ક્રાઇમ:ગોકુલપાર્કમાં પાડોશી વચ્ચે તલવાર ખેંચાઇ, હુમલો-તોડફોડમાં 4ને ઇજા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજી ડેમ પાસે બાઇકની લાઇટ પાડવા મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી
  • સારવાર બાદ બંને જૂથના આરોપીઓની ધરપકડ કરાશે

સામે કેમ જુએ છે, કાવો કેમ માર્યો, ગાળ કેમ આપે છે, આવી સામાન્ય બાબતોએ શહેરમાં ઘાતક હથિયારો સાથે લોકો આમને સામને આવી ગંભીર ગુનાને અંજામ આપી રહ્યાં છે. ત્યારે રોજિંદા બની ગયેલા આ પ્રકારના બનાવો વચ્ચે વધુ એક બનાવમાં બાઇકની લાઇટ પાડવાના મુદ્દે બે જૂથ વચ્ચે તલવાર, પાઇપ જેવા હથિયારો સાથે રોડ પર ઉતરી આવી સામસામે હુમલો કરતા બંને જૂથના ચાર વ્યક્તિને ઇજા થઇ છે. સામસામા હુમલામાં બંને પક્ષના ચાર વ્યક્તિને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. અને ઇજાગ્રસ્ત શૈલેષ ચાવડા તેમજ રોનલાલ કુમાવતની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધ્યો છે.

જૂના મહિકા રોડ, ગોકુલપાર્કમાં રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા શૈલેષ જીવાભાઇ ચાવડા નામના યુવાને પાડોશમાં રહેતા અક્ષય બાલમુકુંદ, બાલમુકુંદ, રોશનલાલ, હુકમીચંદ સામે તલવાર, ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. બુધવારે રાતે પોતાના બાઇકની લાઇટ આરોપી અક્ષય પર પડતા તે કેમ બાઇક મારી ઉપર નાંખ્યું તેમ કહી ઝઘડો કર્યો હતો. આ સમયે અન્ય આરોપીઓ પણ આવી જતા હુમલો કર્યો હતો.

જ્યારે સામા પક્ષે રોશનલાલ રામલાલ કુમાવતે શૈલેષ જીવા ચાવડા, મિતેશ શૈલેષ, વિજય અને હકા સામે છરી, તલવારથી હુમલો કરી પોતાને તેમજ હુકમીચંદને અને બાલમુકુંદભાઇને ગંભીર ઇજા પહોંચાડ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. આરોપી શૈલેષે તેનું બાઇક અક્ષયને અડાડી દેવાના મુદ્દે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી અક્ષયની રિક્ષામાં તોડફોડ કરી હતી. જેથી શા માટે રિક્ષામાં તોડફોડ કરો છો તેમ કહેતા આરોપીઓ પોતાના અને સાથે રહેલા અન્ય ત્રણ પણ હુમલો કર્યો હતો. સારવાર લઇ રહેલાઓને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ બંને જૂથના આરોપીઓની પોલીસ ધરપકડ કરશે. છાશવારે સામાન્ગ બાબતે હુમલાના બનાવો રોજિંદા બની ગયા છે. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...