ક્રાઇમ:પ્રેમિકા પર શંકા કરી છરીના ઘા માર્યા, બાદમાં પ્રેમીએ જાતે છરીથી ઇજા કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરપ્રાંતીય પ્રેમીયુગલ હોસ્પિટલના બિછાને પહોંચ્યું
  • પ્રેમિકાનો ફોન સતત વ્યસ્ત આવતો હોય શંકા ઊઠી‘તી

શહેરની ભાગોળે જામનગર રોડ પર ખંઢેરીમાં વાડીમાં ખેતમજૂરી કરતા યુવકને તેની પ્રેમિકાના ચારિત્ર્ય પર શંકા જતાં તેણે ઉશ્કેરાઇને પ્રેમિકાને છરીના ઘા ઝીંકી દીધા બાદ પોતે પણ છરીથી ઇજા કરતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ખંઢેરીમાં કિશોરભાઇ કુહાડિયાની વાડીમાં ખેતમજૂરી કરતાં મૂળ ઉત્તરપ્રદેશના શિવમ વિશ્વકર્મા (ઉ.વ.29) અને તેની પ્રેમિકા રશ્મિ ગૌતમ (ઉ.વ.24)ને લોહિયાળ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શિવમ વિશ્વકર્માએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે તથા રશ્મિ ઉત્તરપ્રદેશના એક ગામના જ છે અને બંને વચ્ચે પ્રેમ થતાં એક વર્ષ પહેલા બંને ભાગીને ખંઢેરી આવી ગયા હતા અને ઉપરોક્ત વાડીમાં ખેતમજૂરી કરતા હતા. બંને લગ્નગ્રંથિથી જોડાવાના હતા પરંતુ લોકડાઉનને કારણે લગ્ન થઇ શક્યા નહોતા.

એકાદ મહિના પૂર્વે શિવમ પોતાના વતન ગયો હતો ત્યારે રશ્મિનો મોબાઇલ સતત વ્યસ્ત આવતો હતો, પ્રેમિકા રશ્મિને અન્ય કોઇ સાથે સંબંધ બંધાયાની શિવમને શંકા ઊઠી હતી, દશ દિવસ પૂર્વે શિવમ વતનથી પરત આવ્યો હતો અને તે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતી હતી, શુક્રવારે ફરીથી મોબાઇલની વ્યસ્તતા અંગે ઝઘડો થતાં શિવમે ઉશ્કેરાઇને પ્રેમિકા રશ્મિને સાથળના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, પ્રેમિકા પર હુમલો કર્યા બાદ શિવમે પોતાની જાતે પોતાના હાથમાં છરીનો ઘા ઝીંક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...