રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વીર સાવરકરનગર આવાસમાં આવેલા મંદિરની અંદર ભગવાનની મૂર્તિ ખંડિત થતા વાતાવરણ ડહોળાયું હતું. જાજા મોં એટલી વાતો, આ વાત વાયુવેગે ફરી વળતા આવાસમાં રહેતા રહેવાસીઓ સહિતનાઓના ટોળાં ભેગા થયા હતા. ભગવાનની મૂર્તિ કોઇએ ખંડિત કરી હોવાની માહિતી યુનિવર્સિટી રોડ પોલીસને મળતા તુરંત પીઆઇ વાય.બી.જાડેજા સહિતનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા.
વીર સાવરકરનગર આવાસ પહોંચેલી પોલીસ તપાસ કરવામાં આવતા વીર સાવરકરનગર આવાસમાં ખાલી જગ્યાએ એક મોટા ઓટલા પર મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં શિવલિંગ ઉપરાંત રાખવામાં આવેલી વિવિધ ભગવાનોની મૂર્તિઓ ખંડિત જોવા મળી હતી. આ સમયે આવાસમાં રહેતા રહેવાસીઓ અને મંદિરમાં સેવાપૂજા કરતા મયુરભારથી ગોસ્વામી સહિતનાઓ પણ ત્યાં હાજર હતા.
પોલીસે રહેવાસીઓ અને પૂજારીની પૂછપરછ કરી હતી. જેમાં તેમને કોઇ પર શંકા ન હોવાનું જણાવ્યું હતુ. ત્યારે મંદિરમાં સેવાપૂજા કરતા પૂજારી મયૂરભારથીની પૂછપરછ કરતા તેમને પણ કોઇ ઉપર શંકા-કુશંકા વ્યક્ત કરી ન હતી. પરંતુ બપોરના સમયે આવાસના જ બાળકો મંદિરમાં રમતા હોય તેમનાથી ભગવાનની મૂર્તિઓ ખંડિત થઇ હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારે ખોટું વૈમનસ્ય ફેલાય તે પહેલા જ ખુલાસો થઇ જતા વાતનું વતેસર થાય તે પહેલા જ અટકી જતા રહેવાસીઓએ તેમજ પોલીસતંત્રે રાહતનો દમ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.