રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના આર્થિક આયોજન માટે ભાજપે પક્ષના જ નેતા, હોદ્દેદારો અને સંગઠનને ટાર્ગેટ આપ્યા છે, રાજ્યમાંથી 200 કરોડ એકઠા કરવાનો નિર્ણય કરાયો છે જેમાં રાજકોટ શહેરમાંથી રૂ.4.13 કરોડ એકઠા કરવામાં આવશે. દરેક પુરુષ કોર્પોરેટરે રૂ.2-2 લાખ, અને મહિલા કોર્પોરેટરે રૂ.1-1 લાખ પક્ષના ખાતામાં જમા કરાવવાના રહેશે.
ભાજપના જ વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટના ધારાસભ્યોએ રૂ.5 લાખથી રૂ.11 લાખની રકમનો ટાર્ગેટ સ્વીકાર્યો છે, મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીએ રૂ.51-51 લાખની જાહેરાત કરી છે, શહેર પ્રમુખ, મહામંત્રીઓ અને મનપાના મુખ્ય પદાધિકારીઓને રૂ.5-5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આ ઉપરાંત શહેરના 18 વોર્ડ છે જે તમામ 18 વોર્ડના સંગઠનના હોદ્દેદારોએ વોર્ડદીઠ રૂ.5 લાખ એકઠા કરવાના રહેશે. શહેરમાં મહિલા, બક્ષીપંચ, યુવા, લઘુમતી સહિત 9 મોરચા છે તે તમામ મોરચાએ રૂ.2-2 લાખ તો અલગ અલગ 15 સેલના હોદ્દેદારોએ રૂ.1-1 લાખ આપવાના રહેશે.
શિક્ષણ સમિતિના ચેરમેનને રૂ.2 લાખ તો સમિતિના સભ્યોને રૂ.1-1 લાખ એકઠા કરવાનો આદેશ કરાયો છે. રાજકોટ શહેરને કુલ રૂ.4.13 કરોડનો ટાર્ગેટ અપાયો છે. વોર્ડમાં કોર્પોરેટર, સંગઠન, મોરચા અને સેલના હોદ્દેદારો હોય અને તે તમામને રકમ એકઠી કરવા માટે સૂચના આપવામાં આવી હોય વોર્ડમાં જ સંગઠન અને કોર્પોરેટર્સ વચ્ચે કોની કોની પાસેથી રકમ એકઠી કરવી તેની હોડ જામી છે.;
કોણ કોની પાસે જશે? કોની પાસેથી કેટલી રકમ એકઠી કરવી? તેના પ્લાન શરૂ થયા છે, કોના કહેવાથી ક્યો વેપારી કેટલી રકમ આપશે, તેવા આયોજન થયા છે. મોટો ટાર્ગેટ હોવાથી કોઇપણ વ્યક્તિ પાસેથી 10 હજારથી ઓછી રકમ નહી સ્વીકારવાની પણ સૂચના અપાઈ છે એટલું જ નહીં તમામ રકમ ચેકથી જ એકત્રિત કરવાની છે અને તેની પહોંચ પણ અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.