તંત્ર સામે સવાલો:મોડેલ કલ્ચરની વાતો અને 98 જર્જરિત આંગણવાડીના રિપેરિંગમાં જ ધાંધિયા!

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુચિયાદડની આંગણવાડીમાં પોપડું પડ્યા બાદ પણ પગલાં સામે સવાલો
  • રાજકોટ જિલ્લા પંચાયતના અંધેર ‘વહીવટ’ સામે સર્જાતા સવાલો, ગ્રામજનો ખફા

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની 1360 આંગણવાડી પૈકી 90થી વધુ આંગણવાડીઓ જર્જરિત હોવાનું ચોપડે નોંધાયેલું છે, તાજેતરમાં રાજકોટ જિલ્લાના કુચિયાદડની 300 બાળક જ્યાં અભ્યાસ કરે છે તે આંગણવાડીમાં છતનું પોપડું પડતા ગભરાટ ફેલાઇ ગયો હતો. તે બાબતે જે તે વખતે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાઓની 27 જર્જરિત આંગણવાડીનું ત્વરિત રિપેરિંગ થશે અને તે બાબતે કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું, ખાટલે મોટી ખોડ કે, હજુ આંગણવાડીઓના રિપેરિંગની બાબતમાં કોઇ ખાસ પગલાં લેવાયાં નથી.

રાજકોટ જિલ્લા પંચાયતના મોભીઓએ મીડિયાને દૂર રાખી યોજેલી સંકલન સમિતિની બેઠકમાં પોતે જર્જરિત આંગણવાડી-ક્લાસરૂમો અંગે ડેટા એકત્રિત કરી તે અંગેની માહિતી માગી હોવાનું તેમજ આંગણવાડી સમિતિના મહિલા પ્રમુખ બેઠકમાં હાજર ન હતા તેવું જણાવ્યું હતું. તાજેતરમાં કુચિયાદડ ખાતે કે જ્યાં ગામના 300 બાળક જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હતા, ત્યાં છત પરથી પોપડું પડતાં છત પર જર્જરિત લોખંડના તાર, લોખંડના સળિયા દેખાવા લાગ્યા હતા. ત્યાં ચોમાસામાં લાઇટના પોલમાંથી પાણી ટપકે છે.

આંગણવાડીના રૂમનું બાંધકામ અત્યંત ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. ગાબડાંઓ પડેલી છત અને તેમાં પણ સિમેન્ટ તથા કોંક્રીટનો ભાગ ઊખડી ગયો છે. અકસ્માત સર્જાવાનો ભય સેવાઇ રહ્યો છે. જેને પગલે સ્થાનિકો દ્વારા આ જર્જરિત આંગણવાડી વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી પ્રચંડ માંગ ઉઠવા પામી રહી છે, છતા રિપેરીંગમાં ધાંધિયા થઇ રહ્યા છે.

સીડીપીઓએ જણાવ્યું હતું કે, 28 જર્જરિત કેન્દ્રનું રિપેરિંગ કરવા ઉચ્ચ કક્ષાએ માગણી કરી છે. રાજકોટ ગ્રામ્યના સણોસરા, ખોખડદળ, સરધાર ગૃહ સહિત 9 કેન્દ્ર આવે છે કે, જ્યાં રિપેરિંગની ત્વરિત જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...