કાર્યવાહી:સૌ.યુનિ.ના માટી કૌભાંડમાં શારીરિક શિક્ષણના ડીન અને રજિસ્ટ્રારની શંકાસ્પદ ભૂમિકા, 5 સભ્યની કમિટી બનાવાઇ, 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે

રાજકોટ3 મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર.
  • કોન્ટ્રાક્ટરે ટ્રેક્ટરના 963 ફેરા કર્યા હોવાનું બોગસ બિલ મૂકી રૂ. 7.50 લાખ પાસ કરાવી લીધા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ચર્ચાસ્પદ બનેલા માટી કૌભાંડમાં એક પછી એક ખુલાસો થઇ રહ્યા છે. સૌપ્રથમ ટ્રેક્ટર નંબર GJ03HK 7271ની તપાસ કરતા આ નંબર અલ્ટો કારનો નીકળ્યા બાદ શુક્રવારે વધુ એક ટ્રેક્ટરનો નંબર GJ03ER 6176 પણ કારનો નીકળતા વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 5 સભ્યની કમિટી બનાવી છે. આ કમિટી 15 દિવસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. કમિટીની પ્રથમ બેઠક આગામી બુધવારે મળશે. જો કોઈ દોષિત સાબિત થશે તો કાયદાકીય પ્રક્રિયા કરાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં શારીરિક શિક્ષણના ડીન અને રજિસ્ટ્રાર જતીન સોનીની ભૂમિકા શંકાસ્પદ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

યુનિવર્સિટી કડક કાર્યવાહી કરશે- ઉપકુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં માટીને લઇને જે વિવાદ ઉઠ્યો છે તેમાં યુનિવર્સિટી કડક કાર્યવાહી કરવાની છે. આ તપાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક પાંચ સભ્યની કમિટી બનાવી છે. આ કમિટી 15 દિવસમાં રિપોર્ટ આપશે. જેની તપાસ કરવાની હશે તેની તપાસ કરશે. આમાં જે કોઇ કર્મચારી કે કોન્ટ્રાક્ટર સામેલ હશે તેની સામે કાયદાકીય કામગીરી કરશે.

બિલની ચૂકવણી કરવાની નોંધ મૂકી કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દીધા
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓડિટર દ્વારા બાંધકામ વિભાગના નાયબ કુલસચિવને લેખિતમાં આ બિલમાં દર્શાવેલા વાહનના નંબર કારના હોવાનું વાંધો લીધો હતો. પરંતુ છતાં રજિસ્ટ્રાર દ્વારા તમામ કામગીરી સંતોષકારક હોવાનું અને બિલની ચૂકવણી કરવાની નોંધ મૂકી કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દીધા હતા. આ સમગ્ર માટી કૌભાંડમાં રજિસ્ટ્રાર સહિતનાઓ સામે તપાસ સમિતિ નીમવા અને તટસ્થ તપાસ કરવા કુલપતિએ જણાવ્યું છે.

યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેશાણી.
યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેશાણી.

ટ્રેક્ટરના 963 ફેરા કર્યા હોવાનું બોગસ બિલ મૂકી દીધું હતું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રેક્ટરના 963 ફેરા કર્યા હોવાનું બોગસ બિલ મૂકી રૂ. 7.50 લાખ પાસ કરાવી લીધા હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે શુક્રવારે કુલપતિએ કોન્ટ્રાક્ટર પાસેથી વાહનના દસ્તાવેજ સહિતના પુરાવા મંગાવ્યા હતા પરંતુ ખરેખર 963 ફેરા માટી ક્યાંથી લીધી અને ક્યાં નાખી તેનું મોનિટરિંગ કોઈએ કર્યું નથી. આ પ્રકરણમાં તપાસના અંતે જવાબદારો સામે ફોજદારી રાહે પગલાં લેવાય તેવી સંભાવના છે.

ન ટેન્ડર કર્યું, ન વર્કઓર્ડર અપાયો, મૌખિક કામ સોંપી બિલ પાસ કરી દીધું!
માટી કૌભાંડમાં યુનિવર્સિટીની જુદી જુદી જગ્યાએ જરૂરિયાત પ્રમાણે માટી નાખવાની હોય આ કામ માટે ન ટેન્ડર પ્રક્રિયા કરી, ન વર્ક ઓર્ડર અપાયો. કોન્ટ્રાક્ટરને મૌખિક રીતે જ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા કામ સોંપાયું અને બિલ મૂકી દઈને સીધું જ પાસ કરી દેવાયું.

સ્પોર્ટ્સ સંકુલમાં વૃક્ષો કપાવી થડમાં રંગરોગાન કરી દીધા.
સ્પોર્ટ્સ સંકુલમાં વૃક્ષો કપાવી થડમાં રંગરોગાન કરી દીધા.

સ્પોર્ટસ સંકુલમાં જૂના વૃક્ષો કાપવામાં વિવાદ ઉભો થયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવતા વિવાદ ઉભો થયો છે. એક તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશો વૃક્ષારોપણ કરીને જંગલ બનાવી રહ્યાં છે. બીજી તરફ શારીરિક શિક્ષણ વિભાગના ડિરેક્ટર અને યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડો.જતીન સોની વૃક્ષોનું નિકંદન કરી રહ્યાં છે. સોની સ્પોર્ટ્સ સંકુલની માટી બારોબાર વેચી દેવાના બિલ મંજૂર કરવાના વિવાદમાં આવ્યા છે. જતીન સોની હવે સ્પોર્ટ્સ સંકુલમાં આવેલા મોટા વૃક્ષો કપાવી નાખવાના વિવાદમાં સપડાયા છે.

ટ્રેક્ટરના નંબરને બદલે અલ્ટો કારના નંબર નીકળ્યા.
ટ્રેક્ટરના નંબરને બદલે અલ્ટો કારના નંબર નીકળ્યા.

નંબર ટ્રેક્ટરના નહીં અલ્ટો કારના નીકળ્યાં
માટી કૌભાંડમાં દસ્તાવેજી પુરાવાઓ સામે આવ્યા છે. વાઉચરમાં GJ3 HK 7271 નમ્બરનું ટ્રેક્ટર દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આ નંબરનું ટ્રેક્ટર નહીં પણ અલ્ટો કાર છે. 7 લાખની માટી કૌભાંડના વાઉચરમાં ટ્રેક્ટરને બદલે અલ્ટો કારના નંબર છે. અલ્ટો કારના માલિક મિલન બાબુભાઈ ખૂટ છે. તેઓ રાજકોટમાં શિક્ષક છે. તેમજ મહિકા ગામના વતની છે. તેઓ ખેડૂત પુત્ર છે.

કોચે કુલપતિને લેખિત ફરિયાદ કરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડને લઇને યુનિવર્સિટીના પૂર્વ કોચે કુલપતિને ફરિયાદ કરી છે. યુનિવર્સિટીના સત્તાધિશોએ કોચને માટીના ફેરા ગણવાનું કામ આપ્યું હતું. આથી તેઓએ લેખિતમાં ફરિયાદ કરી છે કે, ત્રણ દિવસમાં 250 જેટાલ ફેરા માટીના નાખ્યા હતા. કોચ 11 મહિના કોન્ટ્રાક્ટ બેઇઝ હોવાથી થોડા સમય પહેલા તેમને છૂટા કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિવેદન નોંધવા માટે ગમે ત્યારે તેને બોલાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...