ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષમાં જ હોય રાજકીય ઉથલ-પાથલ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નારાજગી વ્યક્ત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં કમલમ ખાતે કેસરીયો ધારણ કરી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. ત્યારે હાર્દિકના એક સમયના સાથી અને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ કેસરીયો ધારણ કરવાના મૂડમાં હોય તેવી ચર્ચા ઉઠી હતી. રૂપાણી સાથે ગહન ચર્ચા કરતી તસવીર પોતાના જ વોટ્સએપ સ્ટેટસમાં મૂકી હતી. આ બાબતે દિવ્ય ભાસ્કરે લલિત વસોયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સારા માણસ સાથેની તસવીર સ્ટેટસમાં મૂકવામાં શું વાંધો.
હું રાજકારણ મૂકી દઉં
લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી ભાજપમાં જવાની તૈયારી બિલકૂલ નથી. પહેલી વાત એ છે કે, અત્યારે પણ ચોખવટ કરી દઉં કે તે સમયે મેં કહ્યું હતું કે, એક પણ ગ્રુપમાંથી લેફ્ટ થયો નથી. કોઈ આ વાત સાબિત કરી દે એટલે હું રાજકારણ મૂકી દઉં. વિજયભાઈ રૂપાણી સાથેની તસવીર સ્ટેટસ મૂકવાનું કારણ એ છે, 1 જૂને ઉપલેટામાં શહીદ વીરની પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ હતો. ત્યાં અમે ભેગા થઈ ગયા હતા. મેં વિજયભાઈ સાથે તસવીરનું વ્હોટસએપમાં સ્ટેટસ મૂક્યું એમાં શું ખોટુ? સારા માણસ સાથેનું સ્ટેટસ મૂકવામાં શું વાંધો. હાલ ભાજપમાં જવાની કોઈ વિચારણા નથી.2017માં મેં કોંગ્રેસમાં 65 વ્યક્તિને ટિકિટ અપાવી હતી. મને ટિકિટ ન મળે તેનો સવાલ જ નથી. જેને અફવા ફેલાવવી છે તે ફેલાવે છે. મારું તો બધા સાંભળે છે એટલે કોંગ્રેસમાં મારે કોઈ નારાજગી નથી.
આ તસવીર 1 જૂને ઉપલેટામાં યોજાયેલા કાર્યક્રમની
ઉપલેટામાં 1 જૂને શહીદ વીર રમેશ જોગલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહ્યા હતા. આ સમયે વિજય રૂપાણી અને લલિત વસોયા એકબીજાની પાસે બેઠા હતા અને બન્ને વચ્ચે ગહન ચર્ચા થઈ હોય તેવી તસવીર પણ સામે આવી હતી.
જયેશ રાદડિયા આયોજીત ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી
તાજેતરમાં જ જામકંડોરણા ખાતે પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં લલિત વસોયાએ હાજરી આપી હતી. જયેશ રાદડિયા દ્વારા લલિત વસોયાનું મોમેન્ટો આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે વિજય રૂપાણી અને લલિત વસોયાએ ગહન ચર્ચા કરી હોય તેવી તસવીર સામે આવી હતી. આ જ તસવીર લલિત વસોયાએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી છે.
વસોયા જાય તો 7 MLA પણ લાઇનમાં હોવાની ચર્ચા
જો લલિત વસોયા ભાજપમાં પ્રવેશ કરે તો સૌરાષ્ટ્ર કોંગ્રેસના 7 ધારાસભ્યો પણ લાઇનમાં છે તેવું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાર્દિક પટેલનાં ગ્રુપનાં અનેક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની તૈયારીમાં છે, પણ જો ભાજપ ટિકિટનું વચન આપે તો. ત્યારે હાલ તો અડધી કોંગ્રેસે ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે વર્ષોથી ટિકિટની રાહ જોઇ બેઠેલા ભાજપના હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસના નેતાઓને જો ભાજપ ટિકિટ આપશે તો સ્વીકારશે નહીં જ. એવી ભાજપમાં અંદરખાને ચર્ચા થઇ રહી છે.
શું હતું સ્ક્રિનશોટમાં?
સોશિયલ મીડિયામાં કોંગ્રેસના 3 વ્હોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાઈરલ થયા હતા. જેમાં જસદણ કોંગ્રેસ પરિવાર, રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ 2022ના વ્હોટ્સએપ ગ્રુપમાંથી લલિત વસોયા લેફ્ટ થયા હોય તેવું લખેલું હતું. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના જામકંડોરણામાં પાંજરાપોળ ખાતે ભાજપના નેતા જયેશ રાદડિયા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પૂર્વ CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં કોંગી MLA લલિત વસોયાએ હાજરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.