રાજકોટમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં કોઠારિયા રોડ પર આવેલી શિવધામ સોસાયટીમાં રહેતી શિક્ષિકા કિંજલ દાદલ (ઉં.વ.26)એ પોતાના ઘરે પંખાના હૂકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. આ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ સિવિલે દોડી ગઈ હતી અને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં શહેરની રાજકોટ નાગરિક સહકારી બેંકના ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા નયનભાઈ હસમુખભાઈ ટાંક (ઉં. વ.44)એ ગઇકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નયનભાઈએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે
કિંજલ કુવાડવા રોડ પર ખાનગી સ્કૂલમાં નોકરી કરતી
કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી શેરી નં.2માં રહેતી કિંજલબેન પ્રવિણભાઈ દાદલ ગઇકાલે પોતાના ઘરે રૂમમાં પંખાના હૂકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતાં તાત્કાલિક નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. તેમજ બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકના PSI આર.વી.કડછાની ટીમે હોસ્પિટલે દોડી જઈ કાગળો કરી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.
કિંજલની ત્રણ મહિના પહેલા જ સગાઈ થઈ હતી
મૃતક કિંજલબેનના ભાઈએ જણાવ્યું હતું કે, તેમને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમજ કુવાડવા રોડ પર આવેલી મેહુલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. ત્રણ મહિના પહેલા ડાકોર તેમની સગાઈ થઈ હતી. તેમજ પાંચ ભાઈ-બહેનમાં વચેટ હતી. તેમની બહેને કરેલા આપઘાત અંગે પરિવાર અજાણ હોવાનું કહ્યું હતું. આજીડેમ પોલીસ મથકના સ્ટાફે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
નાગરિક બેંકના ચીફ મેનેજરે રૂમમાં દુપટ્ટાથી ગળેફાંસો ખાધો
ગઇકાલે સાંજે પોણા પાંચેક વાગ્યે નયનભાઈ હસમુખભાઈ ટાંકને સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોએ તબીબોને જણાવ્યું હતું કે, નયનભાઈએ ગળેફાંસો ખાઈ લીધો છે. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ પર હાજર રહેલા ડો. વિરાચીએ નયનભાઈને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આથી હોસ્પિટલ પોલીસ ચોકીનાં હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈએ તુરંત ગાંધીગ્રામ પોલીસ મથકે જાણ કરતાં PI જી.એમ. હડિયાના માર્ગદર્શન હેઠળ ASI જી.ડી. શિયાર અને સ્ટાફના કર્મચારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.