ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે. જેને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે બપોર બાદ ભારત અને શ્રીલંકા બન્ને દેશના ખેલાડીઓનું રાજકોટ એરપોર્ટ પર આગમન થયું હતું. અહીં ચાહકોએ ચીચીયારી કરીને ખેલાડીઓનું ચિયર-અપ કર્યું હતું. બાદમાં બન્ને દેશની ટીમના ખેલાડીઓ બસ મારફત હોટલ જવા રવાના થઈ હતી. ટીમ ઇન્ડિયાનું કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે અને ફ્યુઝન-મેસઅપથી અદ્કેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હોટલ સ્ટાફ તરફથી ખેલાડીઓને કુમકુમ તિલક કરી, ફૂલનો હાર પહેરાવી અને બૂકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ખેલૈયાઓએ ગરબાના વિવિધ સ્ટેપ્સથી ખેલાડીઓને આવકાર્યા
ટીમ ઈન્ડિયા જ્યારે હોટેલ સયાજીમાં પહોંચી ત્યારે તમામ ખેલાડીઓનું આ માટે હોટેલ દ્વારા રાજકોટના એક ખાસ ગ્રુપને બોલાવવામાં આવ્યું હતું. જેમણે ગરબાના વિવિધ સ્ટેપ્સથી ખેલાડીઓને આવકાર્યા હતા. બીજી બાજુ રાજકોટમાં કડકડતી ઠંડી પડી રહી હોવાથી ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત લાઇવ મેસુબ અને અડદિયાના લચકાનો સ્વાદ માણશે. જ્યારે શ્રીલંકાની ટીમનું 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ રહ્યું ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના ભોજનનું મેનુ
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 6 તારીખના રોજ ડિનર અને 7 તારીખના રોજ લંચમાં અવનવી વાનગીઓ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. 6 તારીખના રોજ ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં લાઈવ મેસુબ અને અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચૂક્યા છે, તેમને ખાસ ગુજરાતી ખીચડી કઢી પસંદ છે માટે આ વખતે પણ તેમના માટે ખાસ ખીચડી કઢી તૈયાર કરવામાં આવશે.
રાજકોટમાં 10મો આંતરરાષ્ટ્રીય મેચ રમાશે
ભારત અને શ્રીલંકા ટી-20 શ્રેણીની ત્રીજી મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચૂક્યા છે. જેમાં 2 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વન-ડે મેચનો સમાવેશ થાય છે. ત્યારે આગામી શનિવારના રોજ 10મો આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં રમાનાર હોવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
શ્રીલંકાની ટીમ SCA સ્ટેડિયમમાં પહેલીવાર રમશે
શ્રીલંકાની ટીમ આમ તો રાજકોટમાં મેચ રમી ચૂકી છે, પરંતુ તે તમામ મેચ રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર રમાયા હતા. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશન સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદ પહેલીવાર નવા ગ્રાઉન્ડ ઉપર ભારત સામે ટક્કર લેશે. આમ શ્રીલંકા રાજકોટની મહેમાન બનનારી ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા પછીની 7મી ટીમ બની છે.
મેચમાં 400થી વધુ પોલીસ જવાન તૈનાત
ખંઢેરીમાં યોજાનાર ભારત-શ્રીલંકા વચ્ચેના ત્રીજા T-20 મેચમાં અનિચ્છનીય બનાવને અટકાવવા રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ 5 ડીવાય.એસ.પી., 10 પીઆઇ, 40 પીએસઆઇ, 232 પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના 32 કર્મચારીને બંદોબસ્તમાં તૈનાત કરવા આવ્યા છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલની બે ટીમને પણ સ્ટેડિયમમાં તૈનાત કરાઇ છે.
ભારતની ટીમમાં ક્યાં ખેલાડીઓનો સમાવેશ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.
શ્રીલંકાની ટીમમાં ક્યાં ખેલાડીઓનો સમાવેશ
દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાંકા, ધનંજય ડી સિલ્વા, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહિશ થિક્સાના, કસુન રજીથા અને દિલશાન મદુશંકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.