કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં આગામી 23મીથી ધો.9 થી 12ની સ્કૂલો શરૂ કરવા કવાયત ચાલુ થઇ ગઇ છે ત્યારે સરકારની માર્ગદર્શિકા મુજબ 12 વિદ્યાર્થીઓના વર્ગની નીતિથી જો સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે તો દરેક શિક્ષકને તેમના વિષયના દરેક ચેપ્ટરના ઓછામાં ઓછા 3 થી 5 પિરિયડ લેવા પડશે. આ ઉપરાંત 35 ટકા વિદ્યાર્થીઓ જો સ્કૂલે આવવા સંમતિ અને બાહેંધરીપત્રક ભરશે તો જ સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરાશે તેવો નિર્ણય રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશને લીધો છે.
રાજકોટ શહેરમાં આગામી 23મીથી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો શરૂ કરવા તૈયારીનો ધમધમાટ અત્યારથી જ શરૂ થઇ ગયો છે જેમાં સૌથી અગત્યની વાત એ છે કે કેન્દ્ર સરકારની એસઓપી મુજબ એક વર્ગખંડમાં 12 થી 22 જેટલા જ વિદ્યાર્થીઓ બેસાડી શકાશે. ત્યારે શિક્ષકોનું શેડ્યૂલ કેવી રીતે ગોઠવાશે, સિલેબસ કેવી રીતે પૂરો થશે, ઓફલાઇન એજ્યુકેશન અને ઓનલાઇન એજ્યુકેશન વચ્ચે તાળામેળ કેવી રીતે જળવાશે સહિતના સવાલો વાલીઓના મનમાં ઉઠે તે સ્વબાવિક છે.
રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જતીનભાઇ ભરાડે જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં ઓડ-ઇવન પધ્ધતિથી સ્કૂલો શરૂ કરવા નિર્ણય કર્યો છે. સરકારે 3 દિવસ ધો.9 અને 11ના તથા ત્રણ દિવસ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને બોલાવવા સૂચન કર્યું છે તેના બદલે રાજકોટ શહેરમાં ધો.9 થી 12ના તમામ વર્ગો છએ છ દિવસ ચાલુ રાખવાનું અને ઓડ-ઇવન પધ્ધતિથી વિદ્યાર્થીઓને બોલાવવાનું નક્કી કર્યું છે. એટલે કે ધો.9 થી 12ના 50 ટકા વિદ્યાર્થીઓને સોમ-બુધ-શુક્રવારના રોજ અને બાકીના 50 ટકાને મંગળ-ગુરૂ-શનિવારના રોજ બોલાવવામાં આવશે. ઉપરાંત બે થી અઢી કલાક ઓનલાઇન એજ્યુકેશન ચાલુ રાખવા હાલના તબક્કે નિર્ણય કરાયો છે.
3થી 5 પિરિયડ શા માટે લેવા પડશે, આ રીતે સમજો
સરકારની સૂચના મુજબ નાના વર્ગખંડમાં12 થી 15 વિદ્યાર્થીઓ અને મોટા વર્ગખંડમાં વધુમાં વધુ 22 વિદ્યાર્થીઓ બેસાડી શકાશે. જ્યારે સ્કૂલોમાં એક વર્ગમાં 40 થી 60 જેટલા વિદ્યાર્થીઓ હોય છે તેથી 40 વિદ્યાર્થીઓ હોય તેવા વર્ગના વિદ્યાર્થીઓને ઓડ-ઇવન પધ્ધતિથી બોલાવવામાં આવે તો બે દિવસના એક વિષયના એક ચેપ્ટરના બે પિરિયડ અને એક પિરિયડ ઓનલાઇન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે લેવો પડશે. મોટી સંખ્યા ધરાવતી સ્કૂલો બે શિફટમાં ઓડ-ઇવન પધ્ધતિથી ચલાવવામાં આવે તો ચાર શિફટના ચાર પિરિયડ અને એક પિરિયડ ઓનલાઇન શિક્ષણનો ગણી પાંચ પિરિયડ એક ચેપ્ટરના શિક્ષકોએ ભણાવવા પડશે.
બીજી ટર્મમાં કેટલા દિવસ અભ્યાસના છે
ધો.9 અને 11ની પરીક્ષા એપ્રિલના બદલે જૂનમાં લેવાની હોવાથી 160 દિવસ અને ધો.10 અને 12ની પરીક્ષા મેમાં હોવાથી 140 દિવસ અભ્યાસના મળશે.
45% અભ્યાસ પૂરો થઇ ગયો છે
મોટાભાગની સ્કૂલોનો 45 ટકા કોર્સ ઓનલાઇન એજ્યુકેશન મારફત પૂરો થઇ ગયો છે. આથી બાકીનો અભ્યાસ પૂરો કરવા માટે પૂરતો સમય છે.
વાલીની ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ
સ્કૂલ સંચાલકોએ વાલીઓને તેમના સંતાનો સ્કૂલે આવશે કે નહી તે બાબતે ફોન શરૂ કરી દીધા છે પરંતુ મોટાભાગના વાલીઓ મન કળાવા દેતા નથી અને ‘થોભો અને રાહ જુઓ’ની નીતિની જેમ પ્રથમ સપ્તાહ પૂરું થયા બાદ પોતાના સંતાનોને સ્કૂલે મોકલવા નિર્ણય કરશે તેમ જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.