ભાસ્કર એક્સક્લુઝિવ:રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો ફૂંફાડો; બે જ મહિનામાં 88 કેસ અને 3 મોત, સિવિલમાં હજુ એક દાખલ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનામાં ઓગસ્ટ દરમિયાન 840 પોઝિટિવની સામે 3 મોત થયા હતા તેથી મૃત્યુદર મામલે સિઝનલ ફ્લૂ હજુ પણ આગળ
  • કોરોના હળવો પડતાં જ 2 વર્ષથી છુપાયેલો H1N1 વાઇરસ ફરી સક્રિય થયો
  • હવે સિવિલમાં કોરોના, સિઝનલ ફ્લૂ અને મંકીપોક્સ એમ ત્રણ આઈસોલેશન વોર્ડ બનાવવા પડ્યા
  • મેલ અને ફીમેલ વોર્ડ તેમજ ઈમર્જન્સીમાં ડેન્ગ્યુની સારવાર

રાજકોટ શહેરમાં કોરોના હળવો પડ્યા બાદ તંત્ર આખું મચ્છરજન્ય રોગની ચિંતા કરવા લાગ્યું છે અને આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયા વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ દરમિયાન જ સ્વાઈન ફ્લૂ કે જેને સિઝનલ ફ્લૂ નામ અપાયું છે તેને દેખા દીધી છે અને મૃતાકાંક વધવા લાગ્યો છે.

રાજકોટમાં બે મહિનામાં સ્વાઈન ફ્લૂના 88 કેસ આવ્યા
શહેરી આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર રાજકોટમાં બે મહિનામાં સ્વાઈન ફ્લૂના 88 કેસ આવ્યા છે અને 3નાં મોત નીપજ્યાં છે. માત્ર બે જ મહિનામાં 3ના જીવ ગયા તેથી સ્વાઈન ફ્લૂનો મોર્ટાલિટી રેટ 4 ટકા જેટલો ઊંચો જઈ રહ્યો છે જ્યારે બીજી તરફ ઓગસ્ટ મહિનામાં કોરોનાના 840 કેસ આવ્યા હતા તેમાંથી 3નાં મોત થયા હતા તેથી હાલની સ્થિતિએ કોરોના કરતા સ્વાઈન ફ્લૂ વધારે ઘાતક બની રહ્યો છે.

કેટેગરી-3ના દર્દીઓની જ નોંધ કરવામાં આવી રહી છે
બીજી તરફ કોરોનાના તમામ કેસ જાહેર કરાઈ રહ્યાં છે જ્યારે સ્વાઈન ફ્લૂ હવે નોટિફાઈડ રોગ ન હોવાથી માત્ર ગંભીર દર્દીઓ એટલે કે જે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે તેવા કેટેગરી-3ના દર્દીઓની જ નોંધ કરવામાં આવી રહી છે. આ કારણે સ્વાઈન ફ્લૂના હકીકતે ઘણા કેસ હોઈ શકે જે હજુ ચોપડે આવ્યા નથી તેની શંકા નકારી શકાતી નથી. હાલ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂનો એક દર્દી દાખલ છે.

સિવિલમાં 3-3 આઈસોલેશન વોર્ડ ઊભા કરાયા
​​​​​​​
આ કારણે હવે સિવિલમાં 3-3 આઈસોલેશન વોર્ડ ઊભા કરાયા છે. કોરોનાને કારણે એક વોર્ડ છે જેમાં એક દર્દી પણ દાખલ છે. બીજો અલગથી વોર્ડ છે જેમાં સ્વાઈન ફ્લૂનો દર્દી છે તેમજ કેન્દ્રીય આરોગ્ય વિભાગની એડવાઈઝરી પ્રમાણે મંકીપોક્સની શક્યતાને લઈને એક વોર્ડ રાખ્યો છે જે હાલ ખાલી જ છે. તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર હાલ જે દર્દી દાખલ છે તેની તબિયત સ્થિર છે.

ફરી સ્વાઈન ફ્લૂએ દેખા દીધી ​​​​​​​
પબ્લિક હેલ્થના નિષ્ણાતો જણાવે છે કે, જ્યારે કોઇ એક વાઇરસ સક્રિય હોય છે ત્યારે બીજા વાઇરસ નિષ્ક્રિય બની જાય છે. આ કારણે છેલ્લા 2 વર્ષથી સ્વાઈન ફ્લૂના કેસ આવી રહ્યાં ન હતા જ્યારે આ પહેલા દર વર્ષે કેસ નોંધાતા હતા. હવે ફરી સ્વાઈન ફ્લૂએ દેખા દીધી છે. બીજી તરફ ડેન્ગ્યુનો પણ ખતરો છે.

સિઝનલ ફ્લૂ હવે સામાન્ય રોગ સમાન થઈ ગયો છે
​​​​​​​
આ અંગે એઈમ્સના ડિરેક્ટર ડો. સીડીએચ કટોચ જણાવે છે કે, સિઝનલ ફ્લૂ હવે સામાન્ય રોગ સમાન થઈ ગયો છે અને સિઝન બદલે એટલે આ રોગ દેખા દે છે સામાન્ય રીતે વર્ષમાં બેથી ત્રણ વખત આવે છે. જ્યારે ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગ છે અને તે પણ બ્રીડિંગ સિઝન આવે એટલે થવાનો છે. બંને માટે લોકોનું આચરણ મહત્ત્વનું છે કોરોનાએ માસ્ક અને સ્વચ્છતા શીખવાડી છે તેનું પાલન કરતા રહેવું જોઈએ.

રાજકોટમાં કોરોનાના નવા 7 કેસ, 9 ડિસ્ચાર્જ
રાજકોટ શહેરમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. જેમાં 5 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે. નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર અને શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાંથી છ કેસ આવ્યા છે જ્યારે એક આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર છે. મોટાભાગના કેસ પશ્ચિમ રાજકોટમાં જ આવી રહ્યાં છે, તો વળી ડિસ્ચાર્જની સંખ્યા વધારે રહી છે. મંગળવારે પણ 9 ડિસ્ચાર્જ કરાતા હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 37 પર આવી ગઈ છે જ્યારે કુલ કેસનો આંક 65421 થયો છે.

અન્ય સમાચારો પણ છે...