સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના ઉપયોગમાં લેવાતા ખાસ કરીને ભૂગર્ભના પાણીમાં ટીડીએસનું પ્રમાણ વધી 2,000 પીપીએમના સ્તરે પહોંચી જતા ઉત્તમ અને પોષણક્ષમ ખેતી સામે પ્રશ્નાર્થનો મુદ્દો સર્જાયો છે. કૃષિ નિષ્ણાતોના મતે સામાન્ય રીતે સુદૃઢ, ઉત્તમ ખેતી માટે પાણીમાં ટીડીએસ (ટોટલ ડીસોલ્વ્ડ સોલિડ્સ) નું પ્રમાણ 300થી લઇ 900 અને ક્લોરાઇડનું પ્રમાણ 140 પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) થી નીચું હોવું જોઇએ, જેની સામે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીમાં એકંદરે વધેલા ટીડીએસ અને સોડિયમ ક્લોરાઇડના પ્રમાણને કારણે ઉત્તમ કહી શકાય તેવી વિશેષ ખેતી અને શ્રેષ્ઠ-િવપુલ વાવેતર સામે સર્જાતા સવાલોને લઇને કૃષિ નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિજ્ઞાન વિભાગના વડા ડો.એસ. જી. સાવલિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં કુલ સિંચાઇવાળો વિસ્તાર 14 ટકા છે. જેમાં કૂવાથી થતી સિંચાઇનો હિસ્સો 80 ટકા છે. સૌરાષ્ટ્રના 66 ટકા કૂવાના પાણી ખારા થયા છે. ખેતીના પાણીમાં વધી રહેલા ક્ષારને કારણે ખાસ કરીને શાકભાજી, ફળફળાદી તેમજ કઠોળના વિવિધ પાકોમાં ગુણવત્તાને લઇને માઠી અસર થઇ રહી છે.
ખારા-ક્ષારવાળા પાણીના પિયતથી જમીન સુકાતા ખાસ કરીને પાળા પર સફેદ છારી જોવા મળે છે. જમીનની સપાટી પર લૂણો લાગે છે. જમીન પોંચી બને છે. રાજકોટ, ધોરાજી, ગોંડલ, મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોની જમીનથી ખૂબ જ સારી રીતે વાકેફ એવા જાણીતા એગ્રોનોમિસ્ટ પ્રદીપ કાલરિયા જણાવે છે કે, પાક, પાણી અને જમીનની પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં જમીન અને પાણીની ચકાસણીને લઇને ખૂબ જ જાગરૂકતા જોવા મળી રહી છે.
છેલ્લા એક વર્ષમાં જમીન સંલગ્ન 6,700 અને પાણી અંતર્ગત 4,000થી વધુ ટેસ્ટ કરતા એ બાબત સામે આવી રહી છે કે, ગામડાંઓમાં ખાસ કરીને કૂવા અને બોરના પાણીમાં ટીડીએસનું પ્રમાણ 1,800 પીપીએમની ઉપર પહોંચી ગયું છે. કેટલાક વિસ્તારોમાં તો ટીડીએસ તેથી પણ વધુ ઊંચું જોવા મળી રહ્યું છે. સાથે ક્લોરાઇડનું પ્રમાણ પણ 500 પીપીએમ સુધી પહોંચી ગયું છે.
જમીનની અંદર ખેતી કરવા માટે ખાસ કરીને ઉપરની છ ઇંચ જમીનની મુખ્ય ભૂમિકા હોય છે, અસરકારક ખેતીનો મુખ્ય આધાર ન્યૂટ્રેટ વેલ્યૂ અને બેક્ટેરિયા પર હોય છે. ગામડાંઓમાં હાલ પાણીમાં વધુ ટીડીએસથી શાકભાજી, ફળફળાદી અને કઠોળના વાવેતરને લઇને મુશ્કેલી સર્જાશે તેવી દહેશત પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. ખેડૂતોમાં જમીન અને પાણીનું ટેસ્ટિંગ કરાવવાની બાબતને લઇને જાગરૂકતા આવી છે.
ભૂગર્ભનું પાણી ઉપર ચડતા કૂવા સહિતના સ્રોતોના જળને અસર
ભૂગર્ભ સ્રોતના જળમાં ટીડીએસનું પ્રમાણ ઊંચું રહેતું જ હોય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં ભૂગર્ભનું પાણી ઉપર ચડતા તે પાણી ઓછી ઊંડાઇ ધરાવતા સ્રોતોમાં પણ ભળવા લાગતા એકંદરે કૂવા અને ઓછી ઊંડાઇ ધરાવતા જળસ્રોતોના પાણીમાં પણ ટીડીએસનું પ્રમાણ વધ્યું છે.
ક્ષાર વધતા જમીનની નિતાર શક્તિ ઘટી શકે છે
બીજનો ઉગાવો નબળો રહેવો, ખેતરમાં વરાપ મોડી આવવી, જમીનની સપાટી પર પોપડી થઇ જવી, જમીન ભીની હોય ત્યારે ચીકણી અને સુકાઇ જાય ત્યારે કઠણ થઇ જવી, પાક પીળો પડી જાય છે, આંતરખેડમાં મુશ્કેલી આવવી, જમીનની નિતાર શક્તિ ઘટી જવી, જમીનની ભૌતિક સ્થિતિ બગડવી, પાક ઉત્પાદન ખૂબ જ ઘટી જવું.
જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જવાના મુખ્ય કારણો
જમીન બનાવતા ખડકોમાં ક્ષારનું પ્રમાણ, જમીનમાં નબળી નિતાર શક્તિ, સૂકી આબોહવા, દરિયાની ભરતીનું પાણી ફરી વળવું, ભૂગર્ભજળની સપાટી નીચે જવી, પિયત પાણીની, ગુણવત્તા , નહેરો દ્વારા વધુ પડતું પિયત, પવનથી ક્ષારોનું સ્થળાંતર, જંગલનો નાશ, કારખાનામાંથી નીકળતા નકામા પાણીનો ઉપયોગ.
તબીબોના અભિપ્રાય
ફળફ્રૂટમાં વિટામિન્સ અને મિનરલ્સ ઘટી શકે
કોઇ પણ બીજને યોગ્ય પોષણ ન મળે તેવી સ્થિતિમાં ફળફ્રૂટ સહિતના પાકોમાં નિર્ધારિત વિટામિન્સ, મિનરલ્સ ઘટી જતા હોય છે. દૂષિત ખાતર અને દૂષિત એટલે વાવેતર માટે અનુરૂપ ન હોય તેવા પાણીમાં ઉગેલા શાકભાજી-ફળફ્રૂટમાં વિટામિન્સ ઘટતા હોય, પરંતુ તેની આડઅસર લોકોને પોતાની તાસીર મુજબ થતી હોય છે. - ડો.જયેશ પરમાર, રાજકોટ
ફળફ્રૂટનો ગ્રોથ ઘટે, આડઅસર પણ થઇ શકે
વધુ ટીડીએસવાળા પાણીમાં ઉગેલા શાકભાજી-ફળફ્રૂટમાં ઓલ ઓવર ગ્રોથ ઘટી જતો હોય છે, પરંતુ આવા પાકનું મૂળ તત્ત્વ વધતા ઓછા પ્રમાણે બરકરાર રહેતું હોય છે. આવા પાકોમાં જીવાત વહેલી આવવી, ફુગ થઇ જવી જેવી આડઅસરો જોવા મળતી હોય છે. શરીરની તાસીર મુજબ લાંબા સમયે ઇન્ફેક્શન જેવી સમસ્યા સર્જાઇ શકે છે. - ડો.અર્ચિત રાઠોડ, રાજકોટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.