રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ભાદર ડેમની 900મીમીની મુખ્ય લાઈનમાં લીલાખા પાસે ભંગાણ સર્જાયું છે. જેને પગલે શહેરમાં રવિવારે અને સોમવારે પાણીકાપ ઝીકવામાં આવ્યો છે. એક તરફ રાજકોટમાં મનપા દ્વારા સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ મેયર દ્વારા લૂલો બચાવ કરીને 'હાલ અનેક વિસ્તારમાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે' તેવું જણાવામાં આવ્યું છે. જેને પગલે શહેરમાં હજુ પણ ટેન્કર પ્રથા યથાવત હોય તેવું સામે આવી રહ્યું છે.
લીલાખા પાસે ભંગાણ સર્જાયું છે
આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, ભાદર ડેમની 900મીમીની મુખ્ય લાઈનમાં લીલાખા પાસે ભંગાણ સર્જાયું છે તેથી તેના રિપેરિંગ માટે તા. 8મીએ વોર્ડ નં 13માં ગુરૂકુળથી ગોંડલ રોડ હેડવર્કસના તમામ વિસ્તારો તેમજ બીજા દિવસે 9મીએ વોર્ડ નં. 11, 12, 7, 14 અને 17ના વિસ્તારોમાં પાણીકાપ રહેશે.
50 લાખ લિટરનો બગાડ થયાનો અંદાજ
ઉલ્લેખનીય છે કે લાઈન લિકેજના કારણમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે લાઈન 30 વર્ષ જૂની છે અને તળિયાના ભાગે કટાઈ જવાથી લિક થઈ હશે. લિકેજ તો જૂનું હશે પણ પાણી સપાટી પર આવ્યું અને રોડની બાજુમાં જ વહેણ ચાલુ થયા તો મનપાને ખ્યાલ આવ્યો હતો. દરરોજ આશરે 7 લાખ લિટર પાણી વહી જવાથી કુલ 50 લાખ લિટરનો બગાડ થયાનો અંદાજ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.