હત્યા:ધાર્મિક, સત્સંગની વાતો કરતા વૃદ્ધને પડોશીએ પાઇપ ઝીંકી પતાવી દીધા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર રોડ પરના નાગેશ્વર વિસ્તારની ઘટના
  • ગાંધીગ્રામ પોલીસે આરોપીને ગણતરીની મિનિટોમાં ઝડપી લીધો

જામનગર રોડ, નાગેશ્વરમાં આવેલા સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા કિરીટભાઇ શાહ નામના 70 વર્ષના વૃદ્ધ પર પાડોશમાં જ રહેતા અભય ઉર્ફે મોન્ટુ હર્ષદ વ્યાસ નામના શખ્સે ખૂની હુમલો કરતા શનિવારની રાત્રિના સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

ખાનગી પેઢીમાં નોકરી કરતા ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર વિશાલભાઇએ પોલીસને જણાવ્યું કે, શનિવારે સાંજે છ વાગ્યાના અરસામાં પિતા કિરીટભાઇ ઘર પાસે બેઠા હતા. ત્યારે ત્યાં અભય ઉર્ફે મોન્ટુ પણ હાજર હતો. તે સમયે કોઇપણ કારણોસર અભય ઉર્ફે મોન્ટુએ પિતા સાથે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા અભય ઉર્ફે મોન્ટુએ કોઇ બોથડ પદાર્થથી હુમલો કરી પિતાને માથામાં તેમજ પગમાં ઘા ઝીંકી નાસી ગયો હતો. જોકે બનાવ સમયે પોતે ઓફિસે હોય બહેને ફોન કરી બનાવની જાણ કરી હતી. ત્યારે બહેન પિતાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.

ગાંધીગ્રામ પોલીસમથકના પીઆઇ જી.એમ.હડિયાએ વિશાલભાઇની ફરિયાદ પરથી અભય ઉર્ફે મોન્ટુ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીને પકડવા દોડધામ શરૂ કરી હતી. તે સમયે આરોપી અભય ઉર્ફે મોન્ટુ સકંજામાં સપડાય ગયો હતો. અભય ઉર્ફે મોન્ટુની પ્રાથમિક પૂછપરછ કરતા વૃદ્ધ કિરીટભાઇ ધાર્મિક અને સત્સંગની વાતો કરતા હોય પોતાને આવી વાતો નહિ ગમતા હુમલો કર્યાનું રટણ રટ્યું હતું. સકંજામાં આવેલો અભય ઉર્ફે મોન્ટુ બાર વર્ષ પહેલા માલવિયાનગર પોલીસમથક વિસ્તારમાં થયેલી હત્યામાં સંડોવાયેલો હોવાની પોલીસને માહિતી મળી છે.

દરમિયાન સારવારમાં રહેલાં વૃદ્ધ કિરીટભાઇનું રવિવારે મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આથી તેની સામે આઇપીસી કલમ 302 નો ઉમેરો કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...