રાજકોટમાં રમાનાર ભારત-સા.આફ્રિકા વચ્ચેના ચોથા ટી-20 મેચનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. બે દિવસ બાદ રાજકોટ આવનારી બંને ટીમ જ્યાં રોકાણ કરવાની છે તે બંને હોટેલમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ટીમ ઇન્ડિયા જ્યાં રોકાણ કરવાની છે તે હોટેલ સયાજીના ડિરેક્ટર ઉર્વિશ પુરોહિતે જણાવ્યું કે, ટીમ ઇન્ડિયાનું સ્વાગત શાહી ઠાઠથી કરવામાં આવનાર હોવાથી હોટેલમાં રોયલ થીમ આધારિત તમામ માળ અને રૂમને તૈયાર કરવામાં આવ્યા છે.
રૂમમાં ઇન્ટરનેટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી
ટીમ ઇન્ડિયાના કપ્તાન રૂષભ પંત, ઉપકપ્તાન હાર્દિક પંડ્યા, કોચ રાહુલ દ્રવિડ માટે ટોપ ફ્લોર પર આવેલા પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ તૈયાર કર્યા છે. આ રૂમમાં ઇન્ટરનેટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું જ નહિ ખેલાડીઓના ફોટો સાથેના ઓશિકાના કવર પણ તૈયાર કર્યા છે. જ્યારે અન્ય ખેલાડીઓ માટે પ્રીમિયમ રૂમ તૈયાર કર્યા છે. તેમાં પણ ઇન્ટરનેટની સુવિધાઓ રાખવામાં આવી છે.બીસીસીઆઇ દ્વારા આપવામાં આવેલા ફૂડ ચાર્ટ મુજબ, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ગુજરાતી ભોજન ઉપરાંત રાજસ્થાની ભોજન, ઇન્દોરની સ્પે.ચાટ, કોન્ટિનેન્ટલ, અરેબિક સહિતનું ફૂડ પણ તૈયાર કરવામાં આવશે.
ધોનીવાળા પ્રેસિડેન્શિયલ રૂમમાં રહેશે આફ્રિકાનો કપ્તાન
સાત વર્ષ બાદ રાજકોટની મહેમાન બની આવી રહેલી સાઉથ આફ્રિકાની ટીમ દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાણ કરવાની છે. સાઉથ આફ્રિકા ટીમને વેલકમ કરવા હોટલમાં તેમજ બહાર ખેલાડીઓના મોટા ફોટો લગાડવામાં આવ્યા છે. આફ્રિકા ટીમના કપ્તાન ટેમ્બા બાવુમા માટે ટોપ ફ્લોર પર આવેલા પ્રેસિડેન્શિયલ રૂમ ખાસ તૈયાર કર્યો છે. અગાઉ મહેન્દ્રસિંહ ધોની આ રૂમમાં રહ્યાં હતા. ખેલાડીઓનું મનપસંદ જમવાનું બનાવવા માટે ખાસ શેફ પણ રાજકોટ આવશે. આફ્રિકાના ખેલાડીઓ માટે ગુજરાતી સહિતના ભોજન પીરસાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.