ગુડ મેન્ટર:પુત્રીનું સ્વપ્ન પૂરું કરવા શિક્ષકે બેડમિન્ટન કોર્ટ બનાવ્યા, ચેમ્પિયન બની પુત્રીએ ઋણ ચૂકવ્યું

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
બેડમિન્ટનમાં સિદ્ધિ મેળવનાર બંને પુત્રી સાથે શિક્ષક અને તેના પત્ની. - Divya Bhaskar
બેડમિન્ટનમાં સિદ્ધિ મેળવનાર બંને પુત્રી સાથે શિક્ષક અને તેના પત્ની.
  • મોરબીના શિક્ષકે પુત્રીને ટોચ પર લઇ જવાનું બીડું ઝડપ્યું

દંગલ ફિલ્મમાં જે રીતે પુત્રીનું કુસ્તીની રમતમાં સ્વપ્ન પૂરું કરવા પિતાએ પોતાની જાતે મેદાન તૈયાર કરી તાલીમ આપી હતી. તેવા જ એક કિસ્સામાં પુત્રીને બેડમિન્ટનની રમતમાં ટોચ સુધી લઇ જવા મોરબીના શિક્ષકે એક પિતા તેમજ પ્રશિક્ષક તરીકેની ભૂમિકા ભજવી છે. જેનું પુત્રીએ રાજ્યકક્ષાએ ડંકો વગાડી પિતાનું સ્વપ્ન પૂરું કરવાની શરૂઆત કરી છે.

મોરબી રહેતા અને કાંતિનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજયભાઇ મારવણિયાને બે પુત્રી છે. પોતે વોલીબોલ અને ક્રિકેટની રમતમાં પોતાનું સ્વપ્ન પૂરું નહિ કરી શકતા દીકરીઓને સ્પોર્ટ્સમાં આગળ લઇ જવાનું નક્કી કર્યું. મોરબી નાનું સેન્ટર હોવાને કારણે મોટી પુત્રી કાવ્યાને એલ.ઇ.કોલેજમાં બેડમિન્ટનની પ્રેક્ટિસ કરવા લઇ જતો હતો, પરંતુ અહીં તેને માત્ર ફિઝિકલ પ્રેક્ટિસ જ થઇ શકતી હતી. ત્યારે મનોમન નક્કી કર્યું કે દીકરીને તેમજ અન્ય ખેલાડીઓને બેડમિન્ટનના કોર્ટની સુવિધા પૂરી કરવી છે.

આ વાત મિત્રો અશોકભાઇ, ધીમનભાઇ, કૌશિકભાઇને કરતા તેમને પોતાની વાતને સમર્થન આપ્યું હતું. બે વર્ષ પહેલા મહેન્દ્રનગર ચોકડી પાસે 4 હજાર ચો.મી.જગ્યામાં બે જ મહિનામાં એક શેડ ઊભો કરી બે બેડમિન્ટન કોર્ટ તૈયાર કર્યા હતા. જેનો 25 લાખ જેટલો ખર્ચ થતા આર્થિક સંકડામણનો ખૂબ જ સામનો કરવો પડ્યો હતો. ત્યારે અન્ય ખેલાડીઓને અગવડતા ન પડે તે માટે એકેડમી શરૂ કરી જેમાં હાલ 50 જેટલા બાળકો તાલીમ લઇ રહ્યાં છે. અહીં મોટી પુત્રી કાવ્યા અને નાની પુત્રી પંક્તિ સહિતના બાળકોને તાલીમ આપવાનું શરૂ કર્યું.

બે વર્ષની સખત મહેનતના અંતે 14 વર્ષની પુત્રી કાવ્યાએ તાજેતરમાં જ વડોદરામાં રમાયેલી એસોસિએશનની ટૂર્નામેન્ટની ડબલ્સ ઇવેન્ટમાં ટાઇટલ જીતી સૌરાષ્ટ્રની પહેલી મહિલા ખેલાડી બની છે. એટલું જ નહિ 11 વર્ષીય નાની પુત્રી પંક્તિએ રાજકોટમાં રમાયેલી ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ ટૂર્નામેન્ટમાં અન્ડર-13માં સિંગલ્સ, ડબલ્સમાં પ્રથમ, અન્ડર-15માં સિંગલ્સ અને ડબલ્સમાં પ્રથમ સ્થાન મેળવી ડંકો વગાડતા મારી મહેનત સફળ થઇ છે.

છ કોર્ટનો શેડ બનાવવાની કામગીરી શરૂ કરી છે
મોરબી જિલ્લો બન્યા પછી સ્પોર્ટસ મેદાન સહિતની કોઇ સુવિધાઓ નથી, પરંતુ જાત મહેનતે તૈયાર કરેલા બે બેડમિન્ટન કોર્ટ બાદ ટૂર્નામેન્ટ થઇ શકે તે ઉદ્દેશથી મોટો શેડ બનાવવાનું મિત્રો સાથે નક્કી કર્યું. ખરાબ આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ આ સ્વપ્ન અમે પૂરું કરવામાં સફળ રહ્યાં છીએ. આગામી દિવસોમાં સરદાર પટેલ રોડ પર મોટો શેડ બનાવાયો છે. જેમાં છ બેડમિન્ટન કોર્ટ બનાવવામાં આવ્યાનું સંજયભાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...