કોરોના વેક્સિનેશન:જિલ્લામાં અનેક લોકો રસી લેવા તૈયાર ન હોવાથી તંત્રની ઝુંબેશ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ 41 હજાર લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ 41 હજાર લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. તંત્રએ ફરી વેક્સિનેશનને વેગવંતું બનાવવા સોમવારે આરોગ્ય વિભાગની 212 ટીમ સાથે જિલ્લા પંચાયતના વર્ગ-1ના 11 અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારમાં જઈ લોકોને સમજાવી રસી લેવડાવી હતી.

રાજકોટ જિલ્લામાં હજુ પણ લોકો કેટલીક ગેરમાન્યતા ધરાવે છે. જેના કારણે કોરોનાની રસી લેવાથી દૂર ભાગે છે. જિલ્લામાં ધોરાજી નગરપાલિકા, ઉપલેટા નગરપાલિકા તેમજ જસદણ, વીંછિયા, છાસિયા, ઓરી, લાખાવડ, પારેવાડા સહિતના ગ્રામીણ વિસ્તારમાં લોકો રસી લેતા નથી. જેના કારણે તંત્રનો પ્રથમ ડોઝ પૂર્ણ કરવાનો ટાર્ગેટ પૂર્ણ થતો નથી. આ કારણે આરોગ્ય વિભાગે છેલ્લા બે દિવસથી ફરી વેક્સિનેશનને વેગવંતું બનાવ્યું છે. જેમાં શનિવાર અને રવિવારના દિવસે પણ વેક્સિન આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

જ્યારે સોમવારે જિલ્લામાં 10,043 લોકોને વેક્સિન અપાઈ હતી. રાજકોટ જિલ્લાના 400થી વધુ ગામડામાં 100 ટકા વેક્સિનેશનના પ્રથમ ડોઝની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં પ્રથમ ડોઝની સંખ્યાની વાત કરીએ તો 10,91,359 લોકોએ લઈ લીધો છે. જ્યારે બીજો ડોઝ 6,68,381 લોકોએ લઈ લીધો છે. ટકાવારીની દૃષ્ટિએ પ્રથમ ડોઝ 96 ટકા અને બીજો ડોઝ 60 ટકા લોકોએ લઈ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...