલ પર આપણી જાતે જ ટીમ બનાવી લાઇવ મેચની સાથે જ દડે દડે ઓનલાઇન રમત પર ‘દાવ’ રમી શકાય તે પ્રકારની વેબસાઇટ, એપ્લિકેશન્સનો રાફડો ફાટી નીકળ્યો છે. અને એટલું જ નહીં, આ પ્રકારની એપ્લિકેશન્સની મનોરંજનના નામે જગજાહેર જાહેરાતો પણ કરવામાં આવી રહી છે.

સોફ્ટવેર બેઝ સટ્ટાને લઇ બુકીઓ સક્રિય!
ક્રિકેટ મેચની મોસમ શરૂ થતાં જ કેટલાક બુકીઓ સક્રિય બન્યા હોય તેવા ઘાટ વચ્ચે આ ધંધાને પડદા પાછળથી જાણે પ્રોત્સાહન મળી રહ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. ખાનગી પર્સનલ આઇડીઓ બનાવી સોફ્ટવેરના માધ્યમથી આધુનિક પદ્ધતિથી દાવ લગાવી શકાય તે પ્રકારનું દૂષણ વધી રહ્યું હોવાનો મુદ્દો સટ્ટાખોરીની દુનિયામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

અસર - ગેમિંગ એડિક્શન વધતા વ્યક્તિ લાગણીવિહીન બને છે!’
મનોરંજનના નામે ઓનલાઇન બેટિંગ થઇ શકે તે પ્રકારની અઢળક એપ્લિકેશન્સનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે ખાસ કરીને ટીનેજર્સ અને યુવાનોમાં ગેમિંગ એડિક્શનનો ખતરો સર્જાવાનો ભય વધી ગયો છે. આજની નવી પેઢીમાં પરસેવો પાડ્યા વગર, ઓછી કે વગર મહેનતે વધુ પૈસા કમાવવાની વૃત્તિને પગલે ઓનલાઇન સટ્ટાખોરીનો વ્યાપ વધી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અગાઉ પબજી વખતે પણ ગેમિંગ એડિક્શનનું દૂષણ દેખાયું હતું. ગેમિંગ એડિક્શનથી સ્વાર્થી બની જવું, પોઝિટિવિટી જતી રહેવી, કોઇ પણ કાર્યમાં ફોકસ નબળું થવું, લાગણીવિહીન બની જવું, રોબોટિક ઇમોશન્સ આવવા સહિતની આડઅસરો જોવા મળે છે.’> ડો. વિજય નાગેચા, સાઇકિયાટ્રિસ્ટ, રાજકોટ

એનાલિસિસ - આ જજમેન્ટ સ્કિલ છે, ગેમ્બલિંગની વ્યાખ્યામાં નથી આવતું’
રાજકોટના ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘ઓનલાઇન રમાતી રમીને પણ ગેમ્બલિંગની વ્યાખ્યામાં ગણવામાં આવતી નથી, અગાઉ એક કેસમાં હાઇકોર્ટે આપેલા ચુકાદા મુજબ જે રમતમાં સ્કિલનો ઉપયોગ થાય છે તેને ગેમ્બલિંગ ગણવામાં આવતું નથી, મોબાઇલમાં ટીમ બનાવીને રમતા લોકો ક્યા પ્લેયરમાં કઇ સ્ટ્રેન્થ છે, કોણ વિકેટ ટેકર બોલર છે, કોણ બેટ્સમેન છે, કોણ ઓલરાઉન્ડર છે સહિતની બાબતોનું એનાલિસિસ કરે છે, જેમાં તેની સ્કિલનો ઉપયોગ થતો હોવાથી ઓનલાઇ ટીમ બનાવીને રમાતી રમતને ગેમ્બલિંગ ગણવામાં આવતી નથી.’> પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ

અન્ય સમાચારો પણ છે...