તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નો સર્વે:ઓનલાઇન ભણાવવામાં શિક્ષકોને કંટાળાની અનુભૂતિ, રોજ એક જ રીતે લેક્ચર આવાથી નવું શીખવી શકતા નથી

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકોને અસંતોષ તો બાળકોનું શું?
 • કોલજ જતા હોય તો કંઇક નવીન શિક્ષણ આપી શકીએ

કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામા આવી રહ્યું છે. આ શિક્ષણ બાળકો માટે તો મુશ્કેલીજનક બન્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં વિદ્યાર્થી વસરા રૂપલ અને ડો.હસમુખ ચાવડાએ આ અંગે 1170 શિક્ષકો પર સર્વે કરતા ચોંકવનારી વિગતો સામે આવી છે. જેમાં ઓનલાઇન ભણાવવામાં શિક્ષકોને કંટાળાની અનુભૂતિ થતી હોવાનું જાણવા મળ્યું છે. જો ઓનલાઇન શિક્ષણમાં શિક્ષકોને અસંતોષ થતો હોય તો બાળકોનું શું? તેવો સવાલ પણ ઉઠ્યો છે.

આ સર્વેમાં 1170 શિક્ષકોએ પ્રતિક્રિયાઓ આપી
આ સર્વેના આધારે એવુ જાણવા મળ્યું છે કે, બાળકો સાથે સાથે શિક્ષકોને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. ઓનલાઇન લેક્ચરથી શિક્ષકો તકલીફો, મુશ્કેલી અને અણગમો અનુભવી રહ્યાં છે. ભણાવવામાં કંટાળાની અનુભૂતિ થાય છે. આ સર્વેમાં કુલ 1170 શિક્ષકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. જેમા 55.40% શિક્ષકો શહેરી વિસ્તારનાં અને 44.80% શિક્ષકો ગ્રામ્ય વિસ્તારથી સબંધિત હતા. તેમા 60.30% પુરૂષો અને 39.70% મહિલા શિક્ષકોએ પ્રતિક્રિયાઓ આપી હતી.

આ સર્વેના તારણો નીચે મુજબ જોવા મળ્યા

 • 96.60% શિક્ષકોને ઓનલાઈન શિક્ષણમાં સંતોષ થતો નથી.
 • 97.70% શિક્ષકોને નેટવર્ક ઇશ્યુને લીધે વિદ્યાર્થીઓ ભણી ન શકે તો ચિંતા થાય છે.
 • 86.20% શિક્ષકોએ જણાવ્યું કે અમે અમારા વિષય-વસ્તુને ન્યાય આપી શકતા નથી એવી લાગણી થાય છે.
 • 89.70% શિક્ષકોને એકલતાનો અનુભવ થાય છે.
 • 95.40% શિક્ષકોએ કહ્યું કે હોમવર્કની ચકાસણી પણ થઇ શકતી નથી.
 • 86.80% શિક્ષકોએ કહ્યું કે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને રસ નથી.
 • 60.30% શિક્ષકોએ કહ્યું કે ઓનલાઈન વ્યાખ્યાનમાં કંટાળાની અનુભૂતિ થાય છે
 • 70.70% શિક્ષકોએ કહ્યું કે ક્યારેક વિદ્યાર્થીઓ શિક્ષકોના નંબર બ્લોક લિસ્ટમાં નાખી દે છે
 • 65.50% શિક્ષકોએ કહ્યું કે વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃતિઓ પણ કરતા હોય છે.
 • 90.20% શિક્ષકોએ કહ્યું કે વિદ્યાર્થીઓની એકાગ્રતામાં ઘટાડો થયો છે.
 • 88.50% શિક્ષકોએ કહ્યું કે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ સાથે આઈ કોન્ટેક્ટ થતો નથી.
 • 74.70% એ કહ્યું ઓનલાઈન ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સમયસર જોડાતા નથી
 • 93.10% શિક્ષકોએ કહ્યું ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન મર્યાદિત બની જતું હોય છે
 • 86.80% શિક્ષકોએ કહ્યું વિદ્યાર્થીઓ ઘરે હોવાથી શૈક્ષણિક કાર્ય ગમતું નથી.

સર્વેમાં શિક્ષકો તરફથી આવેલી અન્ય સમસ્યાઓ અને મંતવ્યો

 • વિદ્યાર્થીઓને ઓનલાઈનમાં રસ ઓછો પડે છે.
 • પ્રાઇવેટ શાળાના શિક્ષકોની હાલત કફોડી થઈ ગઈ છે, ક્લાસિસ અને શાળા બધુ બંધ હોય ક્યારેક ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે.
 • ઓનલાઈન શિક્ષણમા શિક્ષકોને પુરતો પગાર ચૂકવવામાં આવતો નથી, જેના લીધે ઘણીબધી આર્થિક સમસ્યાઓનો સામનો અમારે કરવો પડે છે. શિક્ષકોને આટલી લાચારી સામનો ક્યારેય કરવો પડ્યો નથી
 • ઓનલાઇન અભ્યાસમાં મારી મુખ્ય સમસ્યા એ છે કે શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નથી અને તેમને સમયસર વાલી પાસેથી મોબાઈલ મળતો નથી ગામડામાં નેટવર્કનો પણ પ્રશ્ન છે, વાલીની આર્થિક સ્થિતિ પણ નબળી હોય સરકારી શાળાના બાળકોને ઘણી મુશ્કેલીઓ પડે છે છતાં આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નિયમિત ઓનલાઇન અભ્યાસ ચાલુ છે
 • દરરોજ એક જ રીતે લેક્ચર આપવા પડે છે, કોલજ જતા હોય તો કંઇક નવીન શિક્ષણ આપી શકીએ
 • ઓનલાઈન શિક્ષણથી બધા બાળકોનું મૂલ્યાંકન શક્ય નથી, ઇન્ટરનેટ પર અન્ય ન જોવા જેવી માહિતી જોતું થઈ જશે, આવનાર સમયમાં બાળકને સ્કૂલ સાથે સંપર્કમાં લાવતા સમય લાગશે, અક્ષર, પરીક્ષા સમયે ટાઈમ મેનેજમેન્ટ નહીં કરી શકે
 • ગરીબ પરિવારની ઘણી વિદ્યાર્થિનીઓ એન્ડ્રોઇડ મોબાઈલ જ નથી ધરાવતી તો ઓનલાઈન અભ્યાસ ક્યાંથી સંપૂર્ણ પણે અમલી બને ?
 • વિદ્યાર્થીઓ આળસુ પ્રકૃતિ ધરાવતા થઈ ગયા છે તેમજ ફિઝિકલ ગ્રોથમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ઉપરછલો અભ્યાસ કરે છે
અન્ય સમાચારો પણ છે...