• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Syndicate Mahesh's Melimurad Arranges For Sohil, Who Was Arrested In 2013 At His Own College, To Become A Professor Of Sociology.

ભાસ્કર બ્રેકિંગ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મહેશની મેલીમુરાદ, કોલેજમાં 2013માં ડમીકાંડમાં પકડાયેલા સોહિલને સોશિયોલોજીમાં પ્રોફેસર બનાવવા કરી’તી ગોઠવણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભલામણનો સ્ક્રીનશોટ - Divya Bhaskar
ભલામણનો સ્ક્રીનશોટ
  • 8 વર્ષ પહેલા હરિવંદના કોલેજમાં NSUIના તત્કાલીન પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહના બદલે સોહિલ જેરિયા પરીક્ષા આપતો’તો, ગુનો પણ નોંધાયો હતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં પણ ભલામણકાંડ થયા બાદ વધુ એક શરમથી માથું ઝૂકી જાય એવી ઘટના પ્રકાશમાં આવી છે. 8 વર્ષ પહેલા શહેરની હરિવંદના કોલેજમાં એલએલબી સેમેસ્ટર-1ની પરીક્ષામાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલના ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપતા પકડાયેલા સોહિલ જેરિયાને તે જ કોલેજના સંચાલક અને યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં કરાર આધારિત ભરતીમાં પ્રોફેસર તરીકે લેવા ભલામણ કરી હોવાનો પર્દાફાશ થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોની લાગવગશાહી અને મામકાવાદને કારણે શિક્ષણનું સ્તર કેટલી હદે કથળ્યું છે તેનો આ જીવંત પુરાવો છે. વર્ષ 2013માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી એલએલબી સેમેસ્ટર-1ની પરીક્ષામાં પરીક્ષાર્થી વિવેક હિરાણીને બદલે એક બાળઆરોપી તેમજ આદિત્યસિંહ ગોહિલને બદલે સોહિલ ફકીરમહંમદ જેરિયા અલગ રૂમમાં બેસી પેપર લખતા પકડાયા હતા અને તેમની સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરાયો હતો. જે કોલેજમાં આ સમગ્ર ડમીકાંડ પકડાયું હતું તે હરિવંદના કોલેજના જ સંચાલક અને હાલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી તે સોહિલ જેરિયાની કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં યુનિવર્સિટીના સોશિયોલોજી ભવનમાં પસંદ કરવા બીજેપી સિન્ડિકેટના ગ્રૂપમાં ભલામણ કરી હતી.

આઠ વર્ષ પહેલા હરિવંદના કોલેજમાંથી આદિત્યસિંહના ડમી તરીકે પકડાયેલા સોહિલ જેરિયાને યુનિ.માં પ્રોફેસર બનાવવા ભલામણ કરી છે તે મહેશ ચૌહાણ હરિવંદના કોલેજના ટ્રસ્ટી છે.
આઠ વર્ષ પહેલા હરિવંદના કોલેજમાંથી આદિત્યસિંહના ડમી તરીકે પકડાયેલા સોહિલ જેરિયાને યુનિ.માં પ્રોફેસર બનાવવા ભલામણ કરી છે તે મહેશ ચૌહાણ હરિવંદના કોલેજના ટ્રસ્ટી છે.

BJP સિન્ડિકેટના ગ્રૂપમાં મહેશ ચૌહાણે સોહિલને યુનિવર્સિટીમાં સેટ કરવા મેસેજ મૂક્યો હતો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોના અનઓફિશિયલી બનેલા ગ્રૂપ બીજેપી સિન્ડિકેટ 21-24માં મોટાભાગના સિન્ડિકેટ સભ્યોએ પોતાના માનીતાઓને પસંદ કરવા ભલામણ કરી હતી જેમાં સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણે પણ અગાઉ ડમી તરીકે પકડાયેલા સોહિલ ફકિરમહંમદ જેરિયાના નામની ભલામણ કરી હતી. ગ્રૂપમાં સોહિલની શૈક્ષણિક લાયકાત એમએ, એમ.ફિલ, પીએચડી, જીસેટ બતાવી હતી અને 4 ઓક્ટોબરના રોજ ઈન્ટરવ્યૂ લેવાયું હતું જેમાં સોશિયોલોજી ભવનમાં ગોઠવણ કરવા ભલામણ કરી હતી.

‘દિવ્ય ભાસ્કરે’ 2013માં સ્ટિંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો હતો
8 વર્ષ પહેલા પણ હરિવંદના કોલેજમાં લોની પરીક્ષા દરમિયાન ‘દિવ્ય ભાસ્કરે’ પોલીસને સાથે રાખીને દરોડો પાડીને ભાજપ સમર્થિત શિક્ષણશાસ્ત્રીના પુત્ર અને કોંગ્રેસના વિદ્યાર્થી નેતાની બદલે પરીક્ષા આપી રહેલા ડમી ઉમેદવારોને પકડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તે સમયના સિન્ડિકેટ સભ્ય ચંદ્રકાંત હિરાણીના પુત્ર વિવેક હિરાણી અને NSUIના તત્કાલિન પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલના ડમી વિદ્યાર્થી તરીકે સોહિલ જેરિયા જુદા રૂમમાં બેસીને પેપર લખી રહ્યા હતા. જેમાં પોલીસે સોહિલ સહિતના 7 સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...