મહેનત સફળ:સ્વિમિંગ, સાઇક્લિંગ, રનિંગ 06:18:10માં પૂરી કરી પાર્થ અને જય બન્યા આયરમેન

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોવામાં યોજાઇ વર્લ્ડ ટ્રાયથ્લોન એસોસિએશન દ્વારા આયરમેન ચેમ્પિયનશિપ
  • સોલો ઇવેન્ટમાં સિદ્ધાર્થે 07:53:46ના સમયમાં રેસ પૂર્ણ કરી, બે વર્ષની મહેનત સફળ

ઝડપ, શક્તિ અને સ્ફ્રૂર્તિ વાળી રમત એટલે ટ્રાયથ્લોન, આ રમતમાં નિર્ધારિત કરેલું તરવાનું, સાઇકલ ચલાવવાની અને દોડવાનું હોય છે. ત્યારે તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલી કઠિન ટ્રાયથ્લોન ચેમ્પિયનશિપમાં રાજકોટના ત્રણ ખેલાડીએ ટીમ રિલે અને સોલો ઇવેન્ટમાં ડંકો વગાડી આયરમેનનો ખિતાબ મેળવ્યો છે.

ગોવા ખાતે વર્લ્ડ ટ્રાયથ્લોન એસોસિએશન દ્વારા આયરમેન ચેમ્પિયનશિપ યોજાઇ હતી. આ ચેમ્પિયનશિપમાં 22 દેશના કુલ 1449 ખેલાડીએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટના પાર્થ કોટેચા અને જય રૂપાપરાએ ટીમ રિલેમાં અને સિદ્ધાર્થ જાહલાએ સોલો ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પાર્થે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે ત્રણેય ઘણા સમયથી સ્વિમિંગની રમતમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી છે. ત્યારે ટ્રાયથ્લોનની રમતમાં આ આયરમેન ચેમ્પિયનશિપ મહત્ત્વની ગણાતી હોય આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે અમે ત્રણેય કોચ બંકિમ જોશી, સાગર કક્કડ પાસે છેલ્લા બે વર્ષથી સખત પ્રેક્ટિસ કરી હતી. રોજ બેથી વધુ કલાક તાલીમ મેળવી હતી. બાદમાં વિશ્વાસ સાથે આયરમેન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગોવા ગયા હતા.

આ ચેમ્પિયનશિપમાં 8.30 કલાકમાં 1.9 કિ.મી. સ્વિમિંગ, 90 કિ.મી. સાઇક્લિંગ અને 21.1 કિ.મી. રનિંગ કરવાનું હતું. પોતે જય સાથે ટીમ રિલેમાં ભાગ લીધો હતો. પોતાને સ્વિમિંગ અને રનિંગ કરવાનું હતું. જ્યારે જયને સાઇક્લિંગ કરવાનું હતું. જેમાં બંનેએ 6 કલાક 18 મિનિટ અને 10 સેકન્ડમાં ઇવેન્ટ પૂર્ણ કરી આયરમેનનો ખિતાબ મેળવ્યો છે. જ્યારે સોલો ઇવેન્ટમાં સિદ્ધાર્થ જાહલાએ 7 કલાક 53 મિનિટ અને 46 સેકન્ડના સમયમાં રેસ પૂર્ણ કરી ખિતાબ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...