રાજકોટ ઈન્કમટેક્સને નાણાકીય વર્ષ 2021-2022 માં રૂ.3900 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાંથી રૂ.1638 કરોડનું રિફંડ ચૂકવાયું છે. જે ગત વર્ષની સરખામણીએ 266 કરોડ વધારે છે. જે અંગેનું કારણ આપતા રાજકોટ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ અને સીએ રાજીવ દોશી જણાવે છે કે, વેચાણ પર ટીસીએસ વસૂલ કરવામાં આવ્યો છે. જે એક પ્રકારનો ટેક્સ જ છે. અત્યાર સુધી નફા પર જ ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો. વેચાણ પર જે ટેક્સ વસૂલ કરેલ છે તે પરત ચૂકવવો પડે એટલે આ વખતે વધુ રિફંડ ચૂકવાયા છે.
જોકે આ નિયમ અગાઉનો છે, પરંતુ એસેસમેન્ટ કર્યા બાદ તેની અસર ટેક્સ કલેક્શનમાં જોવા મળી છે. રિફંડ વધુ ચૂકવાતા નેટ કલેક્શન ઓછું થયું છે. નેટ કલેક્શન ઘટવાને કારણે ટાર્ગેટ હજુ પૂર્ણ થવાનો બાકી છે. ટાર્ગેટ પૂર્ણ થાય તે માટે હવે સર્ચ- સરવે ઓપરેશન તેજ બનવાની સંભાવના વધારે છે તેમ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
નિયમિત રીતે કર ચૂકવતા કરદાતાઓની માહિતી ઉચ્ચકક્ષાએથી મગાવાઈ
ટેક્સચોરી કરનાર પર આવકવેરા વિભાગની નજર હોય જ છે. આ વખતે જે કરદાતાએ સૌથી વધુ અને નિયમિત ટેક્સ ચૂકવ્યો છે. તેની માહિતી પણ ઉચ્ચકક્ષાએથી માગવામાં આવી હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ડિસેમ્બરમાં ત્રીજો એડવાન્સ હપ્તો ચૂકવવામાં આવ્યો છે તેની માહિતી પણ માગવામાં આવી છે. સૌરાષ્ટ્ર- કચ્છના કાર્યક્ષેત્ર હેઠળ અંદાજિત 22 લાખથી વધુ કરદાતાઓ છે. ટોપ-10માં પોર્ટ, ઓટોમોબાઈલ, બેરિંગ બનાવતી કંપની, નમકીન બનાવતી કંપની, સિરામિક ઈન્ડસ્ટ્રીઝ, ઘડિયાળ બનાવતી કંપની, બેંક વગેરેનો સમાવેશ થાય છે. જોકે કોરોના બાદ નમકીન બનાવતી કંપની ટોપ- 5ના લિસ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી અને તેના સ્થાને વેલ્થ ક્ષેત્રની કંપની ટોપ- 5 માં સ્થાન પામી છે. માર્ચ માસમાં ટેક્સનો અંતિમ હપ્તો ફાઈલ કરવાનો રહેશે.
બે વર્ષના ટેક્સ કલેક્શન અને રિફંડ | |||
વર્ષ | ગ્રોસ કલેક્શન | રિફંડ | નેટ કલેક્શન |
2020-2021 | 2435 | 1272 | 1162.9 |
2021-2022 | 2701 | 1638 | 1063 |
(નોંધ : કલેક્શન અને રિફંડ ડિસેમ્બર માસ સુધીના જ છે, આવકવેરામાંથી મળેલી માહિતી મુજબ) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.