ઘરેલુ હિંસા:રાજકોટમાં તારા પિતાને કે ફ્લેટ લઇ દે, ઘરનું ભાડું પોસાતું નથી, કહી પતિએ ઝઘડો કરી પરિણીતાને તરછોડી દીધી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુશિક્ષિત પરિણીતા સાસરિયાંઓના ત્રાસનો ભોગ બની, પોલીસમાં ફરિયાદ

સાસરિયાંઓ દ્વારા પુત્રવધૂને યેનકેન પ્રકારે ત્રાસ આપવાના વધી રહેલા બનાવો સમાજ માટે ચિંતા અને ચિંતનનો વિષય બની ગયા છે. ત્યારે વધુ એક સુશિક્ષિત પરિણીતા સાસરિયાંઓના ત્રાસનો ભોગ બનતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. રૈયા સર્કલ પાસે આવેલા જેએમસી નગરમાં છેલ્લા છ મહિનાથી એકલી રહી ખાનગી પેઢીમાં નોકરી કરતી દેવલબેન નામની પરિણીતાએ સાધુવાસવાણી રોડ, નંદનવન પાર્કમાં રહેતા પતિ નિરવ, સસરા હિતેશભાઇ ટોળિયા, સાસુ લતાબેન અને નણંદ હિરલબેન રોનકભાઇ તેજાણી સામે ફરિયાદ નોંધાવી છે.

એમ.એ.સુધી અભ્યાસ કરનાર દેવલબેનની ફરિયાદ મુજબ, તેના લગ્ન તા.14-8-2020નાં નિરવ સાથે થયા છે. લગ્નના દોઢ મહિના બાદ પોતે પીરિયડમાં આવતા સાસુ નવરાત્રીના નિવેદ હોવાથી આપણા ઘરમાં આભડછેટ લાગે તેમ કહી પોતાને પિયરમાં મોકલી દીધી હતી. બાદમાં પરત સાસરે જતા પતિ, સસરા સહિતનાઓ ઝઘડાઓ કરતા હોય પોતે ફરી પિયર આવી ગઇ હતી. થોડા દિવસ બાદ પતિએ ફોનમાં આ ઝઘડા પાછળ પિતાનો જ વાંક હોવાની વાત કરી પોતાને ઘરે પરત આવી જવાની વાત કરી હતી. જેથી પોતે સાસરે જતી રહી હતી. પતિ નિરવ જેતપુર ધંધો કરતા હોય સવારે તે જતા રહેતા હતા.

પાછળથી સાસુ-સસરા સહિતનાઓ પોતાને યેનકેન પ્રકારે ત્રાસ આપી તારા કારણે જ ઘરમાં ઝઘડાઓ થાય છે તેમ કહી મેણાં મારતા હતા. એક વખત તો પોતાને સાસુ-સસરા મારવા દોડતા પોતે ઘરની બહાર નીકળી ગઇ હતી. પાછળથી સાસુ-સસરાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. તે સમયે કર્ફ્યૂ અમલમાં હોય પોતે સહેલીના ઘરે રાત રોકાયા બાદ પિયર જતી રહી હતી. આટલુ થવા છતાં વડીલોએ સમાધાનનો માર્ગ અપનાવી પોતાને તેમજ પતિ નિરવ અલગ રહેવા લાગ્યા હતા.

દરમિયાન પતિ નિરવ એક દિવસ ઘરે નહીં આવતા સસરાનો ફોન આવ્યો કે નિરવને તાલપત્રી ચોરીના ગુનામાં જેતપુર પોલીસ પકડી ગઇ છે. નિરવને છોડાવવા માટે તારા પિતા પાસે પૈસા માંગતા તેમણે દેવાની ના પાડી દીધી તેમ કહી ઝઘડો કર્યો હતો.

પતિ નિરવ છૂટી ગયા બાદ ઘરે આવ્યા હતા અને તારા પિતાને કહે કે ફલેટ લઇ આપે, મને ઘરનું ભાડુ ભરવું પોસાતું નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા પતિ નિરવ તેનો સામાન લઇ પોતાને તરછોડી તેના માતા-પિતા સાથે રહેવા જતા રહ્યા હતા. ત્યારથી પોતે એકલી રહે છે. પતિ, સાસુ-સસરા, નણંદના અવારનવાર ત્રાસથી અંતે કંટાળી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...