સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 8 અને 9 જૂને કરારી પ્રોફેસરની ભરતીના ઈન્ટરવ્યૂ થવાના છે ત્યારે આ પ્રક્રિયા યુજીસીના નિયમોને આધીન થવાને બદલે યુનિવર્સિટીના સત્તાધીશોના પોતાના ઘડેલા નિયમોના આધારે થઇ રહી હોવાની વાતને લઈને વિવાદ જાગ્યો છે. ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરિશ ભીમાણીએ શનિવારે એવું સ્વીકાર્યું હતું કે, કરાર આધારિત પ્રોફેસરોને રૂ.40 હજાર પગાર આપવાની જોગવાઈ અને નિયમ યુજીસીમાં ક્યાંય નથી પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં જ ઠરાવ કરીને નક્કી કરાયું છે.
એટલે કે યુનિવર્સિટીના સત્તાધીશો ખુદ પોતાને યોગ્ય લાગે તેવા નિર્ણયો કરીને ઠરાવ કરીને અમલ પણ કરી દે તેવી આડેધડ વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુજીસીના નિયમના નામે અત્યાર સુધી અનેક નિર્ણયો અને ગાઈડલાઈન એવી બનાવી દીધી કે એ ખરેખર યુજીસીમાં છે જ નહીં. યુજીસીમાં કરાર આધારિત પ્રોફેસરો લેવાનું કહ્યું જ નથી કાયમી પ્રોફેસરો જ ભરવા જણાવાયું છે. કાયમી અધ્યાપકોની ભરતીમાં જ અનામત પ્રથા લાગુ કરવામાં આવી છે.
આ ઉપરાંત કરારી પ્રોફેસરોના પગાર અગાઉ યુનિવર્સિટીએ યુજીસીના નિયમો અને ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને 40 હજાર કરાયા હોવાનું કહ્યું હતું પરંતુ બાદમાં શનિવારે કુલપતિએ સ્વીકાર્યું કે, યુજીસીએ 40 હજાર પગાર આપવાનું કહ્યું જ નથી પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં સભ્યોએ આંતરિક સમજૂતીથી 40 હજાર પગાર આપવાનું નક્કી કરીને નિર્ણય કરી નાખ્યો અને અમલી પણ કરી દીધો.
આ ઉપરાંત પગારનું ભારણ પણ યુનિવર્સિટી નહીં પરંતુ રાજ્ય સરકાર ઉપર આવવાનું છે. અત્યાર સુધી કરાર આધારિત પ્રોફેસરોને પ્રતિ માસ રૂ. 25 હજાર પગાર ચૂકવાતો હતો પરંતુ નવી ભરતીમાં વધારીને 40 હજાર કરી દેવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.