તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરવે શરૂ:ખેતીમાં ભારે નુકસાનને લઈ ગાંધીનગરથી ટીમ સરવે માટે રાજકોટ જિલ્લામાં પહોંચી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાગજીભાઈ ભાયાણી (કૃષિ નિષ્ણાંત) - Divya Bhaskar
નાગજીભાઈ ભાયાણી (કૃષિ નિષ્ણાંત)
  • જે ગામડાંમાં વધુ નુકસાની થઈ છે ત્યાં સરવે શરૂ કરી દેવાયો

રાજકોટ જિલ્લામાં એક સાથે તૂટી પડેલા વરસાદના પગલે અનેક જગ્યાએ તારાજીના દૃશ્યો સર્જાયા છે. જેથી સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયું છે. ખેતરો જાણે દરિયાઇ પટ બની ગયા છે. મકાનો પણ ધરાશાયી થયા છે. અનેક જગ્યાએ પશુ તણાયા છે. ત્યારે નુકસાનીને લઈ સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લામાં સોમવારે વહેલી સવારથી બપોર સુધી વરસેલા અનરાધાર વરસાદે તારાજી સર્જી દીધી છે. જે ખેડૂતો છેલ્લા બે મહિનાથી મેઘરાજાને મન મૂકીને વરસવાની પ્રાર્થના કરી રહ્યાં હતાં તે ધરતીપુત્રો માટે મેઘો જ મુસીબત બનતા હવે વરુણદેવને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યાં છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ખેતરોમાં ધોવાણ થયું છે.

ગોંડલ તેમજ જામકંડોરણાના કેટલાક ગામો તેમજ લોધિકાના 20 ગામમાં ખેડૂતોના ખેતરો નદીમાં ફેરવાયા છે. ઊભા પાકનો સફાયો થયો છે. અનેક લોકોનો આશરો પણ મેઘરાજાએ છીનવી લીધો છે. ત્યારે આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને કંટોલરૂમ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ નુકસાનીને લઈ સરવે શરૂ કરવામાં આવ્યો છે.

ખેતીમાં નુકસાનને લઈ ગાંધીનગરથી ટીમ સરવે માટે આવી છે. જિલ્લા તંત્ર પણ સરવેની કામગીરીમાં લાગ્યું છે. જે પશુપાલકોના પશુઓ તણાયા છે તેમજ જ્યાં જ્યાં મકાનો ધરાશાયી થયા છે તેની વિગત એકઠી કરવામાં આવી રહી છે. સરવે બાદ તમામ રિપોર્ટ મેળવી અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં પાછોતરા વાવેતર માટે વરસાદ આશીર્વાદ, પાણીનો નિકાલ નથી ત્યાં મગફળીમાં ફુગનું સંકટ
સૌરાષ્ટ્રમાં જ્યાં એક સાથે વરસાદ તૂટી પડ્યો છે. ત્યાં ખેતી માટે આ વરસાદ નુકસાનરૂપ સાબિત થશે. જે વિસ્તારોના ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાય રહે છે ત્યાં મગફળીને નુકસાન થશે. પાણી ભરાય રહેવાથી અને હવા ન મળવાથી મગફળીમાં ફુગનું સંકટ છે. ફુગના કારણે મગફળીના ડોડવા બગડવા લાગે છે. જ્યાં ખેડૂતોએ આગોતરું વાવેતર કરેલ છે અને ડોડવા બેસી ગયા છે ત્યાં જ નુકસાન થશે. જે વિસ્તારમાં મગફળીનું પાછોતરું વાવેતર થયું છે અને સૂયા બેઠા છે તેને નુકસાન થવાની શક્યતા ઘણી ઓછી છે. સાથે જ જો નવરાત્રી દરમિયાન પણ આવો વરસાદ ખાબકશે તો ગત વર્ષની જેમ ખેડૂતોની તૈયાર મગફળી બગડવાનો ખતરો છે.

કપાસમાં પણ વધુ વરસાદથી ફાલ ખરી ગયો છે, પરંતુ સમયસર વરાપ નીકળશે તો ફરી ફાલ બેસી જશે. જોકે વધુ ભેજવાળા વાતાવરણના કારણે મગફળીની જેમ કપાસનું જ્યાં આગોતરું વાવેતર છે ત્યાં ગુલાબી ઈયળોનો ખતરો વધી જશે. સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં પાણી વધુ સમય સુધી ભરાઈ રહેતું હોવાથી અહીં મગફળી તેમજ કપાસ અને કઠોળના પાકને નુકસાન થશે.

ડુંગળી તેમજ મરચીના પાકમાં પણ લાંબા સમય સુધી પાણીનો ભરાવો રહેશે તો નુકસાનીની ભીતિ છે. બીજી તરફ જે ખેડૂતોએ હાલ એરંડાનું વાવેતર કરી દીધું છે અને ઉપર સતત વરસાદ વરસ્યો છે ત્યાં પાકના ઉગવા પર માઠી અસર વર્તાઈ શકે છે, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ચિત્ર જોઈએ તો આ વરસાદથી નુકસાન કરતા ફાયદો વધુ છે. વાવણી વહેલી હોવાથી આ વર્ષે શિયાળુ પાકનું વાવેતર રેકોર્ડબ્રેક થશે.

અન્ય સમાચારો પણ છે...