તંત્ર એક્શનમાં:રાજકોટમાં બાકીદારો પર ટેક્સ બ્રાન્ચ ત્રાટકી, રૂા.20.45 લાખની ટેક્સ રિક્વરી, 99 આસામીઓને વ્યવસાય વેરાની નોટીસ ફટકારાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ટેક્સ વસૂલવા મનપા દ્વારા રિકવરી સેલ અને એસેસમેન્ટ સેલની રચના કરવામાં આવી
  • કોર્પોરેશનનો નવતર અભિગમ, મ્યુનિ. કમિશનર તમારા આંગણે' અંતર્ગત વોર્ડ નં. 4માં જઈને કમિશનરે લોકોની સમસ્યા સાંભળી

આજે શહેરના ગોંડલ રોડ પર કોર્પોરેશનની ટેક્સ બ્રાન્ચ ત્રાટકી હતી. જ્યાં 99 આસામીઓને વ્યવસાયવેરાની સુનાવણી માટે નોટીસ ફટકારવામાં આવી છે. જ્યારે 20 આસામીઓ પાસે રૂા.20.45 લાખની વસૂલાત કરવામાં આવી છે.

બે નવા સેલ ઊભા કર્યા
ટેક્સ બ્રાન્ચ દ્વારા પાઇનવિન્ટા હોટેલ, પ્રમુખસ્વામી આર્કેટ, શિવાલીક-5ના સહિતના આસામીઓ પાસેથી ટેક્સની રિક્વરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ મનપાએ બે નવા સેલ ઊભા કર્યા છે જેમાં રિકવરી સેલ અને એસેસમેન્ટ સેલનો સમાવેશ થાય છે. જોકે આ બંને સેલ માટે મહેકમ વધારાયું નથી પણ બદલીઓ કરી દઈ અન્ય વિભાગના સ્ટાફમાંથી કર્મચારીઓ ઓછા કરાયા છે.

રિકવરી સેલમાં ટેક્સ ઇન્સ્પેક્ટર રહેશે
સત્તાધીશોના જણાવ્યા અનુસાર રિકવરી સેલમાં આસિસ્ટન્ટ મેનેજર, ટેક્સ ઇન્સ્પેક્ટર, ડિમાન્ડ ક્લાર્કો તથા સુરક્ષા કર્મચારીઓ હશે. જેની કામગીરી વોર્ડની તમામ મિલકતોનો મિલકત વેરો નિયમિત રીતે ભરપાઈ થાય છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

નવી મિલકતોની આકારણી કરવાની રહેશે
આ ઉપરાંત રિકવરી સમયે મિલકતોની ફેર આકારણી હોય તો તે એસેસમેન્ટ સેલને સૂચવવાનું રહેશે. જ્યારે એસેસમેન્ટ સેલમાં વોર્ડ ઓફિસર, ટેક્સ ઇન્સ્પેક્ટર/ટેક્નિકલ આસિસ્ટન્ટ, વોર્ડ ક્લાર્ક, ડિમાન્ડ ક્લાર્ક હશે આ સેલની કામગીરી નવી મિલકતોની આકારણી કરવાની તેમજ ભોગવટાની મિલકતોની આકારણી તેમના પ્રકાર મુજબ જ થઇ રહી છે તે નક્કી કરવાનું રહેશે.

આજે મ્યુનિ. કમિશનર વોર્ડ નંબર 4 ખાતે પહોંચ્યા હતા
મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરાએ લોકોને પડતી મુશ્કેલીઓને જાણી તેને દૂર કરવા માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં તેમણે મ્યુનિ. કમિશનર તમારા આંગણે નામનું અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેમાં અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત કરી જે-તે વિસ્તારનાં વિકાસકાર્યોની સમીક્ષા કરવાની સાથે સ્થાનિકો સાથે સંવાદ કરી તેની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. જે અંતર્ગત આજે મ્યુનિ. કમિશનર વોર્ડ નંબર 4 ખાતે પહોંચ્યા હતા. અહીંના લોકોની સમસ્યાઓ સાંભળી તેને શક્ય તેટલી જલ્દી દૂર કરવા જવાબદાર અધિકારીઓને આદેશો આપ્યા હતા.

લોકોને મળી તેમની શું-શું સમસ્યા છે તે અંગેની માહિતી પણ મેળવી
જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ હવે લોકોની વચ્ચે જઇને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળવા માટે દરરોજ એક વોર્ડની યાત્રા કરવાનો પ્રારંભ કર્યો છે. ગઈકાલે વોર્ડ નંબર 2 બાદ આજે મ્યુનિસિપલ કમિશનર વોર્ડ નં.4માં પહોંચ્યા હતા. અને વોર્ડ નં.4માં કોવિડ વેક્સિનેશન, વોંકળા સફાઈ, ડ્રેનેજ, જાહેર સ્વચ્છતા તેમજ ટેક્સ વસુલાત જેવી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ આ વોર્ડનાં વિવિધ વિસ્તારોનાં લોકોને મળી તેમની શું-શું સમસ્યા છે તે અંગેની માહિતી પણ મેળવી હતી.