રાજકોટના એસઆરપી કેમ્પ સામે વર્ધમાનનગરના સિલ્વર બંગ્લોઝ નં.15માં રહેતા શિક્ષક હસમુખભાઈ અમરાભાઈ વાળા (ઉં.વ.60) ગઇકાલે પોતાના ઘરે પંખો સાફ કરતી વેળાએ સેટી પરથી નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા બેભાન થઈ ગયા હતા. જેને સારવારમાં પ્રથમ ખાનગી અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા.
સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. હસમુખભાઈ મૂળ કેશોદના શેરગઢ ગામના વતની છે અને તે શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેની બદલી જામનગર થતા તેઓ પાંચ વર્ષથી પરિવાર સાથે રાજકોટ રહેવા માટે આવ્યા હતા. તેમને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. જેમનો પુત્ર અમદાવાદ રહે છે. થોડા દિવસ પહેલા તેની પત્ની સારવાર માટે પુત્રી સાથે અમદાવાદ ગયા હતા. ગઈકાલે હસમુખભાઈએ તેને મકાન સાફ કરવા માટે તેમને બોલાવ્યા હતા. ત્યારે મકાનની સાફ સફાઈ કરતી વેળાએ બનાવ બન્યો હતો. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
વેપારી સાથે 60 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરના વાણિયાવાડી મેઈન રોડ પર રહેતા અને ગોંડલ રોડ પર સાધના ભેળ નામે નાસ્તાનો વેપાર કરતા દિપકભાઈ પ્રેમજીભાઈ ટાંક (ઉં.વ.40)એ ડો. યાજ્ઞિક રોડ પર માધવ કોમ્પલેક્ષમાં રિદ્ધિ સિદ્ધિ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઈટર પલક પ્રફુલભાઈ કોઠારી સામે 60 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પલક અલગ અલગ બહાનો આપતો
દિપકભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ દિપકભાઈ તેની પત્ની અને દિપકભાઈના મિત્ર રાહુલ સિધ્ધપુરાને વિશ્વાસમાં લઈ કંપનીમાં રોકાણ કરવાથી વધુ વળતર અપાવવાની લાલચ આપી દંપતી પાસેથી રૂ.40 લાખ અને રાહુલભાઈ પાસેથી રૂ.20 લાખ મળી કુલ રૂ. 60 લાખનું રોકાણ કરાવી તેને દર મહિને વળતર કે રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ દિપકભાઈ અને રાહુલભાઈ બન્ને તેમના ઘરે જતા ત્યારે આ પલક અલગ અલગ બહાના કાઢતો હતો અને આજ સુધી આ રકમ પલકે નહીં આપી છેતરપિંડી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી પલક વિરુદ્ધ અગાઉ પણ ત્રણ ગુના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે.
પાણીપુરીના ધંધાર્થીના ઘર ચોરી
રાજકોટના પરસાણાનગરમાં રહેતા કપ્તાનભાઇ શાંતીનારાયણ પટેલે પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેના ત્રણ ભાઈઓ સાથે રહે છે અને તેની સાથે પાણીપુરીની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. ગત તા.15ના તેનો ભાઇ હરીમંગલ અને શીવાભાઇ બન્ને પાણીપુરીની લારી લઈને સાંજના ચારેક વાગ્યે ધંધો કરવા જતા રહ્યા હતા. ત્યારે તે તેમજ તેનો ભાઈ આદેશ ઘરે હતા. ત્યારબાદ પાંચેક વાગ્યે બન્ને ભાઇ ઘરને લોક મારી ઘરની બહાર દૂર શેરીમાં બેઠા હતા.
20 હજારની ચોરી
છ વાગ્યાની આસપાસ તેઓ પરત ઘરે આવ્યા ત્યારે ડેલી ખોલી અંદર જતા ઘરના મેઇન દરવાજે મારેલું તાળુ તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો. રૂમની અંદર સામાન વેર વિખેર પડ્યો હતો અને દીવાલમા ટાંગેલી બેગ નીચે પડી હી. તેમા રાખેલા રૂ.20 હજાર ગાયબ હતાં. જે કોઈ અજાણ્યો ચોર ઘરનું તાળુ તોડી ઘરમાં પ્રવેશી બેગમા રાખેલ રોકડ રૂપિયા 20 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પ્રદ્યુમનનગર પોલીસે અજાણ્યાં શખસ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.