રકમ વસૂલવા કાર્યવાહી:વેરાનું વ્યાજ ચડ્યું, જવાબદાર ન શોધી ‘ તેરી ભી ચુપ મેરી ભી ચુપ’!

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લા પંચાયતના સ્વભંડોળને રૂ.2.83 લાખના વ્યાજનો ચાંદલો
  • બાકી વેરાનું ભરેલું વ્યાજ RMC પાસેથી પરત લેવાના પ્રયાસો

રાજકોટ જિલ્લા પંચાયત બિલ્ડિંગ અને પ્રમુખના બંગલાનો તત્કાલીન વેરો ન ભરવાના કિસ્સામાં રૂ. બે લાખથી વધુના વ્યાજનો ચાંદલો થયાના પ્રકરણમાં સમયસર વેરો ભરવામાં બેદરકારી દાખવનારા કર્મચારી પાસેથી આ વ્યાજની રકમ વસૂલાશે, તેવા નિર્ણય બાદ વ્યાજની રકમ સ્વભંડોળમાંથી ભરી દેવાયા બાદ બે મહિના પછી પણ આ પ્રકારની બેદરકારી, જિલ્લા પંચાયતની આબરૂને ધબ્બો લગાડનાર ક્યા અધિકારી પાસેથી વ્યાજની રકમ વસૂલવી તે નક્કી થયું ન હોઇ.

આ બાબતે હાલ ‘તેરી ભી ચુપ-મેરી ભી ચુપ’ જેવી નીતિ અખત્યાર થઇ રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત બિલ્ડિંગ અને પ્રમુખના બંગલાનો મકાનવેરો, પાણીવેરા અંતર્ગત રૂ.18.79 લાખનો તત્કાલીન બાકી વેરો સમયસર ન ભરાયાના પ્રકરણની તપાસ નાયબ કાર્યપાલક ઇજનેર સંદીપ મહાલાને સોંપવામાં આવી હતી. તેઓ લાંબી રજા પર ઉતરી જતા તેનો ચાર્જ હાલ નિરવ પટેલ પાસે છે.

તેઓએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ‘રાહુલ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ પાસે આ અંગે સ્પષ્ટતા માગતાં તેઓએ કોરોનાકાળ વચ્ચે આરએમસીનું બિલ મળ્યું ન હોવાથી વેરો ભરવામાં મોડું થયું છે તેવું કારણ આપ્યું છે. આ બાબતે હાલ બાકી વેરાનું ભરાયેલું રૂ.2.83 લાખનું વ્યાજ આરએમસી પાસેથી પરત મેળવવા પ્રયત્નો શરૂ કરાયા છે.’

કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,‘મેં કારોબારી બેઠકમાં જ તપાસ કરવાનો આદેશ કર્યો હતો, બાદમાં એક મહિના બાદ ફરી વખત તપાસ કરી જવાબદાર બેદરકારને શોધવા અને તેની પાસેથી વ્યાજની રકમ વસૂલવા કાર્યવાહી કરવા અંગે બાંધકામ વિભાગને ફરી લેખિત સૂચના પણ આપી છે.

હાલ ભલે સ્વભંડોળમાંથી રકમ ભરાઇ હોઇ, પરંતુ તે જિલ્લા પંચાયત કોઇ કાળે ભોગવશે નહીં.’ ઉલ્લેખનીય છે કે, આ તપાસનું કાર્ય ડે.ડીડીઓ બ્રિજેશ કાલરિયાના વડપણ હેઠળ ચાલી રહ્યું હોઇ, આ બાબતે જાત જાતના સવાલો ખડા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...