હાલ કોરોનાના પગલે રાજ્યભરમાં શાળાઓ બંધ છે અને બાળકો ઓનલાઈનથી કંટાળ્યા છે ત્યારે રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક ઉમદા રસ્તો શોધીને તેનો અમલ શરૂ કરી દીધો છે. સ્કૂલો તો બંધ છે પરંતુ, શિક્ષકો-શિક્ષીકાઓ મ્યુનિ.સ્કૂલોના બાળકો કે જેઓ મોટાભાગે ગરીબ,પછાત લત્તામાં રહેતા હોય છે તેમના ઘરે જઈને પાંચ-દસ-પંદરના ગ્રુપ બનાવીને રૂબરૂ અભ્યાસ કાર્ય શરૂ કરાવ્યું છે.
સરકારી ગાઈડલાઈનનું પાલન કરી શિક્ષણ અપાય છે
આ પ્રોજેક્ટ અંતર્ગત એક શેરી કે મહોલ્લામાં શિક્ષકે જઇને તેમાં રહેતા પ્રાથમિક શિક્ષણ મેળવતા તમામ ધોરણના બાળકોને એક જગ્યાએ બેસાડીને શિક્ષણ આપવામાં આવે છે. શેરી શિક્ષણમાં વિદ્યાર્થીઓને વાંચન, લેખન ઉપર વિશેષ ભાર મુકવામાં આવે છે. જોકે શેરી શિક્ષણ આપતા પહેલાં તમામ બાળકોને માસ્ક પહેરાવીને સામાજિક અંતર સાથે બેસાડીને સરકારી ગાઈડલાઈનનું પાલન કરી શિક્ષણ આપવામાં આવે છે.
ઓનલાઈન ભણવું ભારે મૂશ્કેલ છે
આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું કે ઓનલાઈન શિક્ષણ કેટલાક કારણોથી પ્રાથમિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સ્વીકૃત થતું નથી, એમાંય સરકારી શાળામાં ભણતા બાળકો માટે ઓનલાઈન ભણવું ભારે મૂશ્કેલ છે, આવા સમયમાં અમે સ્કૂલો તો ખોલી શકીએ નહીં પણ બાળકો કે જેઓ મોટાભાગે ગરીબ, નિમ્ન કે મધ્યમવર્ગથી આવતા હોય છે તેઓ શિક્ષણથી વંચિત ન રહે, શિક્ષણકાર્ય સાથે તેમનું તાદાત્મ્ય જળવાઈ રહે તે હેતુથી અમે શેરી શિક્ષણ શરૂ કર્યું છે.
બાળકોનું નાનકડું જુથ બનાવાય છે
વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે, આ વર્ષે ધો.2થી 8માં ખાનગી સ્કૂલો છોડીને લિવિંગ સર્ટિફિકેટ લઈને 3500 વિદ્યાર્થીઓ મનપાની સ્કૂલોમાં એડમીશન લીધું છે અને સમિતિ દ્વારા ખાનગી સ્કૂલોને ટક્કર મારે તે માટે જરૂરી સુવિધાઓ પણ ઉભી કરાઈ રહી છે.રાજકોટની સરકારી પ્રા.શાળાના શિક્ષકો જે તે બાળકોના રહેણાંક વિસ્તારમાં જ જાય છે. ત્યાં ડિસ્ટન્સ જળવાય તે રીતે બાળકોનું નાનકડું જુથ બનાવાય છે અને ખુલ્લી શેરીમાં શેતરંજી પાથરીને કે ઘરમાં ખાટલે બેસીને, ફળિયામાં બેસીને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું છે જેને વાલીઓ,બાળકોએ આવકાર્યું છે. ખાનગી સ્કૂલો-કોલેજો કોરોના કાળમાં બંધ છતાં ઉંચી ફી વસુલવાને લીધે હવે માત્ર સરકારી કોલેજો જ નહીં, પણ સરકારી પ્રાથમિક શાળામાં પણ વાલીઓ વધુ બાળકોને મુકી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.